જીવ સૃષ્ટિ જડ અને ચેતનાનો સહયોગ છે .
તમામ જીવધારીઓનું શરીર જડ તત્વોનું બનેલું હોય છે. તેમાં ચેતન ભળે ત્યારે તેને સજીવ કહેવાય છે.
જીવ નિકળી જાય પછી તે શરીર મડદું કહેવાય છે. માત્ર હાડપિંજર પડી રહે છે. તેનામાં હલન-ચલન કરવાની શક્તિ સમાપ્ત થાય છે.
આપણું શરીર ૨૪ (ચોવીસ) જડ તત્વો દ્વારા નિર્માણ
પામ્યું છે. પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર અને મન આ ચાર તત્વ શરીરમાં છે. હાથ, પગ, મુખ, ગુદા અને ઉપસ્થ (લીંગ) આ પાંચ કર્મેન્દ્રિયો છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ તન્માત્રાઓ છે.
આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી આ પાંચ મહાભૂત કહેવાય છે. આ ચોવીસ જડ તત્વનું બનેલું આ શરીર તેમાં રહેલા જીવથી જ પ્રકાશીત રહે છે. સજીવ જ સજીવને જન્મ આપે છે. બીજરૂપ પરમતત્વ પરમાત્મા છે. પ્રકૃતિ તેવા બીજરૂપ પરમતત્વને સ્વીકારે છે ત્યારે જ નવનિર્માણ થાય છે. તેથી પ્રકૃતિ અને પરમાત્મા આ સૃષ્ટિના સર્જક, પાલક અને નાશવંત ક્રિયાઓના કર્તા, ભર્તા છે. ક્યાંક સંવનન દ્વારા, ક્યાંક પ્રશ્વેદ દ્વારા ક્યાંક વિભાજન દ્વારા આ સૃષ્ટિ સર્જાયા કરે છે અને કુદરતી તત્વો હવા, પાણી, પ્રકાશ અને ધરતીની માટી દ્વારા પોષિત થાય છે. વિકસિત થાય છે. અહીંથી ત્યાં ફર્યા કરે છે અને અંતે આ પંચભૂતમાં ભળી જાય છે.
આ સૃષ્ટિ ચક્રના નિર્માતા ઈસ, વિભૂ, પરમાત્મા, પરમેશ્વર જે ગણો તે અદૃશ્ય તત્વ છે. સંયોજક છે. તેને આપણા ઋષિઓએ ભગવાનની ઉપમા આપી છે. આવા સર્વના હીતકારી ભગવાનની ઉપસ્થિતિનો સ્વીકાર કરવાની પ્રક્રિયાને ભક્તિ કહેવાય છે. ભગવાન કર્તા છે અને કારણ પણ છે. સર્જક છે અને સર્જન પણ પોતે જ છે. ખાનાર પોતે છે અને ખોરાક પણ પોતે જ છે. આવા પરમ કૃપાળુ પરમાત્મા અત્ર, તત્ર, સર્વત્ર, કણ કણમાં સહજતાથી ઓતપ્રોત છે તેનો સ્વીકાર કરવો એ જ અધ્યાત્મ છે.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય