શિલ્પીના નામે પ્રસિદ્ધ એવું 'રામપ્પા' શિવ મંદિર યુનેસ્કો વિશ્વ ધરોહરની યાદીમાં...
- 12મી સદીમાં રચાયેલું આ મંદિર ભારતની સદીઓ પુરાણી સંસ્કૃતિ અને સભ્યતાનું ભવ્ય પ્રતિક છે.
દે વાધિદેવ મહાદેવના ભક્તો માટે શુભ સમાચાર આવ્યા છે. યુનેસ્કો દ્વારા તેલંગાણા રાજ્યમાં આવેલા ૮૦૦ વર્ષ જૂના કાકતીયા રુદ્રેશ્વર શિવ મંદિર કે જે 'રામપ્પા' મંદિર તરીકે ખ્યાતિપ્રાપ્ત છે, એને વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા પ્રદાન કરવામાં આવી છે. ૧૨મી સદીમાં રચાયેલું આ મંદિર ભારતની સદીઓ પુરાણી સંસ્કૃતિ અને સભ્યતાનું ભવ્ય પ્રતિક છે. ૨૫ જુલાઈ, ૨૦૨૧ના રોજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના ૪૪મા અધિવેશન દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વર્ષે ભારત તરફથી આ એકમાત્ર નામાંકનની દરખાસ્ત હતી, જે ઐતિહાસિકતા અને વિશિષ્ટતાને લીધે સ્વીકારી લેવાઈ હતી, એ સાથે જ યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં રામપ્પા શિવ મંદિર ભારતના ૩૧મા સ્થાપત્ય તરીકે સમાવી લેવાયું છે.
રૂદ્રેશ્વર રામપ્પા શિવ મંદિર તેલંગણાની રાજધાની હૈદરાબાદથી લગભગ ૨૦૦ કિમી ઉત્તરપૂર્વમાં અને વારંગલથી ૭૦ કિલોમીટર દૂર પાલમપેટમાં આવેલું છે. ઇ.સ. ૧૨૧૩ માં કાકતિયા વંશના મહારાજા ગણપતિ દેવને ભવ્ય શિવ મંદિર નિર્માણ કરવાનો શુભવિચાર આવ્યો. રણસંગ્રામમાં તેમણે અનેકવાર મુસ્લિમ આક્રાંતાઓને હરાવ્યા હતા. તેમની પાસે વિશ્વપ્રસિદ્ધ કોહિનૂર હીરો હતો, જે એક સંધિ દરમિયાન મુસ્લિમ આક્રાંતાઓ પાસે અને પછી ત્યાંથી મહારાજા રણજિતસિંહ પાસે આવ્યો. કાળક્રમે એ કોહિનૂર અંગ્રેજો પાસે આવ્યો અને ત્યારથી એ અમૂલ્ય કોહિનૂર લંડન મ્યુઝિયમમાં સુરક્ષિત છે.
સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા મુજબ, રૂદ્રેશ્વર મંદિરનું નિર્માણ ઇ.સ. ૧૨૧૩માં કાકતીય સામ્રાજ્યના શાસનકાળ દરમિયાન કાકતીય રાજા ગણપતિ દેવના એક સેનાપતિ રેચારેલા રૂદ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. અહીંના પીઠાસીન દેવતા રામલિંગેશ્વર સ્વામી છે. રાજશિલ્પી રામપ્પાને એક એવું મંદિર નિર્માણ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું કે જે સદીઓ સુધી કોઇપણ પરિસ્થિતિમાં ક્ષતિગ્રસ્ત ન થાય. શિલ્પી રામપ્પાએ કઠોર પરિશ્રમ અને પોતાના શિલ્પ કૌશલ્યનો ઉપયોગ કરી રુદ્રેશ્વર મંદિર નિર્માણ કર્યું.
દક્ષિણ ભારતીય મંદિરોની વિશેષતા છે એમ, આ મંદિર પણ ૬ ફીટ ઊંચા તારા આકારના મંચ પર ઊભું છે. જેમાં દીવાલો, સ્તંભો અને છતો પર જટિલ કોતરણીકામ કરવામાં આવ્યું છે, જે કાકતીય મૂર્તિકારોના અદ્વિતીય કૌશલ્યનું પ્રમાણ છે. મંદિરની દિવાલો પર રામાયણ-મહાભારતના દ્રશ્યો કંડારેલા છે. નાજુક કળા અને ઉત્કૃષ્ટ કારીગરી માટે જાણીતું, રામપ્પા મંદિર એ સમયે ભારતના શિલ્પીઓની તકનીકી જાણકારી અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી વિશિષ્ટ સાધનસામગ્રી વિશેનો પણ એક અંદાજ આપે છે.
