સંતનાં સંતપણા .
જ ગતમાં સંતોનું જીવન, રહેણી, કરણી પ્રશંસાને પાત્ર છે. તેમનું સમગ્ર જીવન પરમાર્થમાં પૂરૂં થાય છે. રામાયણ, મહાભારત, બાઈબલ કે કુરાન એના સાક્ષી છે. શીબી રાજાએ હોલાને બચાવવા બાજપક્ષીને પોતાનું શરીર કાપીને આપ્યું. હોલાને બચાવવા પાછળ રાજાનો કોઈ સ્વાર્થ ન હતો. પરંતુ શરણે આવેલાનું રક્ષણ કરવું એ રાજાની ફરજ છે. આ ધર્મ કહેવાય છે. જગતના અજ્ઞાાની લોકોને પ્રભુનો સંદેશો સમજાવતાં ઇશુને વધસ્થંભ પર વિંધાવું પડયું હતું. સૌરાષ્ટ્રના સંતોએ પોતાનું સમગ્ર જીવન માનવસેવામાં સમાજકલ્યાણમાં વિતાવ્યું છે. વીરપુરના જલારામ બાપા ભૂખ્યાં રહીને વીરબાઈ સાથે દરણા દળીને સૌને જમાડયા છે. તેમણે જગતને સમજાવ્યું કે જે આપે રોટલાનો ટૂકડો તેનો પ્રભુ આવે ઢૂકડો. આજે સૌરાષ્ટ્રમાં સદાવ્રતો ચાલે છે. ત્યાં અસંખ્યો લોકો મહાપ્રસાદી આરોગે છે. જગત હંમેશા પોતાનું જ વિચારે છે. ભગત જગતનું વિચારે છે. સંતો હંમેશા દરેકના શુભચિંતક હોય છે. જગતના જીવો માટે નદી, સરોવર હંમેશા વહ્યા જ કરે છે. સૂરજ, ચંદ્ર, તારા જગત માટે, પ્રકાશે છે. વૃક્ષો કદી ફળ ખાતાં નથી. તે બીજાને ફળ, ફૂલ અને છાયા આપે છે. પોતે કપાઈને આપણને લાકડું આપે છે.
ખરેખર સૃષ્ટિના તમામ જીવજંતુ માટે પરમાત્માએ વૃક્ષોનું સર્જન કર્યું છે. સંતો હંમેશા અન્ય માટે જીવન જીવી ગયા છે. સંતો આપણા શુભચિંતક, હિતચિંતક અને દિશા સૂચક છે. પરમાર્થી છે. સંતોના સત્કાર્યથી જગતનું સંચાલન થઈ રહ્યું છે. જગતના માનવીઓનો સ્વભાવ જોઈને સંતો કે સાચા ભક્તો પોતાનો સ્વભાવ બદલતા નથી. સંતો મૂરખને પણ સાચા માર્ગનું જ્ઞાાન આપે છે. જગતને સુધારવું એ સંતોના જીવનનો મહામંત્ર છે. સંતો પરમ હિતકારી છે. મિત્ર અને દુશ્મન વચ્ચે સંતો ભક્તો કોઈ ભેદ રાખતા નથી. તેઓ હંમેશા સદ્ વિચાર વાણી અને વર્તનથી જ સદા પૂજનીય છે. મૂક સંત વૃક્ષને કાપીએ તો પણ કાંઈ જ બોલ્યા વગર લાકડું આપે છે. ખરેખર સંતોના સંતપણ ભૂલવા જોઈએ નહિ.
- ભગુભાઈ ભીમડા