' ત્યારે શ્રીકૃષ્ણ જન્મ લે છે ' .

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
' ત્યારે શ્રીકૃષ્ણ જન્મ લે છે '                                          . 1 - image


(ભાગ-બીજો)

શ્રીકૃષ્ણના જન્મ ઉદ્ેશ વિષે વિચારીએ ત્યારે સિક્કાની બીજી બાજુ ધ્યાન પર આવ્યા વગર રહેતી નથી. જો શ્રીકૃષ્ણએ ધર્મની સ્થાપના કરવા જન્મ લીધો હતો તો તેમણે અધર્મની આંગળી શા માટે પકડી ? ભીષ્મ તો મહાન ભક્તોની યાદીમાં ઉચ્ચ સ્થાને હતા. તે સન્માર્ગે જનારા, સત્યનું આચરણ કરનારા સદ્ગુણી, સાધુપુરૂષ હતા. શ્રીકૃષ્ણએ જો પરિત્રાણાય સાધુનામ (સત્યપુરૂષોના રક્ષણ માટે) જન્મ લીધો હતો તો ભીષ્મને કેમ હણાવ્યા ? ભીષ્મતો 'પરમ ભાગવત' તરીકે યાદ રખાય છે.

તેનો જવાબ કૃષ્ણ પાસે છે. 'યદા યદા હિ...' જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃધ્ધિ થાય ત્યારે તથા 'ધર્મસંસ્થાન નાથાય.' ધર્મની સ્થાપના માટે હું જન્મ ધારણ કરૂં છું. કૃષ્ણ ધર્મીને નહિ ધર્મને બચાવે છે. જે પગલું ભરવાથી માનવજાતનું કલ્યાણ થતું હોય એવું જ પગલું ભરે છે. તે સ્પષ્ટ કહે છે. ભીષ્મ સજ્જન ખરા પણ દ્રૌપદી ચીરહરણ વખતે તેમણે સજ્જનતા ટકાવી નહોતી. તે સદ્ગુણી ખરા પણ પોતાની પ્રતિજ્ઞાા પાળવાની હઠમાં હસ્તિનાપુરની ગાદીને ધ્યાનમાં રાખી પણ ધૃતરાષ્ટ્ર દ્વારા થતો અધર્મ રોકી ના શક્યા. વ્યક્તિ સત્પુરૂષ હોય, ધર્મી હોય કે સજ્જન હોય એ તેનો વ્યક્તિગત સદ્ગુણ કહેવાય. પણ સદ્ગુણનો જ્યારે અતિરેક થાય અથવા સદ્ગુણ નિષ્ક્રિય થાય ત્યારે એ છેવટે દુર્ગુણ જ ગણાય. વડીલની આજ્ઞાા માનવી જોઈએ. તેમની આજ્ઞાાનું પાલન થવું જોઈએ. એ સદ્ગુણ ગણાય. પણ એવા સદ્ગુણના અતિરેકને લીધે, હઠપૂર્વક વેદિયમાની માફક યુધિષ્ઠિર જુગાર રમે અને પરિણામે આખા કુટુંબને વનમાં ભટકવું પડે. એ વર્તન કલ્યાણકારી ના ગણાય.

શ્રીકૃષ્ણની 'વિનાશાય ચ દુષ્કૃતામ્' ની વાત પણ સમજવા જેવી છે. તેમને કંસ, જરાસંઘ કે શિશુપાલનો વધ કર્યો ત્યારે શું રાજ્યમાં તેમના સિવાય બીજા અધર્મી નહોતા ? હતા. પણ તેમણે તેમને ખતમ ના કર્યા. કારણ ? શ્રીકૃષ્ણ જાણતા હતા કે સત્તાધારી અહંકારી હોય છે. હઠીલા હોય છે. એમને સાચી વાત સમજાતી નથી. દયા, કરૂણા કે માનવતા જેવો એક પણ ગુણ તેમનામાં સ્થિર થતો નથી. તેમનામાં ગૂઢરૂપે રહેલું અગોચર કે અગમ્ય દેવત્વ કદી જાગૃત થતું નથી. તેમનું ચૈતન્ય ઢંકાયેલું જ રહે છે. જ્યારે સામાન્ય પ્રજાને સત્સંગથી સુધારી શકાય છે.

