Get The App

સંત શિરોમણિ 'પૂજ્ય ડોંગરેજી મહારાજ'ના દિવ્ય-વચનામૃતો

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
સંત શિરોમણિ 'પૂજ્ય ડોંગરેજી મહારાજ'ના દિવ્ય-વચનામૃતો 1 - image


- ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારે પ્રભુએ પોતાની દિવ્યશક્તિ ભાગવતમાં રાખી છે. ભગવાન સ્વધામ ગયા જ નથી. આજ પણ તેની કથામાં પ્રત્યક્ષ બિરાજે છે.

- 'ભાગવત' એ ભવરોગની દવા છે. શ્રીકૃષ્ણનો વિયોગ જ મોટો રોગ છે. ભાગવત શાસ્ત્ર તેનું દિવ્ય ઔષધ છે.

- જ્ઞાન મેળવવું એ બહુ કઠિન નથી. જ્ઞાનને જીવનમાં ઉતારવું બહુ કઠિન છે માટે સરસ્વતિ માતાને વંદન કરો. સરસ્વતી માતા જ્ઞાન શક્તિ છે.

- લોકો પૂછે છે કે , ભગવાન ક્યાં છે ? સુર્યનારાયણ એ જ ભગવાન છે.

- પરમાત્માના નામ સાથે પ્રેમ કરો. ભગવાન કરતાં ભગવાનનું નામ શ્રેષ્ઠ છે. જે કાર્ય ભગવાનથી થતું નથી તે કાર્ય ભગવાનનું નામ કરે છે.

૧) જેના મનમાં ભગવાનનાં દર્શનની ઇચ્છા છે તેનું જીવન સુધરે છે તેનું મરણ મંગળમત્ર બને છે.

૨) 'મારા ભગવાન સર્વમાં છે, અને સર્વ શક્તિમાન છે. આવો વિચાર કરવાથી પ્રભુમાં પ્રેમ થાય છે.

૩) દુર્જન જગતને કામવાસનાથી જુએ છે જ્યારે સંત જગતને રામભાવથી જુએ છે.

૪) ભાગવતની કથા માનવને નિર્ભય કરે છે જે ભક્તિ સતત કરે છે તેને એવો અનુભવ થાય છે કે ભગવાન મારી સાથે જ છે.

૫) ભાગવતની કથા જીવન-મરણને મંગલ બનાવે છે. કેવી રીતે જીવવું એ ભાગવત શીખવે છે. અને કેવી રીતે મરવું એ પણ ભાગવત શીખવે છે.

૬) જ્ઞાની પુરુષો સર્વમાં આત્મસ્વરૂપને અને આત્મસ્વરૂપમાં સર્વને જુએ છે.

૭) પરમાત્મા સર્વને સાક્ષીભાવે જુએ છે. એ સર્વનો દૃષ્ટા છે.

૮) ભગવાનની કથા મંગળ છે. મનને પવિત્ર કરે છે કથાથી પાપો બળે છે. આ કથાની દિવ્ય શક્તિ છે.

૯) ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારે પ્રભુએ પોતાની દિવ્યશક્તિ ભાગવતમાં રાખી છે. ભગવાન સ્વધામ ગયા જ નથી. આજ પણ તેની કથામાં પ્રત્યક્ષ બિરાજે છે.

૧૦) બુદ્ધિની નાની બહેન એ મન છે. મન અને બુદ્ધિ મળીને શુદ્ધ ચેતન જીવાત્માને છેતરે છે. મન ઉપર વિશ્વાસ રાખવાથી જીવ દુ:ખી થાય છે મન દગો કરે છે.

૧૧) વિષયો જીવને બાંધે છે. તેથી મરણ બગડે છે. તમે બધા વૈષ્ણવો છે. પ્રભુના પ્યારા છો. પરમાત્માના અંશ છો. વિવેકથી થોડું સુખ ભલે ભોગવો. પણ એટલું સદા સ્મરણમાં રાખજો કે 'હું ભગવાનનો દાસ છું.'

