'સુખ આપવાનું સુખ' .
- દુનિયાના સાધનો કરતાંય આત્મીય આનંદનો વૈભવ અદકેરો હોય છે
- પોતાના માટે વિચારવું એ ખોટું નથી પણ ફક્ત પોતાના વિષે જ વિચારવું એ સારું પણ નથી. ખરેખર, જીવન એવી રીતે જીવવું જોઈએ કે મોત પણ જીવ લેવા આવે ત્યારે એ ભોંઠું પડી જાય.
વૃ ત્રાસુરે પોતાના બળથી સ્વર્ગ પર અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો. વૃત્રાસુરને મારવા મહર્ષિ દધીચિના હાડકાંમાંથી બનેલા શસ્ત્રની જરૂર હતી. દેવો અને ઈન્દ્ર દધીચિ પાસે આવ્યા. વિનંતી કરી. મહર્ષિએ બીજાના સુખ માટે પોતાના દેહનો ત્યાગ કર્યો. વિશ્વકર્માએ દધીચિના હાડકાંમાંથી એક અમોધ શસ્ત્ર બનાવ્યું. અને એ વજ્રથી વૃત્રાસુરને મારીને ઈન્દ્રએ સ્વર્ગ ફરી પ્રાપ્ત કર્યું. સમર્પણની આ આખી વાત દધીચિના પુત્ર પિપ્પાદે તેની માતા સુવર્યા પાસેથી સાંભળી. તે ક્રોધે ભરાયો. ઈન્દ્ર અને દેવતાઓનો નાશ કરવાનો એણે સંકલ્પ કર્યો. ગોમતી નદીના કિનારે બેસી વર્ષો સુધી તપસ્યા કરી. જ્યારે શિવજી પ્રસન્ન થયા ત્યારે પિપ્પલાદે વરદાન માંગ્યું. "પ્રભુ આપનું ત્રીજું નેત્ર ખોલીને મારા પિતાના હત્યારા દેવો અને ઈન્દ્રને ભસ્મ કરી દો." શિવજી વિચારમાં પડયા. એમણે પિપ્પલાદને સમજાવ્યો. "પુત્ર, મારા ત્રિજા નેત્રને ખોલાવવાનું આહ્વાન ના આપ ! એના તેજથી આ વિશ્વ બળીને રાખ થઈ જશે." પણ પિપ્પલાદ અડગ રહ્યો. છેવટે શિવજીએ કહ્યું - "હું તને એક તક આપું છું. તું આંખો બંધ કર અને તારા અંત:કરણમાં મારા ત્રીજા નેત્રના રુદ્ર-સ્વરૂપનું દર્શન કર." પિપ્પલાદે આંખો બંધ કરી અને શિવજીનું રુદ્ર-સ્વરૂપ દેખાવું શરૂ થયું. પ્રચંડ જવાળાઓની ઝાળથી એનું રોમ રોમ બળવા લાગ્યું. એ એટલો ભય પામ્યો કે તરત આંખો ખોલી નાખી. "પ્રભુ, મેં દેવતાઓને ભસ્મ કરવાની પ્રાર્થના કરી હતી અને તમે મને જ બાળવા તૈયાર થયા છો ! ત્યારે શિવજીએ કહ્યું - "ત્રીજા નેત્રને ખોલવાનું જ્યાંથી આહ્વાન થાય છે ત્યાંથી જ વિનાશનો આરંભ થાય છે. માણસના દરેક અંગના અલગ અલગ દેવતા હોય છે. તારા કહ્યા મુજબ જો દેવતાઓ ભસ્મ થવા લાગે તો માનવ-અંગમાં રહેલા દેવતાઓ પણ કેવી રીતે ટકે ? યાદ રાખ, બીજાનું ખરાબ ઈચ્છવાથી સ્વયંનું પણ અમંગળ થાય છે. તારા પિતાએ બીજા માટે દેહ-ત્યાગ કર્યો. તું એમનો પુત્ર છે એનો તને ગર્વ થવો જોઈએ. તારા પિતાની માફક બીજાના સુખે સુખી થનાર ખરા અર્થમાં પરમગતિ પામે છે. "શિવજીની વાતો સાંભળીને પિપ્પલાદના મનને શાંતિ મળી ગઈ."
આ શરીર પરોપકાર માટે છે. (પરોપકારાર્થ મિંદ શરીરમ્) દુનિયાના સાધનો કરતાંય આત્મીય આનંદનો વૈભવ અદકેરો હોય છે. જ્યારે માણસના હૃદયમાં કંઈક આપવાનો વિચાર જન્મે છે એ જ ઘડીએ એના મુલાયમ હૃદયમાં ઈશ્વરીય સ્થાપિત થઈ જાય છે. સૂર્ય, ચંદ્ર, નદી, વૃક્ષ, વાદળ, ગાય કે સજ્જન માણસો પારકાના કલ્યાણનો જ વિચાર કરે છે. સામાન્ય ગણાતું ઘાસ પણ અબોલ પશુઓના આહાર માટે ઊગે છે. અનુકંપા પ્રગટે પછી મનમાં રહેલો લોભ કે સ્વાર્થ વલખાં મારવાનું બંધ કરી દે છે. 'નિરાંત' પામતા માણસની આંખોમાં દેખાતી ટાઢક સુખ આપનાર માણસના હૈયાને ઐશ્ચર્યથી છલોછલ કરી દે છે. બીજાને હૂંફ આપવાની મોસમ બારેમાસ હોય છે.
