ઈસુનો ઉપદેશ .
- પ્રાર્થના એ બતાવવાની બાબત નથી. તેનો ઢંઢેરો પીટવાનો હોય નહિ. ઈશ્વરની સાથે સીધા માનસિક સંચારથી પ્રાર્થના કરાય તેને ઈશ્વર સ્વીકારે છે
ઈ શ્વર પોતે જન્મ ધરીને ઈસુના નામે માનવ તરીકે અવતારિત થયા એ ખ્રિસ્તી ધર્મની સવિશ્વાસ માન્યતા છે.
ઈસુએ તેમની દિનચર્યામાં ખાસ કરીને મુક્તિનો સંદેશ અને માનવ સેવાને પ્રાધાન્ય આપેલું છે.
માત્ર બાર વર્ષની કિશોરાવસ્થામાં તેઓ તેમનાં માતા અને પાલક પિતા સાથે મંદિરમાં ગયા. ત્યારે તેમણે મંદિરના મહંતો, પૂરોહિતો તથા પંડિતો સમક્ષ ધર્મ સંદેશ સુણાવ્યો. તેથી તેઓ અચરત થયા. તેઓએ ધાર્મિક વિષયે પૂછેલા પ્રશ્નોના ઈસુએ સચોટ, સ્પષ્ટ અને શાસ્ત્રોક્ત જવાબો આપ્યા.
ગિરિપ્રવચન તેમના મહત્વનાં પ્રવચનોમાંનું એક હતું. તેમના વતન નાસરેથના એક પહાડ પર અપાયેલું તેમનું એ પ્રવચન વિશ્વમાં વિખ્યાતિ પામેલું છે. તેને વાંચીને મહાત્મા ગાંધીજીએ પ્રતિભાવ આપ્યો છે કે ''બાઈબલ વાંચતાં હું નવા કરાર ઉપર આવ્યો ત્યારે જુદી અસર થઈ. ઈસુના ગિરિપ્રવચનની અસર બહુ સારી પડી. તે હ્ય્દયમાં ઉતાર્યું. બુધ્ધિએ ગીતાજીની સાથે તેની સરખામણી કરી. 'તારું પહેરણ માગે તેને અંગરખું આપજે. અને તને જમણા ગાલે તમાચો મારે તેની આગળ ડાબો ધરજે' એ વાંચીને મને અપાર આનંદ થયો."
(આત્મકથા પૃ.૬૫)
ગિરિપ્રવચનમાં ૧૮ સંદેશ છે. તેમાંના ૧ દાન અને ૨ પ્રાર્થના વિશે ઈસુનું મંતવ્ય આપણે સંક્ષિપ્તમાં જોઇએ.
૧ દાનધર્મ : આ વિષયે ઈસુએ કહ્યું છે કે તમે દાનધર્મ કરો ત્યારે જેમ દંભી લોકો સભાસ્થાનો, મેળાવડા અને રસ્તાના ચોકમાં માણસો પાસે વાહ વાહ કહેવડાવવા તથા પ્રશંસા પામવા માટે કરે છે તેમ તમે ના કરો. અને પોતાનાં બણગાં ફૂકવા માટે પોતાની આગળ પ્રશંસાનો શંખનાદ ન ગજાવો. એવું કરશો તો માનજો કે તમારો બદલો મળી ચૂક્યો છે. હવે પછી મોક્ષ પામવામાં તેને લેખે લેવામાં નહિ આવે. પણ જ્યારે તમે ધર્મદાન કરો ત્યારે જે તમારો જમણો હાથ કરે તે ડાબા હાથને જાણવા દેશો નહિ. દાન તો ગુપ્તમાં કરાય. તો જ ઈશ્વર દ્વારા તેનો બદલો તમને મળશે.
૨ પ્રાર્થના : આ વિષયે ઈસુનો અભિપ્રાય છે કે ''તમે પ્રાર્થના કરો ત્યારે દેખાડો કરનારાઓની રીતે ન કરો. તેઓ તો માણસો તેઓને જુએ એ રીતે ભક્તિ સ્થાનોમાં, દેવળોમાં, રસ્તાઓના પ્રવેશ દ્વારે ઊભા રહીને પ્રાર્થના કરવાનું પસંદ કરે છે. પ્રાર્થના તો ઘરના એક ખંડમાં ગુપ્તમાં, ઈશ્વરની સાથે એકાગ્રતા સધાય એ રીતે કરાય તો જ તે ઈશ્વરની માન્યતા પ્રાપ્ત કરે છે. કેટલાક એવું માને છે કે મોટે અવાજે અને લંબાણ પૂર્વક કરેલી અમારી પ્રાર્થના જ પ્રભુ લક્ષમાં લેશે, પણ એવું નથી."
પ્રાર્થના એ બતાવવાની બાબત નથી. તેનો ઢંઢેરો પીટવાનો હોય નહિ. ઈશ્વરની સાથે સીધા માનસિક સંચારથી પ્રાર્થના કરાય તેને ઈશ્વર સ્વીકારે છે.
- સુરેન્દ્ર આસ્થાવાદી, નડિયાદ