ગાયત્રી મંત્રના દેવતા સવિતા છે

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
ગાયત્રી મંત્રના દેવતા સવિતા છે 1 - image


- જ્યાં ભક્તિરૂપી ગાયત્રી છે ત્યાં અવશ્ય શ્રી નારાયણનો નિવાસ હોય છે 

દ રેક યુગમાં ઋષિ-મુનિઓ તથા વિદ્વાનોએ ગાયત્રીમંત્રનો મહિમા ગાયો છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે છંદોમાં ગાયત્રી હું છુ. આ જ રીતે છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે કે  આ વિશ્વમાં જે કાંઈ છે એ બધું ગાયત્રીમય છે. વિશ્વામિત્ર ઋષિના મતે ચારેય વેદોમાં ગાયત્રી સમાન બીજો કોઈ મંત્ર નથી. બધા વેદો, યજ્ઞા, દાન તથા તપ ગાયત્રીમંત્રની એક કળા બરાબર પણ નથી.

ગાયત્રી મંત્રમાં બધાના માટે સદ્બુધ્ધિની પ્રાર્થના કરવામાં આવી છે. ગાયત્રીમંત્રના દેવતા સવિતા છે. સવારના ઊગતા સોનેરી સૂર્યના રૂપમાં તેમનું ધ્યાન કરવામાં આવે છે. આમ ગાયત્રીમંત્ર એક સાર્વભૌમ મંત્ર છે. સૂર્ય ભગવાન તમામ લોકોના દેવતા છે.

આજના દુર્બુધ્ધિપ્રધાન યુગમાં લોકોમાં ધર્મ તથા અધ્યાત્મ પ્રત્યે આસ્થા રહી નથી. આવા વાતાવરણમાં સદ્બુધ્ધિ આપનાર ગાયત્રીમંત્રની સાધના કરવી અત્યંત જરૂરી છે.

મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે કે જે રીતે ફૂલોનો સાર મધ છે અને દૂધનો સાર ઘી છે એ રીતે બધા વેદોનો સાર ગાયત્રી છે.

મહર્ષિ વશિષ્ઠના મત અનુસાર મંદબુધ્ધિવાળા, કુમાર્ગે વળી ગયેલા અને અસ્થિર બુધ્ધિવાળા લોકો પણ ગાયત્રી સાધનાથી ઉચ્ચપદ પ્રાપ્ત કરે છે. તેમની સદ્ગતિ અવશ્ય થાય છે. જે પવિત્રતા અને અસ્થિરતા પૂર્વક ગાયત્રી ઉપાસના કરે છે તેમને અત્મિક લાભ પ્રાપ્ત થાય છે.

નારદમુનિ કહે છે કે ગાયત્રી ભક્તિનું જ સ્વરૂપ છે. જ્યાં ભક્તિરૂપી ગાયત્રી છે ત્યાં અવશ્ય શ્રી નારાયણનો નિવાસ હોય છે ગાયત્રીમંત્રને અનાદિમંત્ર, ગુરુમંત્ર તથા મહામંત્ર કહેવામાં આવે છે. તે તારકમંત્ર પણ કહેવાય છે. તેની સાધના કરનારા સાધક ભવસાગર તરી જાય છે. ઉપનયન તથા દીક્ષા વખતે ગાયત્રીમંત્રની જ દીક્ષા આપવામાં આવે છે.

આ યુગના ગાયત્રીના સિધ્ધ સાધક શ્રી રામશર્મા આચાર્યજીએ આજીવન ગાયત્રી સાધના કરી અને તેના નિષ્કર્ષ રૂપે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. ગાયત્રી મહા શક્તિના બળે જ યુગનિર્માણ યોજના આગળ વધી રહી છે. તેઓશ્રીએ ગાયત્રી જયંતિના દિવસે જ પોતાની જીવનલીલા સંકેલી લીધી. ગાયત્રી મહાશક્તિના વરદપુત્રને દિવસે ગાયત્રીમાતા સાથે એકાકાર થઈ ગયા તેમના કહ્યા અનુસાર ગાયત્રીના ગર્ભમાં સમગ્ર તત્વજ્ઞાાન ભરેલું છે. મનુભગવાનના મત પ્રમાણે બ્રહ્માજીએ ત્રણેય વેદોના સારરૂપે ત્રણ ચરણવાળો ગાયત્રીમંત્ર બનાવ્યો. ગાયત્રીમંત્રથી વધારે શ્રેષ્ઠ અને પવિત્ર કરનારો બીજો કોઈ મંત્ર નથી. અત્રિમુનિએ કહ્યું છે કે ગાયત્રી આત્માને પરમ શુધ્ધ કરનારી છે.

ગાયત્રીથી બુધ્ધિ પવિત્ર થાય છે. ગાયત્રી સાધનાથી આત્મામાં ઈશ્વરનો પ્રકાશ પ્રગટે છે. મનની શુધ્ધિ માટે ગાયત્રીમંત્ર સર્વોત્તમ છે. જગદગુરુ શંકરાચાર્યના મતે ગાયત્રીના મહિમાનું વર્ણન કરવું તે મનુષ્ય માટે અશક્ય છે. ગાયત્રી પ્રત્યક્ષ કલ્પવૃક્ષ, કામધેનુ તથા પારસમણિ છે. તેનું અવલંબન લઈને હર કોઈ આત્મકલ્યાણ કરી શકે છે.

ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત ।

- જયેન્દ્ર ગોકાણી


Google NewsGoogle News