Get The App

દેહાધ્યાસથી પર થવાનું ચિંતન .

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
દેહાધ્યાસથી પર થવાનું ચિંતન                        . 1 - image


- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

- મનુષ્ય પણ આદતવશ ભરમાય છે. ભ્રમને સત્ય માની વર્તે છે. આપણું શરીર અને આપણો આત્મા જુદો છે. આત્મા અને શરીર એકબીજાથી મુક્ત છે. પણ કર્માધીન શરીર આત્મા સાથે બંધાયેલ છે.

આશ્રમની ગૌશાળામાં વીરુભાઈ ભરવાડ ગોવાળનું કાર્ય કરે. એ આશ્રમના ઉપાશ્રયમાં ચાતુર્માસમાં જૈન સંત બિરાજમાન. વીરુ નિત્ય એ સંતનાં દર્શન-વંદન કરે. ગૌશાળામાં વીસ ગાયો. ગાયોની સંભાળ રાખવાનું કાર્ય વીરુ નિષ્ઠાપૂર્વક કરે. ગૌશાળાને સાફ-સુથરી રાખે જેથી ગંદકી બિલકુલ ન થાય અને ગૌમાતા મચ્છરના ત્રાસથી પણ બચી જાય. તે ગૌશાળાના દરેક જીવના આરોગ્યની પણ એટલી જ કાળજી લે.

વીરુ સવારે વહેલો ઊઠે, ગમાણો સાફ કરે, ગાયોને નીરણ નાખે, દુઝણી ગાયોને દોહીને દૂધ આશ્રમમાં આપી આવે, શિરામણ કરીને ગાયોને આશ્રમની ખૂલ્લી રહેલી જમીનમાં આવેલી ગોચરમાં ચરાવવા માટે લઈ જાય. સાંજના પાછો આવે, ફરી ગાયોને દોહે, દૂધ આશ્રમમાં આપી દે.

આશ્રમના ઉપાશ્રયના ચાતુર્માસમાં મહારાજ રાત્રિપ્રવચન ફરમાવે. વીરુ જ્યારે આશ્રમાં દૂધ આપવા જાય ત્યારે મહારાજસાહેબનું રાત્રિપ્રવચન ચાલતું હોય, વીરુ પણ બેસીને બાકીનું થોડું પ્રવચન સાંભળીને વંદન કરી, પાછો ગૌશાળામાં આવી જાય અને ગૌશાળાની ગમાણના ખીલે ગાયોને બાંધી દે જેથી ગાયો ગૌશાળાની બહાર નીકળી ન જાય. જો ગાયો રાત્રે વગડા તરફ જાય તો હિંસક પ્રાણીઓ ગાય પર હુમલો કરે તેવી શક્યતા રહેતી.

એક રાત્રે વીરુએ ૧૯ ગાયો ગમાણમાં રહેલા ખીલે બાંધી પણ વીસમી ગાયને બાંધવા ગયો ત્યાં દોરડું જ ન મળે. કૂતરું દોરડું તાણી ગયું હોય કે તૂટીને દોરડું ક્યાંક આઘું-પાછું થઈ ગયું હોય પણ દોરડું ક્યાંય મળતું ન હતું. દોરડા વિના ગાયને બાંધવી કેવી રીતે? રાત પડી ગઈ હતી. દુકાનો બધી બંધ થઈ ગઈ હતી. વીરુભાઈ તો મુંઝાણા. ઉપાશ્રયમાં સંત મોડી રાત સુધી સ્વાધ્યાય કરતા હોય કે સ્ત્રોત્ર કે મંત્રોના જાપ કરતા હોય. વીરુએ વિચાર્યું કે, ''સંતમહારાજ પાસે જઈને મારી વાત કરું તો મૂંઝવણનો ઉકેલ આવશે.''

