Get The App

અર્જુનનાં દસ નામ અને અર્થ .

Updated: Jul 14th, 2021

GS TEAM


Google News
Google News
અર્જુનનાં દસ નામ અને અર્થ             . 1 - image


રા માયણ અને મહાભારતની કથા-વાર્તા શિશુકાળથી માતાપિતા કે દાદા દાદી દ્વારા સાંભળવાની તક મોટેભાગે સૌને પ્રાપ્ત થયેલ હોય છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ ધર્મયુધ્ધની વાત પણ થોડેગણે અંશે સૌને ખ્યાલ હોય જ. એમાંય પાંચ પાંડવ નામે યુધિષ્ઠીર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ આ નામ તો સૌને કંઠસ્ય હોય.

કહેવાય છે કે, અર્જુનના તો દસ નામ હતા અને પ્રત્યેક નામના અર્થ પણ સમજવા જેવા ખરા. ધનંજય, વિજય, શ્વેતવાહન, ફાલ્ગુન, કિરીટી, બીભત્સુ, સવ્યસાચી, અર્જુન, જિષ્ણુ અને કૃષ્ણ. હમણાં આ ઉપરોક્ત દર્શાવેલ દસ નામો અને તેના અર્થ વિષે જાણકારી પ્રાપ્ત થઇ જે નીચે પ્રમાણે છે.

(૧) સર્વ દેશને જીત્યા પછી કેવળ ધન લાવીને ધનની વચ્ચે ઉભો રહે છે તેથી અર્જુનને ધનંજય તરીકે ઓળખવામાં આવે છે.

(૨) જ્યારે જ્યારે અર્જુન સંગ્રામમાં જાય છે ત્યારે રણકઠોર રીપુઓ પર વિજય મેળવ્યા વીના પાછો નહીં વળનાર અર્જુનને વિજય નામે લોકો ઓળખે છે.

(૩) જ્યારે અર્જુન સંગ્રામમાં યુધ્ધ કરવા જાય ત્યારે તેના રથને સુવર્ણ કવચ વાળા શ્વેત અશ્વો જોડવામાં આવતા હોવાના કારણે અર્જુન શ્વેતવાહન તરીકે પણ ઓળખાય છે.

(૪) અર્જુનનો જન્મ હિમાલયની પડખે, દિવસના સમયે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં થયો હોવાના કારણે એ ફાલ્ગુન તરીકે પણ ઓળખાય છે.

(૫) વર્ષો પૂર્વે અર્જુનને દાનવ શ્રેષ્ઠો સાથે યુધ્ધ કરવાનું થયું ત્યારે ઇન્દ્રએ તેના માથે સૂર્ય જેવો તેજસ્વી કિરીટી (મુકુટ) મુક્યો હોવાના કારણે તે કિરીટીના નામે ઓળખાય છે.

(૬) યુધ્ધ કરતી વખતે અર્જુન કદી પણ બીભત્સ-નીંદ્ય કાર્ય કરતો ન હોવાના કારણે દેવો અને મનુષ્યોમાં બીભત્સુ નામે જાણીતો થયો.

(૭) અર્જુનના બંને હાથ ગાંડીવ ખેંચવામાં કુશળ હોવાના કારણે દેવો અને મનુષ્યો અર્જુનને સવ્યસાચી તરીકે જાણે છે.

(૮) સમુદ્ર પર્યંતની સમસ્ત પૃથ્વીમાં અર્જુન જેવો વર્ણ દુર્લભ હોવાના કારણે અને તે સમભાવવાળો તેમજ શુધ્ધ હોવાના કારણે તે અર્જુન તરીકે ઓળખાય છે.

(૯) અર્જુન પોતે દુર્લભ, દુર્ધષ, શત્રુઘ્મન અને ઇન્દ્રપુત્ર હોવાના કારણે દેવો અને મનુષ્યોમાં જિષ્ણુ તરીકે પ્રસિદ્ધ છે.

(૧૦) અર્જુન જ્યારે નાનો હતો ત્યારે ઉજ્જવળ કૃષ્ણ વર્ણનો હતો અને સૌને પ્રિય હતો તેથી તેના પિતાએ પ્રીતિના કારણે કૃષ્ણ એવું નામ પાડયું હતું.

- તારક દિવેટીયા

Tags :