૧૨) 'ભાગવત' એ ભવરોગની દવા છે. શ્રીકૃષ્ણનો વિયોગ જ મોટો રોગ છે. ભાગવત શાસ્ત્ર તેનું દિવ્ય ઔષધ છે.

૧૩) સાચો વૈષ્ણવ તે છે જેને પાપ કરતા શરમ આવે જુઠું બોલતા શરમ આવે તેજ વૈષ્ણવ છે.

૧૪) બધાને વંદન કરો, બધાને માન આપો, બધાની પૂજા કરો પણ ધ્યાન પરમાત્માનું જ કરો.

૧૫ ) ભગવાનની ભક્તિ તો મુક્તિથી ય મોટી છે. વૈષ્ણવો ભગવાન પાસે મુક્તિ માંગતા નથી. મુક્તિ તો ભક્તિની દાસી છે. પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે. મુક્તિ તેની પાછળ ચાલે છે.

૧૬) થોડું બોલો, મિતાભાષી બનો. વિવેક રાખીને બોલો સત્યભાષી અને મિત્તભાષી બનો.

૧૭) જ્ઞાન મેળવવું એ બહુ કઠિન નથી. જ્ઞાનને જીવનમાં ઉતારવું બહુ કઠિન છે માટે સરસ્વતિ માતાને વંદન કરો. સરસ્વતી માતા જ્ઞાન શક્તિ છે.

૧૮) પરમાત્મા શબ્દમાં જ ૨૪ અવતારો સમાટોલ છે. ૫=પાંચ + ૨ (બે) + મા (સાડા ચાર ) ૮ (આઠ) અને મા (સાડાચાર) = ૨૪ આમ ૨૪ અવતારોની કથા ભાગવતમાં છે.

૧૯) બ્રહ્મજ્ઞાની થવું બહુ કઠિન નથી પણ બ્રહ્મ દૃષ્ટિ રાખવી બહુ કઠિન છે.

૨૦) જ્ઞાન અને ભક્તિ અતિશય વધે ત્યારે ભેદનો નાશ થાય છે. એક માત્ર બ્રહ્મતત્વનો જ અનુભવ થાય છે.

૨૧) કર્મયોગ શ્રીકૃષ્ણ પ્રેમથી સફળ થાય છે. જે કંઈ સારૂં થાય તે ઇશ્વર જ કરે છે અને જે કંઈ ખોટું થાય છે. તે મેં કર્યુ છે તેવી ભાવના રાખો.

૨૨) શ્રીકૃષ્ણ સાથે જે અતિશય પ્રેમ કરે તેની વાસનાનું વિષ ભગવાન ખેંચી લે છે.

૨૩) સંત સંપત્તિ આપીને સુખી કરતા નથી. સંત વાસનાનો નાશ કરી દે છે. સંત વિષયાનંદ આપતા નથી. સંત તો ભજનાનંદ આપે છે. સંત ધન આપીને સુખી કરતા નથી. સંત બગડેલા મનને સુધારીને સુખી કરે છે.

૨૪) જીવ અને ઇશ્વર બંને સાથે જ રહે છે. ઇશ્વર જીવથી કંઈ દુર નથી. અતિ સમીપમાંજ છે. ઇશ્વર જીવ ને જુએ છે. પણ જીવ ઇશ્વરને જોઈ શક્તો નથી. વચ્ચે માયાનો એક પડદો છે.

૨૫) અતિ વિલાસી લોકોથી ભગવાન પણ દૂર રહે છે. અતિ વિલાસી લોકોનો સંગ મનને બદાડે છે.

૨૬) જગત એટલે શું ? શુભ અને અશુભ, પવિત્ર અને અપવિત્ર આ બંનેનું મિશ્રણ છે. એજ જગત છે ! આ જગતમાં બધુંય સારૂં થની અને બધુંય ખરાબ પણ નથી.

૨૭ ) લોકો પૂછે છે કે , ભગવાન ક્યાં છે ? સુર્યનારાયણ એ જ ભગવાન છે.

૨૮ ) જેટલી જીવન જીવવાની જરૂરીયાત હોય તેટલું ભગવાન વગર માંગે આપે છે. ભગવાન એવા ઉદાર છે કે નાસ્તિકને પણ સુખ આપે છે.