ઉપાશ્રયમાં જઈ સંતમહાત્માને બધી વાત કરી. મહારાજસાહેબે વાત સાંભળી ઉકેલ બતાવતાં કહ્યું કે, ''તું જેમ દોરડાથી ગાયને બાંધતો હો તેમ વગર દોરડે પણ દોરડાથી ગાય બાંધતો હો તે રીતે કર. રોજની જેમ જ ગાય બાંધવાનો દેખાવ કર.'' ગૌશાળામાં જઈને વીરુએ ગાયને ગળે દોરડું નાખીને અને પછી બેસીને ખીલે બાંધતો હોય તેવો હુબહુ અભિનય કર્યો. સવારે ઊઠીને જોયું તો ગાય તેના સ્થાને ઊભી હતી !

વીરુએ રોજની જેમ દુધાળી ગાયોને દોહી, નિત્યક્રમ પતાવી ગાયને ચરવા લઈ જવા માટે ૧૯ ગાયનાં દોરડાં ખીલેથી છોડયાં. વીસમી ગાયને દોરડું બાંધ્યું ન હતું તેથી તે છોડવાપણું ન હતું. બધી જ ઓગણીસ ગાયો ચાલવા લાગી. વીસમી ગાય તેની જગ્યાથી જરા પણ આગળ-પાછળ વિચલિત ન થઈ. તે ત્યાં ને ત્યાંજ ઊભી હતી, જાણે દોરડેથી બંધાયેલી હોય તેમ ! હવે વીરુને સમજાયું, તેણે વીસમી ગાય પાસે જઈ અને ખીલેથી ગાયને છોડવાનો અભિનય કર્યો. આ દેખાવ પછી જ વીસમી ગાય આગળ ચાલી. પ્રાણી જ નહીં, મનુષ્ય પણ આદતવશ ભરમાય છે. ભ્રમને સત્ય માની વર્તે છે. આપણું શરીર અને આપણો આત્મા જુદો છે. આત્મા અને શરીર એકબીજાથી મુક્ત છે. પણ કર્માધીન શરીર આત્મા સાથે બંધાયેલ છે. તેને વળગેલી માયા સત્ય છે એમ માની માણસ આત્માને બંધાયેલો માને છે. આ સંદર્ભે શ્રીમદ્જીની પંક્તિ સમજવા જેવી છે.

''ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.''

અધ્યાસ એટલે ચીજનો ઊંડો અભ્યાસ, આપણને આપણા દેહનો સતત ઊંડો અધ્યાસરટણ રહે. દેહને આપણે લગીરે વિસ્મૃત કરી શકતા નથી, માટે દેહ અને આત્મા એક જ છે તેવી ભ્રામિત માન્યતામાંથી આપણે છૂટતા નથી તે દેહાધ્યાસ છે.

જેમ ગાય સાંકળથી બંધાયેલ છે તેમ આપણે કર્મની સાંકળથી બંધાયેલા છીએ જેથી આપણો આત્મા શરીર સાથે છે પણ શરીર અને આત્માની સ્વતંત્રતાનું જ્ઞાાન થાય તો દેહાધ્યાસ છૂટે. આ સ્વતંત્ર આત્મા કર્મબંધનથી છૂટવાના પુરુષાર્થનો પ્રેરક બને માટે દેહાધ્યાસથી પર થઈએ તો કર્મબંધનો અભાવ થાય એ ધર્મની દશા છે, સ્થિતિ છે. અનાદિથી કર્મબંધ કરતા આત્મામાં અબંધ દશા ક્યારે પ્રગટ થાય?

દેહાધ્યાસ છૂટે તો? દેહથી ભિન્ન હું ત્રિકાળી દ્રવ્યઆત્મા છું, આવી પ્રતીતિ થાયો, દેહમાં હું માનવાપણાની ભૂલ સુધરે અને તો જ કર્મબંધના ખીલેથી મુક્ત થવાનો સમ્યક્ પુરુષાર્થ શક્ય બને.


Google NewsGoogle News