Get The App

"ફૂલમાં ખુશ્બૂ હોય છે" .

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
"ફૂલમાં ખુશ્બૂ હોય છે"                                        . 1 - image


- સુગંધિત થઈને આવતા પવન પાસેથી બગીચાના ફૂલોની ખબર મળી જાય એમ પારખુ નજરને સામેની વ્યક્તિમાં રહેલા વિશિષ્ટ ગુણોની જાણકારી મળી જાય છે

રામાયણના કિષ્કિન્ધાકાંડમાં સીતાજીની શોધ થતી હતી ત્યારે ઉદાસ ચહેરે બેઠેલા શ્રી રામે સુગ્રીવને એટલું જ કહ્યું તમે ગમે તેમ કરી જાનકીજીને શોધી લાવો. ત્યાં બેઠેલા સૌ ચિંતામાં હતા. સુગ્રીવની આજ્ઞાાથી સૌ અલગ અલગ દિશામાં પ્રસ્થાન કરવા લાગ્યા. અંગદ તેમના સાથીઓ સાથે દક્ષિણ દિશા તરફ આગળ વધ્યા. રસ્તામાં શરૂઆતમાં સ્વયંપ્રભાનો અને ત્યારબાદ સંપાતિનો મેળાપ થયો. સંપાતિએ સમાચાર આપ્યા કે દુરાત્મા રાવણ સીતાજીનું હરણ કરીને લંકા લઈ ગયો છે. લંકા અહીંથી ચારસો કોસ દૂર સમુદ્રના એક દ્વીપમાં છે. સંપાતિની વાતોથી રાવણના નિવાસસ્થાનની માહિતી મળી ગઈ. સૌએ દક્ષિણ સમુદ્ર કિનારે પડાવ નાખ્યો. આ વિકટ પરિસ્થિતિમાં બધા એક જ વાત વિચારતા હતા. (કથં કાર્યમિતિ બ્રુવન) હવે, આપણે શું કરવું જોઈએ ? ત્યારે અંગદે વાનરસેનાને આશ્વાસન આપ્યું અને કહ્યું, "(યદિ કશ્વિત સમર્થો... પુણ્યામભય દક્ષિણામ્) વા.રા.કિ. ૬૪/૧૯. તમારામાંથી કોઈ એવો વાનરવીર છે જે આ સમુદ્ર ઓળંગી શકે ! કોઈ હોય તો તરત બતાવે. "બધા એકબીજા સામે જોવા લાગ્યા. પછી કેટલાક વાનરોએ પોતે કેટલા યોજન છલાંગ લગાવી શકે છે તે શક્તિનું વર્ણન કર્યું. ગજ-૧૦, ગવાક્ષ-૨૦, શરભ-૩૦, ઋષભ-૪૦ ...... સુષેણ-૮૦. અંતે ઋક્ષરાજ જામ્બવાને કહ્યું, "હું ૧૦૦ યોજન છલાંગ લગાવી શકું છું. પણ વૃદ્ધાવસ્થાને લીધે પાછો ફરી શકું કે નહિ તેની ખાત્રી ના આપી શકું !!"

અહીં જામ્બવાન જાણતા હતા કે કોનામાં કેટલી હિંમત છે અને કોનામાં કેટલી શક્તિ છે. તે સીધેસીધા શ્રી હનુમાનજીને નથી પૂછતા. શ્રી હનુમાનજી પોતાની ધૂનમાં મસ્ત, એકાંત જગ્યાએ શાંતિથી બેઠા હતા. જામ્બવાને તેમને નજીક બોલાવ્યા. (બલં, બુદ્ધિશ્ચ તેજશ્ચ... કિયાત્માનમ ન સજ્જ સે.) વારા.કિ.૬૬-૭. "હે વાનર શિરોમણી, બળ, બુદ્ધિ, તેજ અને ધૈર્યમાં તમે દરેક કરતાં શ્રેષ્ઠ છો તેમ ખુદ આ સમુદ્ર ઓળંગવા માટે કેમ તૈયાર થતા નથી ?" આ સાંભળી શ્રી હનુમાનજી વિચાર કરવા લાગ્યા. શું તેમનામાં આટલી શક્તી, આટલું સામર્થ્ય છે ? શું આવું કપરૂં કાર્ય તે કરી શકે ? જામ્બવાને તેમની સામે જોયું. તેમણે શ્રી હનુમાનજીને તેમની જન્મકથા સંભળાવી. તે બાળપણમાં કેવી રીતે સૂર્યને એક ફળ સમજીને તેને લેવા આકાશમાં ઊડી ગયા હતા. કેવી રીતે ઈન્દ્રએ તેમના પર પ્રહાર કર્યો હતો. તે ઘાયલ થયા હતા અને છેવટે કેવી રીતે ઈન્દ્રએ તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું હતું. જામ્બવાને તેમને સમુદ્રલંઘન માટે ઉત્સાહિત કર્યા. જો તે ધારે તો તેમની ભીતર દબાયેલ શક્તિબીજ ગમે ત્યારે અંકુરિત થઈને ફૂટી શકે છે એનું ભાન કરાવ્યું. શ્રી હનુમાનજીનું રોમ રોમ ઉત્સાહિત થઈ ઊઠયું. તેમણે ખોંખારીને સૌને કહ્યું, "હરિસ્યામ્યુરૂવેગેન પ્લવમાનો મહાર્ણવમ્ - વા.રા.કિ.૬૭-૧૮ હું ખૂબ ઝડપથી આ મહાસાગરને ઓળંગી પેલે પાર પહોંચી જઈશ." અને ત્યારબાદ શ્રી હનુમાનજી સાગર પાર કરી શ્રી લંકામાં નજરકેદ થયેલાં સીતાજીની ભાળ મેળવી આવ્યા હતા.

