પાંચજન્ય નામનો શંખ શ્રી કૃષ્ણ ભગવાને વગાડયો, દેવદત્ત નામનો શંખ અર્જુને વગાડયો
મે નેજમેન્ટથી લઈ અને મોક્ષ સુધીની યાત્રા એટલે શ્રીમદ્ ભગવત ગીતા. સામાન્ય રીતે આપણે ત્યાં એવું માનતા હોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ગીતાજી શ્રવણ કરવામાં આવે છે. પણ શ્રીમદ્ ભગવત ગીતા એ તો એવું શાસ્ત્ર છે કે જેને શ્રવણ કરવાથી ચેતંતાનું સર્જન થાય. માટે આવા શાસ્ત્રોતો વ્યક્તિએ જીવતા જ સાંભળી લેવા જોઈએ.
શ્રીમદ્ ભગવત ગીતાનો પહેલો અધ્યાય એ અર્જુન વિષાદ યોગ છે. વિષાદમાં પણ ભગવત ગીતાનો પ્રસાદ જન-જન સુધી પહોંચ્યો. એને પહોંચાડનાર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન છે. ભગવાન શ્રી કૃષ્ણએ ઉપનિષદરૂપી ગાયનું દોહન કરી એમાંથી જે દૂધ ઉત્પન્ન કર્યું એનું નામ છે ભગવત ગીતા.
ગીતાજીનો આરંભ ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી થયો છે. 'ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ, મામકા પાંડવશ્ચૈત કિમ કુર્વત સંજય.' અર્થાત્ 'હે સંજ્ય ! મારા પુત્રો અને પાંડુના પુત્રોએ કુરુક્ષેત્રની રણભૂમિ પર શું કર્યું !?' પાંડુ રાજાના સંતાનો અને ધૃતરાષ્ટ્રના સંતાનો એક પરિવારના છે પણ ધૃતરાષ્ટ્રે વિષમતા કરી. એ વિષમતા એવી હતી કે 'આ મારા છે અને આ મારા નથી.' 'સંઘર્ષ મારું અને તારું કરવામાં જ સર્જાય છે.' ગીતાજી સમજાવે છે કે, જીવનમાં ક્યારેય તટસ્થ ન રહેવું, જીવનમાં ક્યારેય પણ મધ્યસ્થ ન રહેવું પણ જીવનમાં ધર્મસ્થ રહેવું. શ્રી કૃષ્ણ ભગવાન ધર્મસ્થ બન્યા છે. જે વ્યક્તિ ધર્મસ્થ હોય એ જ બીજાને ઉપદેશ આપી શકે.
રણભૂમિ પર જ્યારે શંખનાદ થયો ત્યારે એ પ્રસંગ બહુ સમજવા જેવો છે. કૌરવ સેનામાં સંગઠન ઘણું બધું હતું. અઢાર અક્ષૌહિણી સેના હતી. તેમા કૌરવ પક્ષે અગિયાર અક્ષૌહિણી સેના હતી. પાંડવ પક્ષે સાત અક્ષૌહિણી સેના હતી. પણ કૌરવ પક્ષમાં શંખ એકલાં ભિષ્મ પિતામહે જ વગાડયો. જ્યારે પાંડવોમાં ઘણાબધા યોદ્ધાઓએ શંખનો નાદ કર્યો. જેમકે પાંચજન્ય નામનો શંખ શ્રી કૃષ્ણ ભગવાને વગાડયો. દેવદત્ત નામનો શંખ અર્જુને વગાડયો. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ સંસ્થા હોય એમાં સંગઠન કરતાં કામ કરવાવાળા કેટલાં છે એ ખાસ જોવાય છે. સંગઠન હશે પણ જો ઉત્સાહ નહીં હોય તો કાર્ય કરવાની મઝા નહીં આવે. સંગઠન ઓછું હશે પણ ઉત્સાહ વધારે હશે તો એ કાર્યનો આનંદ વિષેશ છે.