શ્રીકૃષ્ણએ કુરૂક્ષેત્રનું યુધ્ધ જીતાડી પાંડવો દ્વારા ધર્મરાજની સ્થાપના કરાવી. ધર્મરાજ યુધિષ્ઠિરને અંગત રીતે મળીને લોકોને ધર્મના માર્ગે ચલાવવાની સુચના આપી. મહર્ષિ વેદ વ્યાસે નોંધ્યું છે કે પાંડવોના હાથમાં રાજ્યસત્તા આવ્યા પછી છત્રીસવર્ષના શાસન દરમ્યાન પાંડવોએ લોકોના હૃદયમાં રહેલા ચૈતન્યને જાગૃત કર્યું હતું લોકોના મનમાં સહજીવનની સહકારી ભાવના જગાડી એકબીજાને મદદ કરી માનવતાવાદી જીવન જીવવાના બીજ રોપ્યાં હતાં. શ્રીકૃષ્ણના અવતારી કાર્યમાં મદદ કરવા શ્રીવિષ્ણુએ યોજના બનાવી હતી. તેની ભેદી વાત મહર્ષિ વેદ વ્યાસે મહાભારતના સ્ત્રીપર્વ કરી છે. પૃથ્વીનો ભાર ઉતારવા વસ્તી ઘટાડો (લોકક્ષય) પણ જરૂરી હતો. અને આ લોકક્ષય કરવા માટે દુર્યોધનને પૃથ્વી પર મોકલવામાં આવ્યો હતો. શ્રીવિષ્ણુએ ભવિષ્યવાણી કરી હતી. ''દુર્યોધન ઈતિ ખ્યાત: સ તે કાર્ય કરિષ્યતિ

તં ચ પ્રાપ્ય મહીપાલં કૃતકૃત્યા ભવિષ્યતિ. (સ્ત્રીપર્વ/૮,૨૬.૨૭) ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાંથી સૌથી મોટો દુર્યોધન તારૂં કાર્ય સિધ્ધ કરશે. તેની રાજા બનવાની લાલસા જ તને સંતોષ અપાવશે. કારણ કે એ જે યુધ્ધ કરશે એના પરિણામે મહાન લોકક્ષય (વસ્તી ઘટાડો) થશે. લોકક્ષય એ પૃથ્વી માટે ભાર ઉતારવાનું વિષ્ણુભગવાનનું વરદાન હતું. પણ આડકતરી રીતે શ્રીકૃષ્ણ જન્મના ઉદ્દેશમાં તેણે ઉધોળકનું કાર્ય કર્યું હતું. આપણે સમગ્ર મહાભારતમાં જોઈએ છીએ કે તે કોઈનું સાંભળતો નથી. ભીષ્મ, દ્રોણાચાર્ય, વિદુર, ખુદ તેના પિતા ધૃતરાષ્ટ્ર તેને ઘણી વખત શાંત પાડવા પ્રયત્ન કરે છે. અરે શ્રીકૃષ્ણ છેલ્લીવાર સમાધાન માટે જાય છે ત્યારે તેને તેનું ભવિષ્ય પણ બતાવે છે. છતાં જીદ્દી અહંકારી દુર્યોધન કોઈની વાતનો અમલ કરતો નથી. તે તેની મનમરજીથી જ જીવે છે.

અહીં દુર્યોધન એક વ્યક્તિ રૂપે નથી. સમગ્ર માનવજાતિમાં દબાયેલી વિધાયક આસુરી વૃત્તિઓના સંચાલક બળનું પ્રતીક છે.'' દ્વાપર યુગને વીત્યે હજારો વર્ષ વીતી ગયાં. એ યુગથી આજ સુધી દર વર્ષે જન્માષ્ટમી આવે છે અને જાય છે. જન્માષ્ટમી શ્રીકૃષ્ણને પામવાનું પ્રવેશદ્વાર છે. શ્રીકૃષ્ણ તો મંદિરના ખુલ્લા દ્વાર જેવા છે. નાના-મોટા સૌને આવકારે છે. આપણે પણ જો મોટાઈ કે ઊંચાઈનું કદ ઘટાડી શાંતચિત્તે બધી વૃત્તિ ખંખેરી તેમની સામે જઈએ તો આપણી નિર્મળતાને બે હાથે ઊંચકી ખોળામાં બેસાડી વહાલ વરસાવ્યા વગર રહે નહિ.

- સુરેન્દ્ર શાહ


Google NewsGoogle News