''વ્યક્તિત્વનાં રૂપાંતરની ચાવી'' .

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
''વ્યક્તિત્વનાં રૂપાંતરની ચાવી''                  . 1 - image


પ્રત્યેક યુવાને જીવનને પ્રભુમય બનાવવા માટે વિપત્તિની ગાંઠ તોડતા તોડતાં મધૂરતાના મૂળ સુધી જવું જોઈએ. અને મૂળ સુધી ગયા પછી એક મોટું કામ એ કરવાનું કે છેલ્લો ટુકડો ખાઈ નહિ  જવાનો. છેલ્લી મીઠાશ આવે ત્યારે એ ટુકડો ખાવાનો નહિ, ભોગવવાનો નહિ. એ ગાંઠવાળા ટુકડાને પાછો જમીનમાં રોપી દેવાનો. એમાંથી શેરડીનો બીજો સાંઠો તૈયાર થાય. એટલે રામરાજ્યની પ્રેમ રાજ્યની સ્થાપના કરવા માટે યુવાનો માણસો આગળ આવે. તેઓ રામાયણનું ચિંતન કરે. આની બહુજ જરૂર છે.

આપણે ઈચ્છીએ છીએ કે સંસારમાં કોઈ જ ભૂખ્યુ ના રહે. કોઈ ભૂખ્યો રહે તો એને રોજી-રોટી આપવી તે ફરજ છે. અંતે લક્ષ્ય એ જ કે માનવી સ્વસ્થ બને. માનવીના માથા ઉપર વજનદાર પોટલું  હોય તો એ માથું નમાવી  શકે નહિ. કારણ કે મારૂં પોટલું પડી જશે  તેવો ભય એને લાગે છે. એ જ રીતે જેણે જ્ઞાન કે અહંકારનું પોટલું બાંધ્યું હશે, પુસ્તકોની માહિતીનું પોટલું બાંધ્યું હશે. એ નમન કરશે નહિ. વાસ્તવિક જ્ઞાન હોય તો તેમાંથી ઘમંડ ન આવે પણ હું અને તમે માહિતીને જ્ઞાન માનીએ છીએ. એ પોટલા નમાવાથી પડી જશે, તેનો ભય લાગે છે. એટલે આપણે નમી શકતા નથી. આજે માનવ આટલી સમૃધ્ધિ આટલી સગવડો હોવા છતાં તે બિમાર દેખાય છે. આમ થવાનું કારણ એ છે કે એની પાસે ધન વધ્યું છે. લક્ષ્મી વધી નથી. ઈશ્વર બધુ સહન કરી શકે છે, પણ ઉપરનો પ્રહાર સહન કરી શકતો નથી. પરમાત્માને કોઈ અપરાધ કરે તો દુઃખ થતું નથી. પણ સંતોનો કોઈ અપરાધ કરે તો પ્રભુ દુઃખી થાય છે. તમે કોઈ સંતોને વંદન કરી શકતા ન હોય તો વાંધો નહી, પણ સંત કોઈ વંદનાનો ભૂખ્યો નથી હોતો, પણ સંતનું અપમાન ન કરો. રાવણને શ્રાપ હતો કે જ્યારે તુ દસ મુખે બોલીશ ત્યારે તારું મૃત્યુ નજીક આવશે અને વાત સાચી પણ છે. એક મુખ વાળો માણસ પણ જ્યારે એક જ મુખે દસ જાતની વાતો કરવા માંડે ત્યારે માનવું કે એનું પતન નજીક આવ્યું છે. જ્યારે રાવણ તો દસ મુખે બોલે છે. કિર્તી પચાવવી ખુબ જ મુશ્કેલ છે. અસુખ એકવાર માનવી પચાવી જશે, પણ સુખ પચાવવુ ખુબ જ મુશ્કેલ છે.

- ચેતન એસ. ત્રિવેદી


Google NewsGoogle News