શ્રીમદ્ ભાગવતજીના દસમ સ્કંધના પંચ ગીતો એ પંચામૃત સમાન છે
આ પણા બે ગ્રંથો એવાં છે કે જેની પાછળ 'શ્રીમદ્' શબ્દ લાગે છે. એક શ્રીમદ્ ભાગવત અને બીજો શ્રીમદ્ ભગવત ગીતા. આ બન્ને ગ્રંથો ભગવાને પોતાના મુખે પ્રગટ કર્યાં છે. શ્રીમદ્ ભાગવત પણ ભગવાન નારાયણે પોતાના મુખારવિંદમાંથી પ્રગટ કર્યું. શ્રૃષ્ટિના આરંભમાં ચતુઃશ્લોકી ભાગવતનો ઉપદેશ ભગવાન નારાયણે બ્રહ્માજીને કર્યો, બ્રહ્માજીએ નારદજીને કર્યો અને નારદજીએ ભગવાન વેદવ્યાસજીને ચાર શ્લોકો સંભળાવ્યાં. એ ચાર શ્લોકોનો વ્યાસજીએ વિસ્તાર કર્યો અને ૧૮૦૦૦ શ્લોક, ૩૩૫ અધ્યાય અને ૧૨ સ્કંધની દિવ્ય ભાગવત સંહિતા બનાવી. ૧૨ સ્કંધ એ શ્રીનાથજી બાવાના ૧૨ અંગો તરીકે કલ્પાયેલાં છે. જેમાં શ્રીમદ્ ભાગવતજીનો દસમ સ્કંધ એ કૃષ્ણ પરમાત્માનું હૃદય છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોને શ્રવણ કરી હૃદય પુલકિત થાય છે.
દસમ સ્કંધના બે ભાગ છે ઃ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. દસમ સ્કંધના ૯૦ અધ્યાય છે. ૧ થી ૪૯ અધ્યાય એ પૂર્વાર્ધ છે, ૫૦ થી ૯૦ અધ્યાય એ ઉત્તરાર્ધ છે. ઠાકોરજીની સેવા આપણે કેવી રીતે કરવી ! એનું સંપૂર્ણ માર્ગદર્શન આ દસમ સ્કંધમાં પ્રાપ્ત થાય છે. જેનું અહી એક ઉદાહરણ રજુ કરું છું. યશોદા માતાજી ઠાકોરજીને દૂધ પીવડાવતા હતાં તે સમયે 'ગંગી' ગાયનું દૂધ ઉભરાયુું. યશોદા માતાજીના મનમાં થયું કે, આ દૂધ મારા લાલાને બહુ ભાવે છે. તો ઠાકોરજીને ભૂખ્યા છોડી યશોદા માતાજી દૂધ સંભાળવા ગયાં અને ભગવાને પોતાના જ ઘરમાં દૂધ-દહીં ની મટકી ફોડી. આ કથા-પ્રસંગ તો ખૂબ વિસ્તૃત છે. જેમાં ભગવાનની દામોદર લીલાનો પ્રસંગ છે. પરંતુ, આ સમગ્ર ઘટના આપણને સૌને સમજાવે છે કે, જ્યારે કોઈપણ વ્ય ક્ત ભગવાનની પૂજા કરતો હોય તો તેનું તન અને મન ભગવાનની પૂજામાં જ હોવું જોઈએ. ભગવાનની પૂજામાંથી મન અન્યત્ર જાય તો તેના જેવો કોઈ બીજો દોષ નથી.
દસમ સ્કંધના પ્રથમ જે ચાર અધ્યાય છે એ શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રાગટયની કથા છે. ભગવાનના ચારેય સ્વરૂપોનો મહિમા પ્રતિપાદન કરતા આ ચાર અધ્યાય છે - હેતુ, ઉદ્યમ, સ્વકાર, કાપટય અને આ સાથે ભગવાનના જે ચાર સ્વરૂપો - સંકર્ષણ, શ્રી કૃષ્ણ, પ્રદ્યુમ્ન અને અનિરૂદ્ધ નું વર્ણન છે. દસમ સ્કંધના પાંચમાં અધ્યાયમાં નંદ મહોત્સવનું વર્ણન છે. ઉત્સવ પણ બે રીતે ઉજવાયા છે. એક વૈદિક પદ્ધતિથી અને બીજો લૌકિક પદ્ધતિથી. વૈદિક પદ્ધતિથી જ્યારે ઉત્સવ ઉજવાયો ત્યારે વૈદગ્ન અને દૈવગ્ન બ્રાહ્મણો આવ્યાં સ્વ સ્તવાચન કર્યું જાત અને કર્મ સંસ્કાર કર્યો. લૌકિક પદ્ધતિથી જ્યારે ઉત્સવ ઉજવાયો ત્યારે ગોકુળને ધજા-પતાકાથી શણગારવામાં આવ્યું.
