બ્રહ્મા, વિષ્ણુ, મહેશએ ત્રિપુટીનું સ્મરણ ઘણે સ્થળે થાય છે
- ।। શ્રીકૃષ્ણ ઉવાચ ।।-ગૌતમ પટેલ
વિ ક્રમ-વિશિષ્ટ રીતે ક્રમણ કરવાને કારણે એ વિષ્ણુ છે. એ દેવ જીતનાર હોવાથી જિષ્ણુ છે એ શાશ્વત કાયમી હોવાથી અનંત છે અને ગાયોને જાણનાર- કે મેળવનાર હોવાથી ગોવિંદ છે. અહીં સંજયે એક સાથે વિષ્ણુ, જિષ્ણુ અનંત અને ગોવિંદ એવા ચારે નામો શ્રીકૃષ્ણના સમજાવ્યા છે વિગતે જોઈએ.ળ
વિષ્ણુ આ પ્રભુનું અત્યંત પ્રસિધ્ધ નામ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશએ ત્રિપુટીનું સ્મરણ ઘણે સ્થળે થાય છે. રામ કે કૃષ્ણ પણ વિષ્ણુના જ અવતારો મનાયા છે. આ શબ્દ વિશે-પ્રવેશ કરવો એ ધાતુ પરથી આવ્યો છે. જે ઇશ્વર સર્વત્ર પ્રવેશ કરીને રહ્યો છે તે વિષ્ણુ છે. આસ-પાસ આકાશમાં સર્વત્ર એનો અજવાસ છે. વ્યાપ્નોતિ ઇતિ વિષ્ણું જે અંદર બાહ્ય વિષ્ણુ એક સર્વવ્યાપક તત્વ ગણાવી શકાય. આધુનિક વિજ્ઞાન મુજબ 'એનર્જી' સર્વત્ર છે. તેમ પ્રાચીન ધર્મવિજ્ઞાન મુજબ વિષ્ણુ સર્વત્ર રહેલા છે.
વેદમાં આવે છે કે મહસ્તે વિષ્ણો સુમતિ જાબામહે- હે વિષ્ણુ । અમે આપના તેજ અને સમતિનું ભજન કરીએ છીએ. જે વ્યાપિને રહે છે તે વિષ્ણુ છે. વિષ્ણુ વિના એક અણુ પણ રહી શકતું નથી. મહાભારતમાં ભગવાન સ્વયં કહી રહ્યા છે.
મહા.શાન્તિ- ૩૪૯-૪૨
હે પાર્થ ! પૃથ્વી અને આકાશ મારાથી વ્યાપ્ત છે. મારું સંક્રમણ તેનાથી પણ અધિક છે. ક્રમણને કારણે હે પાર્થ ! મને વિષ્ણુ એવું નામ આપવામાં આવ્યું છે.
જે મહાત્માની શક્તિથી આ બધું (સઘળું વિશ્વ) ઘેરાઈને રહેલું છે માટે એને વિષ્ણુ કહે છે- એ શબ્દ વિશ એટલે પ્રવેશ કરવો એ ધાતુ પરથી આવ્યો છે.
ભગવદ્ગીતાંમાં (શ્લોક ૧૧-૨૦)માં અર્જુન વિશ્વરૂપની સ્તુતિ કરતાં કહે છે કે હે પ્રભુ ! આપ આકાશ અને પૃથ્વીનું અંતર તથા બધી દિશાઓમાં વ્યાપીને રહ્યા છો.
ભગવાન પોતે પણ ગીતા(૭-૭)માં સ્પષ્ટ કહે છે કે 'હે ધનંજય ! મારાથી વધુ ઉત્તમ બીજું કાંઈ નથી. દોરામાં મણકાની જેમ સઘળું મારામાં પરોવાયેલું છે.
વેદમાં એક અદ્ભુત મંત્ર છે. જેમ પ્રભુની વિશ્વવ્યાપકતા સુંદર શબ્દોમાં અભિવ્યક્ત થઈ છે.
