"ભારતમાં "વેદો-ઉપનિષદ"માં સત્યોને; તમામ વર્ગોની "મૂડી" બનાવવી જોઈએ" - સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદે ભારતીય ધર્મ-સંસ્કૃતિના મહાન ચિંતનને, સમસ્ત સંસારની સમક્ષ, પ્રભાવક રૂપે પ્રસ્તુત કરવાનું કાર્ય કરેલું.
"ભારતીય સભ્યતા, સંસ્કૃતિ, પરંપરાનાં મૂળ, વેદો તથા વૈદિક સિદ્ધાંતોમાં રહેલા છે" - આ વિચાર સ્વામી વિવેકાનંદે વહેતો કરેલો. આ માટે ઉપદેશકોનું નિર્માણ કરવાનું, તેમનું એક લક્ષ્ય પણ હતું.
સ્વામીજીએ દેશ અને વિદેશની ધરતી ઉપર, ભારતીય સનાતન ધર્મ સભ્યતા - સંસ્કૃતિ પ્રત્યે લોકોને જાગૃત કરવા, અનન્ય પુરુષાર્થ કર્યો હતો. (વિશ્વધર્મ પરિષદ સપ્ટે.૧૮૩૩)
સ્વામીજીના દિવ્ય-તેજોમય, પ્રામાણિક જીવનચરિત્રમાં વેદ-સંસ્કૃતિ-ધર્મ-સંસ્કાર પ્રત્યેની અનન્ય શ્રદ્ધા ઉજાગર કરતા વિચારોનું પ્રાગટય જોવા મળે છે.
વેદને ધર્મના મૂળમાં જોવાની આપણી પ્રાચીન પરંપરાને પણ તેમણે સ્વીકારી હતી. તેમનું સ્પષ્ટ મંતવ્ય હતું કે આપણે "વેદોના" શરણમાં ગયા વિના છૂટકો નથી.
તેમના મત પ્રમાણે "વેદ" એટલે સનાતન સત્યોનો સંગ્રહ હતો. ઋષિઓએ "વેદોના" સત્યોની અનુભૂતિ કરેલી. વેદોક્ત ધર્મનો સ્વીકાર કરવામાં, તેમણે તત્પરતા બતાવવા, સૌને દૃઢતાપૂર્વક સંદેશ આપેલો. વેદ-જ્ઞાાનના પ્રકાશ નીચે, સૌને એક થવા, પ્રાચીન ઋષિઓની સાચી માન્યતાઓનો સ્વીકાર કરી, આપણાં ધર્મ-સંસ્કૃતિની મહત્તાનું ગૌરવ વધારવા, હાકલ કરેલી.
સ્વામી વિવેકાનંદજીનો દૃઢ મત હતો કે, વેદોના અભ્યાસથી, અંધરૂઢિઓ... કુરિવાજો ઊખડી જશે. તેમણે પોતે પાણિનીના વ્યાકરણનો અભ્યાસ કરી, 'વેદોનો' ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો.
સ્વામીજીને એક અદ્ભૂત દર્શન થયેલું. જાણે કે સિંધુ નદીને કિનારે ઊભા રહીને એક વૃદ્ધ પુરૂષ વેદની ઋચાઓનું ગાન કરતા હતા... તે વખતે એ ઋચાઓના ગાનનું શ્રવણ તેમણે કરેલું. સ્વામીજી યોગસાધનામાં આગળ વધેલા હોવાથી આવા દૃશ્યની પ્રત્યક્ષ અનુભૂતિ તેમણે કરેલી.
તેઓ દૃઢતાથી કહેતા કે, વેદોના ઉમદા વિચારોને ઝીલીને, દુનિયાનો સુશિક્ષિત માણસ વેદોમાં ઉપદેશ આપ્યો છે તેવા, આપણા શ્રેષ્ઠ અને પ્રકૃતિ સ્વરૂપ એવા ઈશ્વરમાં માનતો થશે.
યજુર્વેદના મંત્ર... 'તું વીર્યવાન છો મને વીર્ય આપો, તું બળવાન છો મને બળ આપ, તું ઓજસવાન છે મને ઓજસ આપ, તું ધૈર્યવાન છે મને ધૈર્ય આપ... આ પ્રેરણાદાયી મંત્રનું સતત રટણ જીવનમાં ઉપયોગી છે એમ સ્વામીજી કહેતા, વેદોમાં પ્રબોધવામાં આવેલા સત્યના પ્રકાશને, વિશ્વધર્મ પરિષદમાં રજૂ કરેલો.'
आत्मवत् सर्व भूतेषु... "બધાં જ પ્રાણીઓને તમારા આત્મા જેવાં ગણો" - "વેદ"ના આ મંત્રને સ્વામીજીએ "વિશ્વઐક્ય" મંત્ર ગણ્યો છે. અવર્ણનીય જે ઈશ્વર છે, તેનું નામ ઓમ છે.
સ્વામીજીનો સ્પષ્ટ મત હતો કે, "વેદ" એટલે સનાતન સત્યોનો સમૂહ. વંદનીય ઋષિમુનિઓએ આ સત્યોની અનુભૂતિ કરેલી. "વેદ"ના શબ્દો કે વિચારોમાંથી સૃષ્ટિ પદાર્થ સ્થૂળ સ્વરૂપે પ્રગટ થયેલો છે. દરેક "આર્ય-વિજ્ઞાાનનું બીજ વેદોમાં છે." "વેદો" નિત્ય છે. હિન્દુઓ માને છે કે વેદો ઈશ્વરનું જ સીધું ઊતરી આવેલું "જ્ઞાાન" છે. સમગ્ર વિશ્વનું અસ્તિત્વ વેદોમાં છે.
સ્વામીજીને મન "વેદો" આર્યસંસ્કૃતિનો "આધાર" છે. જન્મથી મૃત્યુ સુધીના સંસ્કારો તેમજ અભ્યુદય-નિ:શ્રેયસ સંબંધી તમામ વ્યવહારો 'વેદોના' આશ્રયે જ જીવિત છે. 'વેદો' સર્વ વિદ્યાઓનો ભંડાર છે. જે સનાતન હિંદુ ધર્મનું જ્ઞાાન પ્રાપ્ત કરવા માગે છે તેમના માટે પરમ પ્રમાણ "વેદો" છે.
वाक् विवृताःच वेदाः... વેદો પરમાત્માની વાણી છે.
વિવેકાનંદજીના વેદ વિષયક ચિંતન ઉપર શ્રદ્ધાપૂર્વક વિચાર કરવા જેવો છે. સ્વામીજીએ પ્રાચીન અર્થ સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા તથા વેદોની જ્ઞાાનપ્રાપ્તિ માટે 'ઉપદેશકો' ઊભા કરવા એક "વૈદિક" કોલેજ સ્થાપવાનો વિચાર મૂકેલો... પણ, એ વિચાર હજુ અમલમાં મૂકાયેલો નથી !
સ્વામીજીના વેદ વિષયક, ચિંતનસભર... અભ્યાસપૂર્ણ સમગ્ર વિચારો, ભારતીય પ્રજાને હજુ પણ ઉત્કર્ષ તરફ દોરી શકે તેમ છે.
- લાભુભાઈ ર. પંડયા