પાંડવ સેનાના સેનાપતિ ધૃષ્ટધુમ્ન છે. આમ તો નિયમ એવો છે કે સેનાપતિ શંખ પહેલો વગાડે પણ, ધૃષ્ટધુમ્નનો શંખ વગાડવામાં નંબર નવમો આવ્યો છે. આ પ્રસંગ જ સમજાવે છે કે, સંસ્થાના હોદ્દેદારે હોદ્દા કરતાં કાર્યને મહત્વ આપવું. જેમ લગ્ન પ્રસંગ હોય એમાં બધા રિસાય તે ચાલે પણ દિકરીનો બાપ રિસાય એ અનુચિત છે. એવી જ રીતે સંસ્થાના હોદ્દેદારોએ પણ દિકરીના બાપના જેવી જ ભૂમિકા નિભાવવાની છે. માતા-પિતા દિકરીનું લાલન-પાલન કરે છે અને એ પછી કન્યાનું દાન કરે છે. એમ, કોઈપણ વ્યક્તિ જ્યારે કોઈપણ વસ્તુનું સર્જન કરે, સર્જન કર્યા પછી એનાથી દૂર રહેવાની તૈયારી રાખવી જોઈએ. આવું મેનેજમેન્ટ જો કોઈ સમજાવતું હોય તો એ શ્રીમદ્ ભગવત ગીતા છે.
કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર અર્જુને પોતાના સબંધીઓને જોયા. એટલે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે, 'હું યુદ્ધ નહિં કરું.' દરેક વ્યક્તિની પરિસ્થિતિ અર્જુન જેવી જ છે. કોઈ વ્યક્તિ વ્યવસાય કરતો હોય અને એ બરાબર ચાલે નહિં તો એ તરત વિચારી લે કે હું આ વ્યવસાય નહિં કરું. અભ્યાસમાં પણ ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓ નિષ્ક્રિય થઈ જતાં હોય છે. પારિવારિક જીવનમાં પણ વ્યક્તિઓ નિષ્ક્રિય થઈ જાય છે અને ત્યાં સુધી કે તેઓ આત્મહત્યાનો માર્ગ અપનાવી લે છે. ત્યારે ગીતા સમજાવે છે કે, 'હારવાનું નથી લડવાનું છે. જીવન એ કુરુક્ષેત્ર છે. જીવનરૂપી કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણને સારથિ રાખી કાર્ય કરીશું તો ચોક્કસ આપણે દરેક ક્ષેત્રમાં સફળ થઈશું.'
હું હંમેશા કહેતો હોઉં છું કે 'અસંભવ' માંથી ખાલી 'અ' શબ્દને કાઢીનાંખો તો બધું જ 'સંભવ' છે. અર્જુનને વિષાદ એ થયો કે આ મારા ગુરુ, આ મારા વડિલો જે પુજા કરવાને યોગ્ય છે એમને મારે મારવાના !? તો એ વિષાદે જ ગીતાનો પ્રસાદ આપ્યો, અને એ પ્રસાદથી અર્જુન સક્રિય બન્યા અને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે, 'કરીશ્યે વચનં તવ.' બસ આપણે પણ ભગવાનને એવું જ કહેવાનું છે.
સમગ્ર ગીતાજીનો સાર એક જ છે કે, 'કર્યા વિના કશું મળતું નથી અને કરેલું વ્યર્થ જતું નથી. નિરાશ થઈશ નહિં કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે.' આવો ઉદ્દઘોષ માત્રને માત્ર ગીતાજીમાં જ વ્યક્તિને મળી શકે. એ શ્રીમદ્ ભગવત ગીતાના ઉપદેશો આપણા જીવનમાં ઉતારી સાચા કર્મનિષ્ઠ બનીએ એ જ અભ્યર્થના સાથે... અસ્તુ !...
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી