Get The App

વિચાર અને જ્ઞાનરૂપે સંતોનો મહાન વારસો આજે પણ આપણા માટે સહજ છે

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
વિચાર અને જ્ઞાનરૂપે સંતોનો મહાન વારસો આજે પણ આપણા માટે સહજ છે 1 - image


- વિચાર અને જ્ઞાન રૂપે સંતોનો મહાન વારસો આજે પણ આપણા માટે સહજ છે. સુલભ છે. આવશ્યકતા એ માર્ગ પર ચાલવાની છે. આ માર્ગ પર ચાલીને આપણે પણ ભૌતિકતાની આંધળી દોડમાંથી બહાર નીકળીને, અધ્યાત્મના અલૌકિક પ્રકાશથી આપણા જીવનને આલોકિત અને ધન્ય કરી શકીએ છીએ.

વ ર્તમાન સમયમાં ભૌતિકતા પોતાના ચરમ પર છે. ભૌતિકતાની કળણ-ભૂમિમાં મનુષ્ય દિવસે ને દિવસે વધુ ને વધુ ખૂંપતો જઈ રહ્યો છે. ક્યાંય કોઈ કિનારો દેખાઈ રહ્યો નથી. વ્યક્તિનાં કષ્ટ, કલેશ, દુ:ખ એવાં ને એવાં વધતાં જ જઈ રહ્યાં છે. મનુષ્યનું સ્વયં પર કોઈ નિયંત્રણ રહ્યું નથી. જીવનમાં સંયમ, સેવા, સહિષ્ણુતા, માટે કોઈ સ્થાન દેખાતું નથી. પરિણામે વ્યક્તિ દરેક દિવસે ઉચ્છૃંખલાતાનાં નવાં કીર્તિમાન ધડવામાં લાગ્યો છે. ઉચિત-અનુચિતની પરવા કર્યા વિના વ્યક્તિ પૂરપાટ ઘોર તમસ તરફ આગળ વધતી જઈ રહી છે. માનવીય સંબંધ સતત સંકોચાઈ રહ્યા છે. સંચાર ક્રાંતિના કારણે ભૌગોલિક અંતર ભલેને ઘટી રહ્યું હોય, આખું વિશ્વ એક ગામ બની ગયું હોય, પરંતુ દિલનું અંતર વધતું જઇ રહ્યું છે.

કહેવા પૂરતા તો આપણે શિક્ષિત અને સમજદાર થઈ ગયા છીએ. વીતેલા દાયકાઓમાં જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આપણે તરકકી અને પ્રગતિ કરી છે. હવે તો આપણે અંતરિક્ષમાં રહેવાનાં સપનાં જોઈ રહ્યા છીએ પણ ધરતી પર મનુષ્યની જેમ રહેવાનું જ ભૂલી ગયા છીએ. ફેસબુક પર દરરોજ આપણા ફોલોઅર વધી રહ્યા છે પણ આપણા પડોશી વિશે જ આપણને કાંઈ ખબર નથી.

આજે વ્યક્તિના જીવનમાં હતાશા અને નિરાશા છે તો પારિવારિક જીવનમાં ઝઘડા, સામાજિક જીવનમાં શુચિતા નથી. તો સાર્વજનિક અને રાષ્ટ્રીય જીવનમાં પણ નૈતિકતા છેલ્લા શ્વાસ લઈ રહી છે.

જ્યાં સુધી સંતોનું માર્ગદર્શન મેળવવાની પાવન પુણ્ય પરંપરા જળવાઈ રહી, ત્યાં સુધી વ્યક્તિ, પરિવાર અને સમાજમાં વિકાર નહિ, સંસ્કાર છવાયેલા રહ્યા, ચારે બાજુ સુખ-શાંતિ અને સદભાવનું વાતાવરણ બની રહ્યું. આવા સંત ક્યારેય મઠ-મંદિર બનાવવાનું અભિયાન નહિ પણ મનુષ્યને મનુષ્ય બનાવવાનું અભિયાન ચલાવે છે. તેઓ વ્યક્તિના વેશ-વિન્યાસ નહિ, વ્યવહાર બદલવાનું અભિયાન ચલાવે છે. તેઓ ચમત્કાર નહિ, સન્માર્ગ બતાવે છે. તેઓ સાધુ હોય છે. સ્વાદુ નહિ, તેઓ ભૌતિક નહિ, આધ્યાત્મિક ક્રાંતિ લાવે છે.

સંતોની આ પાવન પુણ્ય પરંપરામાં ક્યારેક કબીરજી, રવિદાસ, સુરદાસ, તુલસીદાસ, મીરાબાઈ વગેરે સંતોએ જ્ઞાન, કર્મ અને ભક્તિની અલખ જગાડી આધુનિક યુગમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, મહર્ષિરમણ, પરમહંસ યોગાનંદ અને શ્રી રામ શર્મા આચાર્ય વગેરે સંતો, યોગીઓએ સમષ્ટિગત હિતમાં યુગની સમસ્યાઓનું સામયિક સમાધાન આપ્યું.

આથી વિચાર અને જ્ઞાન રૂપે સંતોનો મહાન વારસો આજે પણ આપણા માટે સહજ છે. સુલભ છે. આવશ્યકતા એ માર્ગ પર ચાલવાની છે. આ માર્ગ પર ચાલીને આપણે પણ ભૌતિકતાની આંધળી દોડમાંથી બહાર નીકળીને, અધ્યાત્મના અલૌકિક પ્રકાશથી આપણા જીવનને આલોકિત અને ધન્ય કરી શકીએ છીએ. આમાં જ સંપૂર્ણ માનવતાનું વિશ્વ વસુધાનું ઉજ્જવળ ભવિષ્ય છે.     

- જયેન્દ્ર ગોકાણી


Google NewsGoogle News