જ્ઞાની ઋષિએ જોયું ગૂઢ સ્થાન
વિશ્વ બની જાય છે ત્યાં એક માળો
સહુ એકત્ર થાય ત્યાં, ને ત્યાંથી વિખરતા
એ જ વિભુ છે પ્રજાઓમાં ઓતપ્રોત.
- રતનબેન ફોજદાર
આખું વિશ્વ એક માળો બને ત્યાં પેલો પરમેશ્વર વિષ્ણુ રહે અને સમગ્ર પ્રજા એનામાં ઓતપ્રોત બને. (જુઓ- ઓતપ્રોતએ ગુજરાતી પ્રયોગ છેક યજુર્વેદમાં મળે છે. વળી ધ્યાનમાં લેવા જેવું છે. જ્યારે ટાગોરે પોતાની યુનિવર્સિટી વિશ્વભારતીની રચના કરી ત્યારે એના ધ્યેય વાક્યમાં અહીંથી પ્રેરણા લઈને લખ્યું '......।
અહીં વિશ્વ એક માળો બની જાય છે. મૂળમાં યત્ર છે. એને બદલીને અત્ર કર્યું.
વેદના કાળથી વિષ્ણુનું મહત્વ સ્વીકારાયું છે. વેદમાં યજ્ઞાનું નિરતિશય મહત્વ છે અને યજ્ઞાો વૈ વિષ્ણુ :-
યજ્ઞા એટલે વિષ્ણુ એમ કહીને યજ્ઞા અને વિષ્ણુનું અભિન્નત્વ પ્રસ્થાપિત થયું છે. ભાગવત, મહાભારત કે મોટા ભાગના પુરાણોમાં વિષ્ણુ અને એના અવતારોની કથા વિષ્ણુની વ્યાપકતા દર્શાવે છે.
જે હંમેશ જીતે તે જિષ્ણુ. જે શાશ્વત હોય એ અનંત. તુલસીદાસજીનું વિધાન યાદ આવી જાય કે ઇશ્વર અનંત છે. અંત વિનાનો છે અને એની કથાઓ પણ અનંત છે. કોઈપણ દેશ કાળ કે વસ્તુ (Matter) તરીકે માપી શકાય તો તે અંતવાળી કહેવાય. ભગવાન તો દેશ, કાળ કે વસ્તુ તરીકે માપી શકાય તેમ નથી માટે અનંત છે. ઉપનિષદમાં સત્યમ્ જ્ઞાનમ્ અનન્તમ્ એવું પરમતત્વ વિશે કહેવાયું છે એ કૃષ્ણને લાગુ પડે છે.
ગોવિન્દની વ્યાખ્યા મહાભારત મુજબ જે ગાયોને જાણે છે તે ગોવિન્દ છે. વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર (શ્લો : ૨૩) માં આ નામ મળે છે.
દરેક યુગમાં જ્યારે જ્યારે ગૌ એટલે પૃથ્વીને નષ્ટ-ભ્રષ્ટ કરવાનો યત્ન થાય છે ત્યારે હે વિષ્ણું ! આપ આવીને તેની રક્ષા કરો છો માટે ઋષિઓ તમને ગોવિન્ધ કરે છે. ગો શબ્દના અનેક અર્થો છે. અહીં ગો એટલે પૃથ્વી અર્થ કર્યો. બીજો ગો શબ્દનો અર્થ થાય છે વાણી. ગો એટલે વેદની વાણીથી જે પ્રાપ્ત કરી શકાય એ ગોવિંદ. ગોનો અર્થ ગાય, ભૂમિ અને વાણી છે તેથી ગોપાલતાપની ઉપનિષદમાં કહ્યું કે જે ગાય, ભૂમિઅને વેદની વાણીથી જાણી શકાય એ ગોવિન્દ. વળી ગાયોના સમૂહના પાલક છે માટે ગોવિંદ છે. ગોનો એક અર્થ મનસહિત ઇન્દ્રયો અને એના એ પ્રેરક છે. માટે ગોવિંદ છે. મહા. શાન્તિ :૩૪૨-૭૦ મુજબ નષ્ટ થઈને ગુહામાં ગયેલી પૃથ્વીને મેં પૂર્વે પ્રાપ્ત કરી એટલે ઉદ્વાર કર્યો તેથી દેવોએ પોતાની વાણીથી મારી ગોવિંદ કહીને સ્તુતિ કરી. આ ભગવાનનું પોતાનું વિધાન છે. પ્રભુ ગાયોના સ્વામી છે માટે ગોવિંદ છે.