૨૯) બાળકને બાલકૃષ્ણની ભાવનાથી જુઓ. બાળકને રાજી કરવો એ પરમાત્માને રાજી કરવા બરાબર છે.

૩૦) પરમાત્માના નામ સાથે પ્રેમ કરો. ભગવાન કરતાં ભગવાનનું નામ શ્રેષ્ઠ છે. જે કાર્ય ભગવાનથી થતું નથી તે કાર્ય ભગવાનનું નામ કરે છે.

૩૧) મનથી શ્રીકૃષ્ણનાં દર્શન કરો અને શ્રીકૃષ્ણનાં ચરણમાં ભાવથી વંદન કરો.

૩૨) જેને માયાને તરવાની ઇચ્છા હોય તે પરમાત્માના નામનું કીર્તન કરો.

૩૩) ચારેય દિશાઓના માલિક ચાર દેવો છે.

- પૂર્વદિશાના માલિક દેવ જગન્નાથ સ્વામી છે.

- દક્ષિણદિશાનાં માલિક દેવ શ્રી રામેશ્વર ભગવાન છે.

- પશ્ચિમ દિશાના માલિક દેવ શ્રી દ્વારકાધિશ છે.

- ઉત્તર દિશાનાં માલિક દેવ ભગવાન બદરીનાથ છે.

૩૪) દુ:ખીને દિલાસો આપવો એ મહાન પૂણ્ય છે.

૩૫ ) મન જેના હાથમાં- કાબુમાં છે. તે મહાન બને છે. (પૂજ્ય ડોંગરેજી મહારાજની કથાઓમાંથી )

સંત શિરોમણિ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજનો જન્મ ૧૫-૨-૧૯૨૬ના રોજ વડોદરાનાં એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ કેશવદાસજી ગણેશ ડોંગરે અને માતાનું નામ શ્રીમતી કમલાબાઈ હતું.

શ્રી ડોંગરેજી મહારાજે બનારસમાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેના પરિવારમાં ત્રણ પેઢીથી સંસ્કૃત ભાષા અને ધાર્મિક સંસ્કાર હોવાથી તેઓને વડીલોના સંસ્કાર ગળથૂથીમાં જ મળ્યા હતા.

- વિદ્યા દીક્ષા : તેમના પિતાશ્રી કેશવ ડોગરેજી વેદશાસ્ત્રના પ્રખર પંડિત હતા. તેઓશ્રીના ચરણોમાં બેસીને, વિદ્યાભ્યાસનો મંગળ પ્રારંભ કર્યો. તેઓએ આ જીવન બ્રહ્મચર્ય વ્રત સાથે સમસ્ત વિદ્યાની મધુરિમાને આત્મસાત કરી હતી.

- વિવાહદીક્ષા : માતા-પિતા અને શાસ્ત્રની આજ્ઞાને અનુસાર તેમણે ખંભાતનાં શ્રી પરશુરામજી નાથુની સદ્પુત્રી શ્રી શાલિની બેન સાથે વિવાહ સંપન્ન કર્યા હતા. લગ્નબાદ શાલિની બેન 'સીતા માતાજી' ના નામથી ઓળખાય. અને પવિત્ર ગ્રહસ્થાશ્રમ સાથે બ્રહ્મચર્યનું આજીવન પાલન કર્યું.

- જીવનદીક્ષા : પરમ ભાગવત શ્રી નરહરિલાલ મહારાજનાં સાનિધ્યમાં પૂજ્ય ડોંગરેજી આવ્યા અને શ્રીમદ્ભાગવત કથાના રસથી આકર્ષાયા. વંદનીય શ્રી નરહરિલાલ મહારાજશ્રીને ભાગવત્ના ક્ષેત્રે દીક્ષાગુરુ સ્વરૂપે સ્વિકાર્યો. અને ભાગવત કથાના પ્રારંભની દીક્ષાથી દીક્ષિત બન્યા.

