"જીવનનો અર્થ" .
(૧) જીવનનો અર્થ છે આશા, ઉત્સાહ અને ગતિશીલતા. જીવનનો અર્થ છે પોતાનાં ગુણ, કર્મ, સ્વભાવને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરતાં રહેવું. જીવનનો અર્થ છે સંસારરૂપી ઈશ્વરરિય ઉપવનને સજાવવા અને સાચવવા માટે પોતાની બુદ્ધિ અને હાથનો પૂરેપૂરો ઉપયોગ કરવો. જીવનમાં ઉપાર્જન જરૂરી છે અને ત્યાગ પણ જરૂરી છે, જીવનમાં પુરૂષાર્થ જરૂરી છે અને સંતોષ પણ જરૂરી છે, જીવનમાં જ્ઞાન જરૂરી છે અને કર્મ પણ જરૂરી છે, જીવનમાં શાંતિ જરૂરી છે અને થોડી ક્રાંતિ પણ જરૂરી છે.
(૨) પહેલાં નદી પર પુલ ન હતા, નાવ દ્વારા નદી પાર કરવી પડતી હતી. રેલવે ન હતી, બળદગાડામાં લોકો જતાં હતાં. વીજળી ન હતી. ફાનસ સળગાવીને કામ લોકો ચલાવતા હતા. આજે તો રેલવે છે, વીજળી છે બધું જ છે પરંતુ આજે મનુષ્યનું અંતઃકરણ ખોખલું થઈ ગયું છે. શ્રી રામ શર્મા આચાર્યએ કહ્યું - સંસારના લોકો આજે દુન્યવી સુખોમાં આત્માને ભૂલી ગયા છે. પ્રદૂષણ, અપરાધ, મોંઘવારી, ભેળસેળ, ભ્રષ્ટાચાર વગેરે મુસીબતો વ્યાપક રૂપે ફેલાઈ રહી છે. વધતી જતી વસ્તી માટે આવશ્યક સાધનો ભેગા કરવા મુશ્કેલ થતાં જાય છે.
(૩) ચાલવું એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. ચાલવાથી આપણાં તનમનમાં સ્ફૂર્તિ આવે છે. ચાલવાની પ્રક્રિયાથી ઓક્સિજન અને ગ્લુકોઝની જરૂરી માત્રા મગજને પહોંચાડવામાં મદદ કરે છે. રોજ ૩૦ મિનિટ ચાલવાથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે તથા તણાવ, કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશર પણ ઘટે છે.
(૪) જે વેપારી ભેળસેળ, વાસી, હલકી ચીજવસ્તુ વેચતા નથી અને જીવન ઉપયોગી વસ્તુઓ વેંચી જનતાના અભાવની પૂર્તિ કરે છે. તોલમાપમાં પ્રમાણિક્તા અને નફાખોરી કરતાં નથી તે વેપારી ધાર્મિક છે.
(૫) ગાયત્રી મંત્ર મન, બુદ્ધિ અને અંતઃકરણને પવિત્ર કરે છે, સદબુદ્ધિ પ્રદાન કરે છે અને આપણને સન્માર્ગની તરફ લઈ જવાની પ્રેરણા આપે છે. ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરોમાં વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ, ઉપનિષદ વગેરેનું શિક્ષણ ભરેલું છે.
(૬) નારી પરિવારની મુખ્ય ધરી છે. નારીની અનેક ભૂમિકાઓ છે, જેમ કે પુત્રી, બેન, માતા, પત્ની વગેરે. નારીના આ ચારેય રૂપ પૂજનીય તથા સન્માનનીય છે. પુત્રીના રૂપમા તે પોતાના માતા-પિતાનું ગૌરવ વધારે છે. બેનના રૂપમાં તે પોતાના ભાઈને સહયોગ આપે છે. પત્નીના રૂપમાં તે પોતાના પતિના દરેક સુખ દુઃખમાં ભાગીદાર બને છે તથા પોતાના ધર્મનું પાલન કરે છે. માતા રૂપમાં તે અનેક કષ્ટો તથા પીડા સહન કરીને પણ પોતાના સંતાનને જન્મ આપે છે, તેમજ પોતાના સંતાનને ઉછેરે છે.
- જયેન્દ્ર ગોકાણી