શિલ્પી રામપ્પાની સતત ચાર દાયકાની મહેનતને અંતે આ મંદિર તૈયાર થયું અને જ્યારે આ ભવ્ય, સુંદર અને અનુપમ નિર્માણ રાજા ગણેશદેવને જોયું ત્યારે એમણે પ્રસન્ન થઇને મંદિરનું નામાભિધાન શિલ્પી રામપ્પાના નામે કર્યું અને આજે પણ આ રુદ્રેશ્વર શિવ મંદિર શિલ્પી રામપ્પાના નામે 'રામપ્પા મંદિર' તરીકે પ્રસિદ્ધ છે. કદાચ, 'રામપ્પા મંદિર' ભારતનું એકમાત્ર એવું મંદિર હશે કે જે ભગવાન કે એના સ્વપ્નદૃષ્ટા રાજવીના નામે નહીં પરંતુ એની રચના કરનારા શિલ્પીના નામે પ્રસિદ્ધ છે.
આ સિવાય પણ આ શિવ મંદિરની એક બીજી વિશેષતા છે. આઠેક સદી વીતી છતાં પણ આ મંદિર અખંડ ઊભું છે. એનાથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે રામપ્પા મંદિરની આસપાસના અન્ય ધાર્મિક સ્થાપત્યો અત્યારે ખંડેર જેવી દશામાં છે પરંતુ મહાદેવ શિવશંભુના મંદિર આજેય એની મૂળ સ્થિતિમાં હોય એવું જ સ્થિતપ્રજ્ઞા જેવું અડિખમ અને અખંડ ઊભું છે. ધૂણીવાળા બાબા નીલકંઠનું આ મંદિર એમની જેમ જ ધૂણી ધખાવીને આજેય ભક્તોની દર્શનાભિલાષા પૂર્ણ કરતું ખડું છે.
આ બાબતે પુરાતત્ત્વવિદો અને વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચાયું. પછી તો અભ્યાસ અને સંશોધનનો ધમધમાટ શરુ થયો. એમનો મુદ્દો સાચો હતો કે છેક બારમી સદીમાં રચાયેલું મંદિર, ૮૦૦ વર્ષના લાંબા સમયગાળા પછી પણ જે મજબૂતાઈ સાથે ઊભું છે એ કોઈ વિશિષ્ટ પ્રકારની કલા કે શૈલીના કારણે જ શક્ય બને. એ પછી આ મજબૂતાઈને જાણવા અને નાણવાના અનેકવિધ પ્રયાસો આદરવામાં આવ્યા પરંતુ આજદિન સુધી શિવ મહિમ્ન સ્ત્રોતમાં કહ્યું છે એમ, અજન્મા અનંત અનન્ય એવા શિવનો મહિમા જેમ અપાર છે એમ આ રામપ્પા શિવ મંદિરની મજબૂતાઈનું રહસ્ય પણ અપ્રગટ રહ્યું છે.
ભારત છેક પ્રાચીન અને વેદકાલીન સમયખંડથી પોતાની પરંપરા સાથે સંસ્કૃતિ અને વારસાને સાચવતો આવ્યો છે. આપણા દેશમાં અદભૂત, અલૌકિક, અકલ્પનીય, અવર્ણનીય તેમજ અનોખા શિલ્પ સ્થાપત્યોની કોઈ જ કમી નથી. કમનસીબીની વાત એ છે કે આવા અનેક સ્થાપત્યો પર આપણા સૌનું ધ્યાન ત્યારે જાય છે જ્યારે તેને કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવે. હમ્પીના મંદિરો, ખજુરાહો, મહાબલીપુરમ, મહાબોધિ મંદિર, ચોલાપુરમ, ચાંપાનેર, કૈલાસ મંદિર વગેરે આવા ઉદાહરણો છે જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યા પછી પ્રવાસીઓની પસંદગીનું કેન્દ્ર બન્યા છે.
આજે જરુરિયાત તો એ છે કે આપણા આવા ભવ્ય વારસા અને વૈભવને આપણે જાતે જ જાણીએ, અન્યને જણાવીએ અને એને પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત બનાવવામાં સહાયક બનીએ. અન્યથા જેવું અનેક બાબતોમાં બન્યું છે એમ, વિદેશીઓની સ્વીકૃતિ મળ્યા પછી, માન્યતા મળ્યા પછી આપણે આપણા વારસા અને એના વૈભવને જાણતા, માણતા, મૂલવતા થઈશું. વૈશ્વિક સ્તરે ભારતીય શિલ્પસ્થાપત્યો કે એવા અન્ય પ્રાચીન પૌરાણિક વારસાને સ્વીકૃતિ અને માન્યતા મળે એ હંમેશા આવકાર્ય હોય જ પરંતુ જ્યારે અતુલ્ય ભારતના સૂત્ર સાથે આપણી દેશદાઝ અને દેશપ્રેમને જરાક જુદી દ્રષ્ટિએ જોવા, મૂલવવાનો પ્રયાસ કરશું તો ચોક્કસપણે આપણે આપણા વૈભવ અને વારસાના જતન, સંવર્ધન માટે વિદેશી સ્વીકૃતિ કે માન્યતાની લગીરેય જરુર નહીં પડે.