મૃત્યુંજય ઈસુનું પુનરાગમન
ઈસુના મૃત્યુદિનને ગૂડ ફ્રાઈડે (સારો શુક્રવાર) કહેવામાં આવે છે. તે 'મૃત્યુ મરી ગયું'નો ઉલ્લેખ કરે છે. મૃત્યુંજય ઈસુ આજે પણ વિદ્યમાન છે. ઉત્થાન પામ્યા પછી તેમનું સ્વર્ગારોહણ થયું. ત્યારે ઉપસ્થિત લોકોને બે સ્વર્ગદૂતોએ સંદેશો આપ્યો કે, ''તમે શું જોઈ રહ્યા છો? જેમને તમે પૃથ્વી પરથી સ્વર્ગે જતા નિહાળી રહ્યો છો તે ઈસુ અવશ્ય પાછા આવશે.''
અગાઉ તેમણે શિષ્યોને જણાવ્યું હતું કે 'મારા સ્વર્ગારોહણ પછી નિર્ધારિત અંતિમ સમયે પૃથ્વી પર મારુ પુન:આગમન થશે. તે સાથે બ્રહ્માંડ અને યુગનો અંત આવશે.' શિષ્યોએ તેમના પુનરાગમન પૂર્વેના સંકેતો વિષે પૂછતાં તેમણે જણાવ્યું, 'હું ઈસુ છું. એવું કહેનારા ઘણા ઊભા થશે. રાષ્ટ્રોવચ્ચે યુદ્ધો થશે. એટલેથી અંત નહિ આવે. પ્રજા પ્રજાની સામે જંગ જામશે. દુષ્કાળો, મરકી અને ભયાનક ધરતીકંપો થશે. લોકોના સ્નેહ ઓછા થશે. ભરમાવનારા ભવિષ્યવાદીઓ ભોળા લોકોને ભરમાવશે. મારા ઘણા અનુચરોની સતાવણી થશે. તેઓને મારવામાં આવશે. હત્યા પણ કરાશે.'ળ
સાંપ્રત સમયમાં કેટલાક દેશો વચ્ચે ઘર્ષણો ચાલી રહ્યા છે. ત્રીજા મહાવિશ્વયુદ્ધના ભણકારો વાગી રહ્યા છે. વાઈરસજન્ય રોગચાળા પ્રસરી રહ્યા છે. અતિ તીવ્રતાથી ધરતી ધ્રૂજે છે. ધરતીકંપો વિનાશ સર્જે છે. સ્નેહ ઘટીને દ્વેષ અને ખુન્નસ વધી રહ્યા છે. એમાં ઈસુના પુનરાગમનના સંકેતો દેખાઈ રહ્યા છે. વિશેષમાં શિષ્યોએ તેમને પૂછયું હતું કે, ''પુન:આગમનમાં તમે જ પધારી રહ્યા છો તે અમારે કેવી રીતે સમજવું ?'' ત્યારે ઈસુએ દ્રઢતા સાથે સમજાવ્યું હતું કે, ''આ બધી વિપત્તિઓ પછી સૂરજ તથા ચંદ્ર અંધકારરૂપ થશે. ગગનમાંથી તારાઓ ટપોટપ ખરશે. ગગનમંડળ હાલી ઊઠશે. રણશિંગડાના અવાજથી ગગનમાં ગર્જના થશે. તે પૂર્વે સમગ્ર સૃષ્ટિમાં મારો શુભસંદેશ ધરોધરમાં પહોંચી જશે. પછી વાદળમાં મારી તસવીરો દ્રશ્યમાન થશે. મેઘ પર મારી સવારી આવશે. સ્વર્ગદૂતો મારા આગમનની છડી પોકારશે.'' વિશેષ અધિકૃત રીતે આ બાબતે ઈસુએ કહ્યું, ''આકાશ તથા પૃથ્વી નષ્ટ થઈ જશે. મારા આ અનુરોધમાં કશી બાંધછોડ થશે નહિં.''