દસમ સ્કંધના પાંચમાં અધ્યાયમાં ૧૩ માં શ્લોકમાં વર્ણન છે કે, 'અવાદ્યન્ત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે નન્તે નંદસ્ય વ્રજમાગતે.' ગોપ અને ગોવાળિયાઓ પણ એકબીજા ઉપર દૂઘ,દહીં અને ઘીની વર્ષા કરવા માંડયા. ભગવાનના મનમાં થયું કે, મારા ભક્તોને વૈકુંઠ સુધી આવવું ના પડે એટલે હું જ ભક્તજનોને દર્શન આપવા વ્રજમાં આવું માટે જ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પધાર્યાં.
દસમ સ્કંધના પંચ ગીતો એ પંચામૃત સમાન છે. જે સમગ્ર ભાગવતજીનો સાર છે. એ પંચ ગીતો એટલે વેણું ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત અને મહિષિ ગીત છે. દસમ સ્કંધના ૨૧ માં અધ્યાયમાં વેણું ગીત છે. શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે વૃંદાવનમાં વેણું નાદ કરે છે ત્યારે ગોપીજનોએ ઘરે બેઠાંબેઠાં પોતાનો ભાવ વ્યક્ત કરી વેણુંને સરાહી છે. વેણું ગીત એ મહાપ્રભુશ્રી વલ્લભાચાર્યજીના મતાનુસાર વનાંન્તર વિયોગ છે. ઠાકોરજી વનમાં જાય છે અને ગોપીઓને જે વિરહ થાય છે એ ભાવ આ ગીતમાં છે. ગોપી ગીત એ પલકાંન્તર વિયોગ છે. એવી જ રીતે જે ભાવ વેણું ગીતમાં છે એ જ ભાવ યુગલ ગીતમાં છે. ભ્રમર ગીત એ દેશાન્તર વિયોગ છે. જેમાં ગોપીઓએ ભમરાને કેન્દ્રમાં રાખી ભગવાનને મીઠો ઠપકો આપ્યો છે. મહિષિ ગીતમાં ઠાકોરજીની લીલા વિહારનું વર્ણન ૧૬૧૦૮ રાણીઓએ કર્યું છે. આ પાંચ ગીતો એ ભ ક્તમાર્ગની પરાકાષ્ટા છે. જેમાં દસમ સ્કંધના ૨૧માં અધ્યાયમાં વેણું ગીત છે, દસમ સ્કંધના ૩૧માં અધ્યાયમાં ગોપી ગીત છે, દસમ સ્કંધના ૩૫ મા અધ્યાયમાં યુગલ ગીત છે, દસમ સ્કંધના ૪૭ માં અધ્યાયમાં ભ્રમર ગીત છે અને દસમ સ્કંધના ૯૦ માં અધ્યાયમાં મહિષિ ગીત છે.
ભાગવતનું હૃદય દસમ સ્કંધ છે. દસમ સ્કંધનું હૃદય એ રાસ પંચાધ્યાય છે. જેવી રીતે દેહનો આત્મા સાથે સંબંધ છે એવી જ રીતે રાસપંચાધ્યાયને જાણવો. એમાં પણ ગોપી ગીત એ ભ ક્તમાર્ગનું શિખર છે. મહાપ્રભુશ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું કે, ભ ક્તમાર્ગમાં તમારે કોઈને ગુરૂ કરવા હોય તો ગોપીજનોને ગુરૂ કરજો. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં કહ્યું કે, મારા આશ્રિતોએ ભ ક્તને દ્રઢ બનાવવી હોય તો શ્રીમદ્ ભાગવતજીના દસમ સ્કંધનો પાઠ કરવો. આમ, દસમ સ્કંધ એ ઠાકોરજીમાં પ્રેમ અને ભ ક્ત પ્રગટ કરવાવાળો સ્કંધ છે.
આવી જ પ્રેમ લક્ષણા ભક્તનો આપણે અનુભવ કરીએ અને પ્રભુને પ્રિય થઈએ એ જ અભ્યર્થના સાથે...અસ્તુ !.
-પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી