ભક્તિમાર્ગના આચાર્ય દેવર્ષિ નારદજી
આપણે ત્યાં પુરાણોમાં ભક્તિમાર્ગના આચાર્ય તરીકે દેવર્ષિ નારદજીને પ્રસ્થાપિત કર્યા છે. આમ તો, નારદજીના માટે લોકોનો એવો ભાવ હોય છે કે, 'નારદ' એટલે 'જે સંઘર્ષ કરાવે એ.' સામાન્ય રીતે કોઈ વાત થતી હોય તો પણ ઘણા લોકો એમ કહેતાં હોય છે અને શબ્દ પ્રયોગ વાપરતા હોય છે કે, 'નારદવેડા રહેવા દે.' શ્રી વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતારો છે, તેમાં દેવર્ષિ નારદજી એ ભગવાનનો ત્રીજો અવતાર છે. નારદ શબ્દની વ્યાખ્યા અને તેનો જો અર્થ કરીએ તો 'ના' એટલે 'નહીં,' અને 'રદ' એટલે 'રદ કરવું.' જે પોતાનો નિશ્ચય ક્યારેય પણ રદ નથી કરતાં એવા વ્યક્તિ એટલે 'નારદ.' આમ, નારદ એટલે પોતાના નિશ્ચય પર અટલ રહેવાવાળાં. નારદજીના કાર્યો ત્રણ છે અને તેમનાં સ્વરૂપો પણ ત્રણ છે. જેમાં પહેલું સ્વરૂપ ભક્તિમાર્ગના આચાર્ય, બીજું સ્વરૂપ સાચા સંદેશવાહક અને ત્રીજુ સ્વરૂપ સાચા સમાજ સુધારક તરીકેનું છે.
નારદજીનાં મુખ્ય ત્રણ કાર્યો હતાં, નિરીક્ષણ, પરિક્ષણ અને સાચા સંદેશવાહક. નિરીક્ષણ એટલે કોઈપણ ભક્ત કે કોઈપણ તપસ્વી જ્યારે તપસ્યા કરે ત્યારે એ તપસ્વીની તપસ્યાનું, ભક્તની ભક્તિનું નારદજી પોતે નિરીક્ષણ કરતા હતાં. પરિક્ષણ એટલે નિરીક્ષણ કર્યા પછી ભક્તની ભક્તિનું અને તપસ્વીની તપસ્યાનું પરિક્ષણ કરતાં અને પરિક્ષણ કર્યા પછી સાચો સંદેશ ભગવાન નારાયણ સુધી પહોંચાડવાનું કાર્ય નારદજી કરતા હતાં. કુશળ પત્રકારત્ત્વ દેવર્ષિ નારદજીએ નિભાવ્યું હતું. પત્રકારત્ત્વ નિભાવી અને દેવર્ષિ નારદજી 'સત્યમ્'ના આરાધક તરીકે પ્રસ્થાપિત થયાં.
દેવર્ષિ નારદજીના નામ પરથી 'સ્વતંત્ર્ય પુરાણ' રચાયું જેનું નામ 'નારદ પુરાણ' છે. આ નારદ પુરાણમાં પચ્ચીસ હજાર શ્લોકો છે. નારદજીએ ભક્તિ સૂત્રો સમાજને આપ્યાં. નારદ ભક્તિ સૂત્ર - જેમાં ચોર્યાસી જેટલાં સૂત્રો છે અને તેમાં ભક્તિનું સ્વરૂપ નારદજીએ પ્રતિપાદિત કર્યું છે. ભક્તિનું સ્વરૂપ પ્રતિપાદિત કરતાં દેવર્ષિ નારદજી એમ કહે છે કે, "ભક્તિ કેવી હોવી જોઈએ ?" તો તેના જવાબમાં એમ કહ્યું છે કે, "કામના રહિતમ્, ગુણ રહિતમ્." ભક્તિ એ કામનાથી રહિત હોવી જોઈએ. ભક્તિ માર્ગમાં કોઈ કામના ન કરવી. કામના જો કરવી હોય તો તે એક જ કરવી કે ભગવાન ક્યારે મળે ! એટલે કે ભગવાનને મેળવવા માટેની કામના કરવી. આપણી અંદર ત્રણેય ગુણો રહેલાં છે - સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. પણ ભક્તિ એ તો આ ત્રણેય ગુણોથી પર છે. એટલે જ સાચો ભક્ત એ ત્રિગુણાતિત હોય છે. એનો એક બીજો પણ અર્થ થઈ શકે કે જે ભક્ત નિંદાથી કે વખાણથી પર રહે અર્થાત્ જો તેની કોઈ નિંદા કરે તો તે દુ:ખી ન થાય અને પ્રશંસા કરે તો એ હર્ષિત ન થાય. તો આવું ભક્તિનું સ્વરૂપ નારદજીએ ભક્તિ સૂત્રમાં સમજાવ્યું છે. આ જ સાચી ભક્તિની વ્યાખ્યા નારદજીએ કરી એટલે નારદજી ભક્તિ માર્ગના આચાર્ય તરીકે પ્રસ્થાપિત થયા. આજે આપણને રામાયણ અને શ્રીમદ્ ભાગવતજી જેવા ગ્રંથો પ્રાપ્ત થયા હોય તો એનો શ્રેય દેવર્ષિ નારદજીને જ આપી શકાય. જો દેવર્ષિ નારદજી ન હોત તો આપણને આવા ગ્રંથો પ્રાપ્ત ન થયા હોત. તેઓ એક સમાજ સુધારક તરીકે પણ ઓળખાયા છે. તેમણે સમાજને સુધારવાનું કાર્ય કર્યું છે. ધ્રુવજીને તપ કરવા મોકલનાર અને ભગવત પ્રાપ્તિ કરાવનાર દેવર્ષિ નારદજી છે અને માટે ગીતાજીના દસમાં અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે, 'દેવર્ષિનામ્ ચ નારદ.' દેવર્ષિઓમાં નારદ હું છું. નારદ એ ભગવાનનું મન છે. નારદજી જેવા નિરીક્ષક, પરિક્ષક અને સંદેશવાહક બનીએ અને તેમના જેવા વિચારો જો દરેક વ્યક્તિની અંદર આવે તો ઘરમાં તેમજ પરિવારમાં સાચી વાત તટસ્થતાથી કરી શકાય અને તેથી ખરેખર જીવન ધન્ય બને, પ્રભુ પારાયણ બને એ પ્રેરણા નારદજી પાસેથી આપણે પ્રાપ્ત કરવાની છે.
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી