ઈસુનું પુનરાગમન .
ઈ સુને ખીલાથી વધસ્તંભ ઉપર જડી દેવામાં આવ્યા. સાવ નિર્દોષ હોવા છતાં આપણને પાપથી મુક્ત કરવા કાજે તેમણે થંભ ઉપર કષ્ટદાયક મૃત્યુનું દુ:ખ સહન કર્યું. માટે જ તેના મૃત્યુદિનને "ગુડફ્રાઈડે - શુભ શુક્રવાર" કહે છે.
ત્રીજા દિવસે રવિવારે પરોઢિયે ધરતી ધ્રૂજી ઊઠી. કબર ઉપર મૂકેલો પથ્થર ગબડી ગયો. ઈસુ પુનરૂસ્થાન પામ્યા. આ દિવસ એટલે "ઈસ્ટર". ઈસુએ મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો તે દિવસ. પુનરૂત્થાન પછી તેઓ ચાળીસ દિવસ પૃથ્વી ઉપર રહ્યા. એક દિવસ બેથાનિયા શહેર પાસે શિષ્યોને આશીર્વાદ આપતા હતા ત્યારે અચાનક તેઓ આકાશમાં ઊંચે ચડવા લાગ્યા. વાદળોએ તેમે ઢાંકી દીધા. વિસ્મયથી તેને જોઈ રહેલા શિષ્યોને દૂત જેવા લાગતા બે પુરૂષોએ કહ્યું, "માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો ? એ જ ઈસુ, જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે તે, જેમ તમે તેને આકાશમાં જતાં જોયો, તેમ જ પાછો આવશે."
ઈસુના પાછા આવવાની ઘટના એટલે ઈસુનું "પુનરાગમન". ન્યાયકાળનો દિવસ. તે દિવસે જેમણે પાપનો પસ્તાવો કર્યો હશે, જેના હૃદય શુદ્ધ અને પવિત્ર હશે અને ઈસુને ગમે તેવી જિંદગી જીવ્યા હશે તેઓને ઈસુ સ્વર્ગના ભાગીદાર બનાવશે. ઈસુને આવવાનો સમય સાવ નજીક છે. તેણે વારંવાર કહ્યું છે, "જુઓ, હું થોડીવારમાં આવું છે." આક સમયે તેને મળવા આપણે તૈયાર રહીએ. કેમકે ઘડી વીતી ગયા પછી પસ્તાવાનો કોઈ અર્થ રહેશે નહિ. ચાલો, ગાતાં ગાતાં તેની પાછળ ચાલીએ.
"ગગનથી તે ફરી આવનાર છે ખાસ, કાળ જતાં વચને વાધે મીઠાશ,
ઊતરતાં જોઈશ એવી મારી આશ, આવશે લેવા મને."
- કલેરા ક્રિશ્ચિયન