ફ્લોરેન્સ નાઈટિંગલે ક્રિમિયાના યુદ્ધ-મેદાનમાં કંઈ પણ પામવાની આશા વગર અંધારી રાતે હાથમાં ફાનસ લઈને ઘાયલ સિપાહીઓની સેવા કરી હતી. આઈરીશ લેખક સેમ્યુએલ બકેટે ટાઢે થરથરતા એક ગરીબને જોઈને જ્યારે પોતાનો ગરમ કોટ તેને પહેરાવી દીધો ત્યારે કોટના ખિસ્સાં ખાલી કરવાનીયે એમણે પરવા કરી નો'તી. કાયમ મેળામાં દિલરૂબા વગાડી પૈસા ભેગા કરતા એક અંધ-વૃદ્ધની હથેળી મરડાઈ ગઈ હતી એટલે સંગીત જામતું નો'તું. પંડિત ઓમકારનાથજી ત્યાંથી પસાર થતા હતા. તેમણે તેની પાસેથી દિલરૂબા લઈ બે કલાક સંગીતની ખુલ્લી મહેફિલ જમાવીને ખાસ્સા રૂપિયા ભેગા કરી આપ્યા. પેલા વૃદ્ધની દુઆ નીતરતી આંખો અને એના શબ્દો ઓમકારનાથજી જીવનભર ભૂલ્યા નો'તા. "ભાઈ, હું અંધ છું એટલે તમારા દર્શન કરી શકતો નથી. પણ આજે સાક્ષાત હરિએ દિલરૂબા વગાડીને મને મદદ કરી હોય એવું લાગી રહ્યું છે."
સાચા અર્થમાં એ માણસ જ સમૃદ્ધ છે જે પોતાની અંદર રહેલ જીવંત-જ્ઞાન, ઉત્સાહ, રસ, રમૂજ, આનંદ કે પ્રેમ- બીજાને વહેંચી શકે. આપણા સદ્ગુણોનો ખજાનો જો વાપર્યા વગરનો પડી રહે તો જીવન એળે ગયું ગણાય. ઘણીવાર માણસને વસ્તુની નહિ વહાલની જરૂર હોય છે. એ સાચું છે કે ફ્રિજમાં રાખેલી વસ્તુ તાજી રહે પણ કરૂણા વસ્તુ નથી - વૃત્તિ છે. એને જાતના ભોંયરામાં ભંડારી ના રખાય, બીજાના ઉપયોગમાં લેવાય. કચરા પેટીમાંથી ભોજન મેળવતા કોઈ ગરીબને જોઈ એની ભૂખના યજમાન બનવાનું સુખ મેળવવા જેવું છે. એટલી આસક્તિ પણ સારી નહિ કે નકામી - ફેંકી દેવા જેવી વસ્તુ જરૂરિયાતવાળાને આપવામાં પણ દિલ પાછી પાની કરે ! રસ્તામાં પડેલા ખાડા પૂરવા કે મોટો પથ્થર હટાવી આવતા-જતાને ઠોકરોથી બચાવવા એ પણ પારકાને સુખ આપવાની એક શૈલી છે.
ચાર ચાર વખત ઈંગ્લેન્ડના વડાપ્રધાન બનનાર વિલિયમ ગ્લેડસ્ટને એમની ડાયરીમાં લખ્યું હતું કે એ પદનું એમને એટલું સુખ નો'તું મળ્યું જેટલું એમણે માલ-સામાન ભરેલી હાથ-લારી ખેંચી ટેકરી ચઢનાર મજૂરને પાછળથી ધક્કો મારી મદદ કરી ત્યારે મળ્યું હતું. ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટે ૨૦૦૭ માં 'ટાઈમ્સ નાવ' ચેનલ પર કહેલો એક પ્રસંગ છે. એ બસ્તરના જંગલમાં ગયા ત્યારે એક નાવિક તેમને મળ્યો. તે ભાડુ લઈને લોકોને નદી પાર કરાવતો હતો. એમણે નાવિકને પૂછયું - "હવે આ નદી પર નવો પુલ બંધાય છે, પછી તારું શું થશે ?" નાવિકે હસતાં હસતાં કહ્યું "મારું જે થવાનું હોય એ થશે. પણ લોકોને તો લાભ જ થશે જ !" - આ છે બીજાના સુખમાં સુખી થનાર જીવ.
પોતાના માટે વિચારવું એ ખોટું નથી પણ ફક્ત પોતાના વિષે જ વિચારવું એ સારું પણ નથી. ખરેખર, જીવન એવી રીતે જીવવું જોઈએ કે મોત પણ જીવ લેવા આવે ત્યારે એ ભોંઠું પડી જાય.
- સુરેન્દ્ર શાહ