નિવાસ : પવિત્ર નર્મદામાતાના કિનારે શ્રી સત્ય નારાયણ મંદિર, માલસરમાં એમનો કાયમી નિવાસ હતો. તપ અને તિતિક્ષાને વરેલા પૂજ્ય ડોંગરેજી ઠંડી-ગરમીમાં ટાંચા સાધનોમાં બે-ત્રણ પાટલા, તુલસીનું કૂંડ અને બાલકૃષ્ણ (લાલા) સ્વરૂપની નિત્ય સેવા રાખી નિવાસ કરી સાદું અને સરળ જીવન જીવતા અને સદૈવ ખાસ કરીને મૌન સેવતા. જે સમયે જે હોય તેનાથી તે ચલાવી લેતા. ફક્ત પ્રભુ સેવા પ્રભુ સ્મરણ- સ્વચ્છતા અને શુદ્ધતાના સદૈવ આગ્રહી રહેતા.

- રસોઈ : પૂજય ડોંગરેજી મહારાજ જ્યાં જતાં ત્યાં સ્વહસ્તે રસોઈ બનાવી ઠાકોરજીને દેવતાઓને શ્રદ્ધાપૂર્વક જમાડીને પછી જ પોતે પ્રસાદરૂપે આરોગતા ભોજન તદ્દન સાદુ-ભાજી કે થુલી- ખીચડી ભાખરી કે થૂલીથી સંતોષ માનતા હતા. શારીરિક અશક્તિ આવતા રસોઈમાટે બ્રાહ્મણોને સેવામાં રાખ્યા હતા. તેઓશ્રી સંપૂર્ણ સાત્વિક જીવન જીવ્યા હતા.

- લોક કલ્યાણ-દીક્ષા : પૂ.ડોંગરેજી મહારાજે વડોદરામાં શ્રીમદ્ભાગવત સપ્તાહનો પ્રારંભ ૧૯૪૮માં કર્યો હતો. તેમની હૃદયસ્પર્શી વાણી, અપૂર્વ વિદ્વતા અને લોકભોગ્ય શૈલીમાં સરળ ભાષામાં અને સરળ દૃષ્ટાંતો સાથે પૂર્ણ કથાનું રસપાન કરવા હજારોની સંખ્યામાં જનસમુદાય આકર્ષિત થયો. પૂરા ભારતમાં ૧૧૦૦ ભાગવત સપ્તાહો દ્વારા કરોડો લોકોને પૂજ્યશ્રીએ ધર્માભિમૂખ બનાવ્યા. તેમજ અનેક અન્નક્ષેત્રો વિદ્યાલયો, હોસ્પિટલો, મંદિરોના જીર્ણોદ્વાર, અનાથાશ્રમો વગેરે લોક કલ્યાણનાં કાર્યોમાં લક્ષ્મીનો ધોધ વહેવરાવ્યો.

- અંતિમ શ્વાસ : આવા નિ:સ્વાર્થ તપસ્વી સંતે ભારતનાં અનેક પ્રદેશોમાં યાત્રા કરી હતી. પરંતુ તેમની સાચી તપસ્યા ભૂમિ નર્મદા કિનારાની છે. એવી દૃઢ માન્યતાના કારણે, પવિત્ર નર્મદા કિનારે શ્રી સત્યનારાયણ મંદિર, માલસરમાં છેલ્લા ૩૩ વર્ષથી પોતે પ્રતિવર્ષે માધસ્નાન માટે અષાઢ-શ્રાવણ એમ બે ત્રણ માસ નિવાસ કરતા.

ઇ.સ.૧૯૯૦માં છેલ્લી અવસ્થામાં તેઓશ્રી આ પવિત્રસ્થાનમાં ૪૫ દિવસ સુધી માધસ્નાન માટે રોકાય.ને છેલ્લે તેમણે સંન્યાસ ધર્મગ્રહણ કરી કપડા બદલાવી સંવત ૨૦૪૭ કારતક વદ ૬ને ગુરુવારે તા.૮-૧૧-૯૦ના રોજ શ્રીજીનાં ચરણમાં લીન થયા. (શ્રીમદ્ ભાગવદ્ રહસ્યમાંથી).

આજે માલસર એક તીર્થ બની ગયું છે.

- ડો.ઉમાકાંત.જે.જોષી


Google NewsGoogle News