કોઈ પારખુ ઝવેરી રસ્તે પડેલા કાચા હીરાને જોતાવેંત ઓળખી જાય એમ કોઈ જ્ઞાાની જાણતલ આપણા હૃદયની ભાવસપાટી ખોદી બતાવે ત્યારે અચરજ થાય છે કે આપણામાં શક્તિનાં, સામર્થ્યનો કેટલો અણમોલ ખજાનો વપરાયા વગરનો પડયો છે. જેની આપણને જાણ નથી.

યુનાનના થ્રેસ પ્રાંતમાં એક ગરીબ છોકરો રહેતો હતો. તે રોજ જંગલમાં લાકડાં કાપવા જતો. સાંજે તેનો ભારો બનાવી બજારમાં વેચી તેના જે પૈસા મળે તેમાંથી તેના કુટુંબનું ભરણપોષણ થતું. એક દિવસ યુનાનના પ્રખ્યાત ફિલોસોફર ડેમોક્રિટસે આ છોકરાને ભારો ઊંચકીને જતો જોયો. ડેમોક્રિટસે જોયું કે તેનો ભારો કોણે બાંધ્યો છે ?" છોકરાએ કહ્યું તેણે જ બાંધ્યો છે. ડેમોક્રિટસે પૂછયું - "ખરેખર ! તું આ ભારો ખોલીને ફરીથી આવી રીતે બાંધી શકે ?" છોકરાએ ભારો ખોલી ફરીથી અસાધારણ રીતે બાંધી બતાવ્યો. તે છોકરાની કામ કરવાની ચીવટ, ધગશ અને કાર્યનિષ્ઠા જોઈ ડેમોક્રિટ્સ ખૂબ પ્રભાવિત થયા. તેની સાથે તેના ઘેર ગયા. છોકરાના માતાપિતાને વિનંતી કરી "જો તમે આ બાળકને મારી સાથે મોકલશો, તો હું તેનો ખૂબ સારી રીતે ઉછેર કરીશ. તેને ખૂબ ખૂબ ભણાવીશ." એ છોકરો ડેમોક્રિટ્સ સાથે ગયો. ભણ્યો, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. આ છોકરો એટલે ભૂમિતિમાં મહત્વના સંશોધન કરનાર- પાયથાગોરસ. તેણે શોધેલો પાયથાગોરસનો સિદ્ધાંત આજે પણ આખી દુનિયામાં ભણાવાય છે. 

૧૮૮૭માં એન. સુલિવનની મુલાકાત હેલન કેલર સાથે થઈ. હેલન સાવ આંધળી, બહેરી અને બરાબર બોલી પણ શકતી નહોતી. સુલિવને  હેલનને 'ટચ ટીચિંગ' ટેકનિકના આધારે શિક્ષણ આપ્યું. હેલનમાં પ્રતિભા તો હતી પણ તે પારખવાની નજર, એક દિવ્ય દૃષ્ટિ એન. સુલિવન પાસે હતી. તેમની સાથે રહીને હેલને પુસ્તકો વાંચ્યા. જાતે સાત પુસ્તકો લખ્યાં. પોતાના જીવન પર નાટક બનાવ્યું-ભજવ્યું. હોડી ચલાવી. ઘોડેસવારી કરી, શતરંજ રમી. આવી પ્રતિભા પારખુ એન. સુલિવનને લોકો 'ધ મિરેકલ વર્કર' કહેતા.

જેમ સુગંધિત થઈને આવતા પવન પાસેથી બગીચાના ફૂલોની ખબર મળી જાય એમ પારખુ નજરને સામેની વ્યક્તિમાં રહેલા વિશિષ્ટ ગુણોની જાણકારી મળી જાય છે. બળબળતા રણના રેતકણોની નાભિ નીચેય પાણીની ભીનાશ રહેલી હોય છે. જરૂર છે ઉપરની રેતીના થરને હટાવવાની. એ જરૂરી નથી કે કોઈ બીજી વ્યક્તિ આપણી પ્રતિભા શક્તિને શોધી બતાવે. એ કામ આપણે પણ કરી શકીએ. ટેલિસ્કોપથી દેખાય એટલા ચાંદ-તારા ઘણા જોઈ લીધા. જરા, ભીતર કોકડું વળીને બેઠેલી શક્તિને જગાડીએ. જામ્બવાન હનુમાનજીને જે કહે છે તે આપણને પણ લાગુ પડે છે. કવન સો કાજ કઠિન જગ માંહી, જો નહીં કોઈ તાત તુમ્હ પાહીં - હે જીવ જગતમાં એવું કયું કામ છે જે તું ના કરી શકે ?

- સુરેન્દ્ર શાહ


Google NewsGoogle News