જે ખોવાયું જ નથી એને શોધવાની મથામણ...।। .
- આપણે સૌ તો પ્રભુનાપીંડ છીએ. પરમાત્માના જ અંશ છીએ. એણે આપણને બનાવ્યા છે. માત્ર આપણને જ કેમ એણે તો આખીસૃષ્ટિ બનાવી છે
આત્મા સો પરમાત્મા, હું થી હરિ વેગળો, દરેક જીવ એ શિવ.. સત્સંગમાં અને વાતચીતમાં આપણે સૌ આવા બધા વાક્યો બોલતા હોઈએ છીએ. તેમ છતાં દરેક પરમાત્માને, હરિને ભગવાનને, કુદરતને અલગ-અલગ જગ્યાએ શોધે છે. કોઈ મંદિરમાં, કોઈ મસ્જિદમાં, કોઈ ચર્ચમાં, કોઈ દેરાસર કે ગુરૂદ્વારામાં જઈને મૂર્તિનું આલંબન લઈને મનમાં માની લીધેલા પોતાના ઇષ્ટદેવને વંદન પ્રણામ પ્રાર્થના, ઇબાદત- સેવા-પૂજા કરી લેતા હોય છે. સૌની શ્રદ્ધાનો વિષય છે. જે કુળમાં જન્મ્યા અને જે ધર્મના સંસ્કારો મળ્યા એ મુજબ બાળક પુખ્ત થાય અને માણસ બને એટલે એ સંસ્કાર મુજબ પ્રભુને શોધવાની મથામણ કરે એ સ્વાભાવિક છે. દરેકે પોતાની સંસ્કૃતિ અને ધર્મ પરંપરાને જીવતી રાખવી જ જોઈએ. ખરેખર સંસ્કારનું સિંચન અહીંથી એટલે કે બાળપણથી જ થતું હોય છે.
હવે મુખ્ય બાબત એ છે કે ખરેખર ખુદા, ભગવાન ખોવાયો છે ખરો ? આપણું સર્જન કરીને આપણો સર્જનહાર ભાગી જાય ખરો ? આપણો બાપ આપણને નોધારા મૂકે કોઈ દિવસ ? આપણે સૌ તો પ્રભુના જ પીંડ છીએ. પરમાત્માના જ અંશ છીએ. એને જ આપણને બનાવ્યા છે. અરે માત્ર આપણને જ કેમ એને તો આખી સૃષ્ટિ બનાવી છે. ચારેબાજુ નજરે પડતા પશુ,પંખી, જીવજંતુ, પહાડો, સરોવર, દરિયો, ફળફુલ લગભગ બધું જ એની દેન છે. ભગવાન કે પરમાત્મા ક્યાં ખોવાયો જ છે વળી ?? અજ્ઞાન અને અંધશ્રધ્ધાના કારણે ભગવાનને શોધતાં શોધતાં માનવ જ ભટકી ગયો છે. ભૂલો પડયો છે. માણસમાંથી માણસાઈ ખોવાઈ ગઈ છે.
ખરેખર તો ભગવાન આપણી સાથે જ છે. આપણું બોલવું-ચાલવું હરવું-ફરવું ચરવું કે કોઈપણ વિચાર-કાર્ય ભીતર જે ધબકાર છે એના લીધે જ છે. ધબકાર બંધ તો આપણે બંધ. ધબકાર એ જ પરમેશ્વર છે. ધબકાર જ આખા આપણા અસ્તિત્વને જીવંત રાખે છે. વાસ્તવમાં સવારે આંખ ખુલે અને તરત આ ધબકારનો આભાર માનવાનો હોય. સ્વયંસંચાલિત આ માનવ યંત્ર રાતો દિવસ કામ કરતું હોય પછી પરમાત્મા વેગળો છે કે ખોવાઈ ગયો છે. એમ કેવી રીતે કહેવાય ? પ્રભુને મળવા કૃતજ્ઞા બનવું પડે.
- અંજના રાવલ