ભગવાનને ધૂન-કિર્તન-શાસ્ત્ર પઠન કરીને પ્રસન્ન કરવાનો માસ એટલે... ધનુર્માસ
૧૬ ડિસેમ્બરથી ધનુર્માસનો પ્રારંભ થશે. પ્રાત:કાળથી જ ભાવિક ભક્તો દ્વારા મંદિરો ધૂન-ભજન-કીર્તનથી ગુંજી ઉઠશે. સર્વત્ર ભક્તિના દર્શન થશે. મંદિરોમાં અને ઘરોઘર ધાર્મિક શાસ્ત્રોનું વાંચન કરવામાં આવશે. આ માસમાં ધ્યાન, ભજન, કીર્તન, જપ, તપ, વ્રત, શાસ્ત્ર પઠન કરવાથી અનંતગણું ફળ પ્રાપ્ત થાય છે.
આ ધનુર્માસમાં લગ્નની વિધિ, મકાન કે ઓફિસોનો આરંભનો વિધિ, આદિ કાર્યો મોટાભાગે માણસો કરતાં નથી. તેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે, પૂર્વદિશા સૂર્યની છે. પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે. ધન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે. ત્યાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે. તેના કિરણો અતિવક્ર પડતાં હોવાના કારણે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ સાથે બીજી એક વાત એવી છે કે, મહાભારતનું મહાભયંકર યુદ્ધ ધનુર્માસના દિવસો દરમ્યાન થયું હતું. અને જેના કારણે અનેક માણસો મૃત્યુ પામ્યા હતા. જેથી આ માસને અમાંગલિક માનવામાં આવે છે.
પરંતુ આ ધનુર્માસને આપણે પોઝીટીવ રીતે જોઈએ તો ઘણો જ લાભદાયી છે. આ માસમાં ધાર્મિક કાર્યો શ્રદ્ધાળુ ભક્તો ઉમંગ અને ઉત્સાહથી કરે છે.
સાંદિપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામે ૬૪ કળાઓ સાથે ધનુર્વેદનો અભ્યાસ કર્યો હતો. તેથી આ ધનુમાર્સ વિધાઅભ્યાસ માટે શુભ અને મંગલકારી મનાય છે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