જૈન ધર્મના ત્રેવીસમા તીર્થંકર : શ્રી પાર્શ્વનાથ .
પાર્શ્વનાથની પરંપરામાં ચતુર્યામ - ચાર વ્રતો
- આયુષ્ય ૧૦૦ વર્ષ
- સાપ યુગલ ધરણેન્દ્ર અને પદ્માવતીના રૂપમાં તેમનાં ભક્ત બન્યાં
- બિહારમાં આવેલા (પાર્શ્વનાથ પર્વત) સમેત શિખર પર તેઓ ઈ.સૂ.પૂર્વે ૭૭૨માં નિર્વાણ પામ્યા. જૈનોનું પવિત્ર યાત્રાધામ
- સમય શ્રી મહાવીરથી લગભગ ૨૫૦ વર્ષ પૂર્વેનો
નેમિનાથ પછી ત્રેવીસમા તિર્થંકર પાર્શ્વનાથ એક ઐતિહાસિક વ્યક્તિ હતા. તેમનો જન્મ વારાણસીના રાજા અશ્વસેન અને રાણી વામાદેવીના પુત્ર તરીકે ઈ.સ.પૂર્વે ૮૭૨ (અથવા ૮૧૭)માં થયો હતો. એટલે કે આશરે ૨૮૯૭ વર્ષો પહેલાં ! એકવાર તેઓ ગંગા નદીના તટે ફરતાં ફરતાં એક તપસ્વીને પંચાગ્નિ તપ કરતાં જોયાં. તપસ્વીએ અગ્નિમાં બળતણ નાંખવા માટે ઝાડ કાપવા માંડયું. પાર્શ્વનાથે પોતાની માનસિક શક્તિથી આ ઝાડની બખોલમાં બે સાપ જીવતાં હોવાનું જાણી લીધું, અને સાધુને ઝાડમાં નાગ-નાગણ હોવાથી ઝાડ ન કાપવા વિનંતી-આજીજી કરી, અને આ જાતના તપથી આધ્યાત્મિક ઉન્નતિ ન થતી હોવાનું જણાવ્યું, પણ સાધુએ ઝાડ કાપવાનું ચાલુ રાખ્યું, અને પોતે કાપેલાં ઝાડમાંથી બે સાપ નીકળતાં જોઈ તેઓ વ્યાકુળ બન્યાં. પાર્શ્વનાથે દુ:ખ અને પીડાથી કણસતા અને મૃત:પ્રાય સાપ યુગલને સળગતાં લાકડાથી અર્ધબળેલ સ્થિતિમાં બહાર કાઢયા. તેમને તેમની દયા આવી અને તેમનાં પ્રત્યે કરૂણાથી પ્રેરાઈને મોટેથી તેમની સમક્ષ પંચ-નમોકારનું (નવકાર મંત્રનું) ઉચ્ચારણ કર્યું. આ સાપ યુગલ ધરણેન્દ્ર અને પદ્માવતી રૂપમાં તેમનાં ભક્ત બન્યાં. ત્રીસ વર્ષની વયે પાર્શ્વનાથને જીવનની ક્ષણભંગુરતા અને ધર્મના નામે પ્રવર્તતી હિંસાને લીધે સંસાર ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. પાર્શ્વનાથ વનમાં ગયા, વસ્ત્રો અને આભૂષણો ઉતારી નાંખ્યા, પોતાના હાથે (લોસ કર્યો) કેશ દૂર કર્યાં અને તેઓ શ્રમણ (સાધુ) ધર્મના સઘળા નિયમોનું પાલન કરવા લાગ્યા. તેમને મન:પર્યાય (અન્યના વિચાર જાણવાનું) જ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ પ્રેમ અને પવિત્રતાથી દૈદીપ્યમાન લાગતા હતા. એવું કહેવાય છે કે જ્યારે તેઓ ઊંડા ધ્યાનમાં લીન હતાં ત્યારે રામ્બરદેવે (તપસ્વી સાધુએ) તેમનાં પર દુ:ખો વરસાવ્યાં. પેલાં સાપ યુગલને (ધરણેન્દ્ર અને પદ્માવતી) આની જાણ થતાં તેમની ઉપર પોતાની ફેણ પ્રસારી. તેથી આજે પાર્શ્વનાથની મૂર્તિમાં મસ્તક પર છત્રની જેમ નાગફેણ પ્રસરેલી જોઈએ છીએ. તેમનું 'લાંછન નાગ' છે.