આમ ભગવાનના અનેક નામોની સમજ ઘૃતરાષ્ટ્રને આપીને અંતમાં સંજય કહે છે કે આ કૃષ્ણ અતત્વ (જે તત્વ પણ નથી તે )ને તત્વ બનાવે છે. અને પરિણામે પ્રજાને મોહ પમાડે છે. આજની ભાષામાં જે હાનિને અનહોનિ કરે તે કૃષ્ણ.
આવી રીતે સવિસ્તર ભગવાન શ્રીકૃષ્ણનો વિસ્તૃત પરિચય આપીને ધૃતરાષ્ટ્રને સંજય કહે છે તે એ ભગવાન મધુસૂદન અહીં આવવાના છે. અને એ સ્વયં અચ્યુત છે.
એક માનસશાસ્ત્રીય નિયમ છે કે જો આપણને ડરાવવા હોય તો પેલાની મહાનતા આપણી સમક્ષ રજૂ કરાય. અને મહર્ષિ વ્યાસે ધૃતરાષ્ટ્રના મનમાં એક પ્રકારનો ભય પેદા કર્યો. આનું પરિણામ આવ્યું એ હવે પછી જોઈશું. પણ એક જરૂરી સ્પષ્ટીકરણ આપવું છે.
વિદેશના ઘણા વિદ્વાનોએ છેલ્લી બે ત્રણ સદીમાં આપણા વેદ, પુરાણો વગેરેનું અધ્યયન કર્યું પછી આપણી શ્રદ્ધા ડગી જાય એ માટે અનેક ભ્રમો ફેલાવ્યા. એમાં એક ભ્રમ એવો હતો કે મહાભારત જય, ભારત અને મહાભારત એમ ત્રણ તબક્કે વિસ્તાર પામ્યું. જયમાં કેવળ રાજયની કથા હતી ત્યાં કૃષ્ણ કેવળ એક શ્રીરપુરુષ હીરો જ હતા. પાછળથી ભારતમાં અને પછી મહાભારતમાં એમનામાં દિવ્યતાનો આરોપ કર્યો અને એમને ભગવાન બનાવી દીધા. આવું જો સાચું માનીએ તો આપણામાં ભક્તિ જતી રહે. કેટલાક વિદેશીછાપ કહેવાતા વિદ્વાનો આવું માનવા પણ લાગ્યા. વાસ્તવમાં આ વિદેશીએ ફેલાવેલી ભ્રમજાળ માત્ર છે. કૃષ્ણ તો મહાભારતના પહેલા શ્લોકના પહેલા અક્ષરમાં જ નારાયણ કહેલા છે. નારાયણ નમસ્કૃત્ય વગેરે મહાભારત એ જય હોય કે ભારત સર્વત્ર શ્રીકૃષ્ણહરિ અને ઇશ્વર જ છે. એ દર્શાવવા માટે મેં ફક્ત એક જ અધ્યાયમાં આવેલા શ્રીકૃષ્ણના નામ અને પરાક્રમ વિસ્તારથી ચારેક હપ્તામાં સમજાવ્યા છે. જેથી પેલી વિદેશી જાળનો ભ્રમ ભાંગે અને શ્રીકૃષ્ણ ભગવદ્ અવતાર જ છે અને સામાન્યોની બુદ્ધિનો એ ક્યારેય વિષય બને તેમ નથી. આ દર્શાવવા માટેનો મારો નમ્ર પ્રયાસ હતો. હવે કથા પ્રવાહ આગળ વધશે.