૩૦ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી અને ૮૩ દિવસની લગાતાર તપશ્ચર્યા બાદ ૮૪મા દિવસે 'કેવળ જ્ઞાની' થયા. તેમનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોવાનું મનાય છે. ૭૦ વર્ષ પર્યંત સારાય દેશમાં વિહાર કરીને ધર્મોપદેશ આપી તેમણે જૈન ધર્મનો પ્રસાર કર્યો. તેમના શિષ્યોમાં તેમની માતા, પત્ની વગેરે નજીકના સગાસંબંધીઓનો પણ સમાવેશ થતો હતો. ૧૦૦ વર્ષની વયે બિહારમાં આવેલાં (પાર્શ્વનાથ પર્વત) સમેત શિખર પર્વત પર તેઓ ઈ.સ.પૂર્વે ૭૭૨માં નિર્વાણ પામ્યા, જેથી સમેતશિખર જૈનો માટે સૌથી વધારે પવિત્ર યાત્રાધામ મનાય છે. તેમનો સમય શ્રી મહાવીરથી લગભગ ૨૫૦ વર્ષ પૂર્વેનો હતો.
પાર્શ્વનાથના ચતુર્યામ - ચાર વ્રતો :
પાર્શ્વનાથ હિંસા, અસત્ય, ચોરી તથા પરિગ્રહ એ ચાર બાબતોના ત્યાગનો સીધો સાદો ઉપદેશ આપતા હતા.
'ચાર વ્રતો' નીચે મુજબ છે :
૧. અહિંસા : હિંસા ન કરો. સર્વ પ્રકારની હિંસાથી દૂર રહો.
૨. સત્ય : અસત્ય ન બોલો. સર્વ પ્રકારના મિથ્યા ભાષણોથી દૂર રહો.
૩. અસ્તેય : ચોરી ન કરો. સર્વ પ્રકારની ચોરીથી દૂર રહો.
૪. અપરિગ્રહ : ધનનો સંચય (સંગ્રહ) ન કરો. સર્વ પ્રકારના આદાનથી દૂર રહો. બ્રહ્મચર્ય વ્રત ઉપરના ચાર વ્રતો એ 'પાર્શ્વનાથની પરંપરાના' છે. અત્યારે પ્રવર્તમાન ચોવીસમા તિર્થંકર 'શ્રી મહાવીરની પરંપરામાં' પંચમહાવ્રતોમાંનું 'બ્રહ્મચર્ય' વ્રત પાર્શ્વનાથના ચાર વ્રતોમાં અપરિગ્રહમાં સમાવિષ્ટ છે. મહાવીર અને પાર્શ્વનાથ વચ્ચે ૨૫૦ વર્ષના ગાળામાં આસરણવિષયક નિર્બળતાનું પ્રમાણ વધી જતાં મહાવીર ઉપર્યુક્ત ચાર વ્રતોમાંના 'બ્રહ્મચર્ય'ને પાંચમાં વ્રત તરીકે સમાવેશ કર્યો હતો. પ્રવર્તમાન શ્રી મહાવીરની પરંપરામાં 'પાંચ મહાવ્રતો' જે સાધુ સાધ્વીજીઓ પાળે છે અને 'બાર અણુવ્રતો' જે શ્રાવક-શ્રાવિકાઓ પાળે છે.
સંકલન : દિનેશ શાહ