Get The App

તાનસેનને પોતાની ગાયકીની કિંમત સમજાઈ ગઈ

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
તાનસેનને પોતાની ગાયકીની કિંમત સમજાઈ ગઈ 1 - image


- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

મુઘલ બાદશાહ અકબરના દરબારમાં અલગ અલગ વિષયની કેટલીક નિષ્ણાત પ્રતિભાઓ બિરાજમાન રહેતી. એમના દરબારની વિશિષ્ટ નવ પ્રતિભાઓને અકબરના દરબારના નવ રત્નો રૂપે ઓળખવામાં આવતી હતી.

રાજા બીરબલ, મિયાં તાનસેન, અબુલફઝલ, ફૈજી, જ્ઞાની ટોડરમલ, રાજા માનસિંહ, અબ્દુલરહીમ અલી-એ-ખાન, ફકીર યજીયાઓ દીન અને મુલ્લા દો પિયાજા - દરબારનાં આ નવ રત્નો હતાં.

ગીત-સંગીતના નિષ્ણાત તાનસેનની પ્રતિભા ચોમેર પ્રસરેલી હતી. મધુર કંઠની સંપદાના સ્વામી તાનસેને ગીત અને સંગીતના ક્ષેત્રમાં ખૂબ જ ચાહના મેળવી હતી. તાનસેનના જીવનમાં એક સમય એવો પણ આવ્યો કે તેને તેની કલાનું અભિમાન થઈ આવ્યું.

એક સમયે તાનસેનનો મેળાપ વલ્લભ સંપ્રદાયના વિઠ્ઠલનાથજી સાથે થયો. તાનસેન પોતાની પ્રશંસા અને મોગલ દરબારમાં તેનું કેવું વર્ચસ્વ છે તેનું પ્રદર્શન કરવા હંમેશાં તે પ્રયત્નશીલ રહેતો.

આ વર્તન વિઠ્ઠલનાથજીના ધ્યાન બહાર ન હતું એટલે એક વાર તેમણે તાનસેનને દરબારમાં ગીત સંભળાવવા માટે કહ્યું. તાનસેને એવું ગીત સંભળાવ્યું જેમાં મોગલ બાદશાહ અકબરની ભારોભાર પ્રશંસા થતી હતી અને આ રચના બાદશાહ અકબરને પણ બહુ જ પસંદ હતી. ગીત સાંભળ્યા પછી વિઠ્ઠલનાથજીએ પ્રસન્ન થઈ તાનસેનને રૂપિયા એક હજાર અને બે કોડી પારિતોષિક રૂપે આપ્યા. તાનસેને વિઠ્ઠલનાથજીને પૂછયું કે, 'મને એક હજાર રૂપિયા ઉપર બે કોડી પારિતોષિક રૂપે કેમ આપી ?' વિઠ્ઠલદાસજીએ તાનસેનને કહ્યું, 'ધીરજ રાખો. થોડી વારમાં બધું જ સ્પષ્ટ થઈ જશે.' તેમણે દરબારમાં સંતકક્ષાના એક ગાયક ઉપસ્થિત હતા તે ગોવિંદસ્વામીને એક ગીત રજૂ કરવા વિનંતી કરી.

ગોવિંદસ્વામીએ એક ભાવવાહી ભક્તિગીત રજૂ કર્યું. ગોવિંદસ્વામીના મધુર અવાજ અને અદ્ભુત પ્રસ્તુતિથી દરબારીઓ ઊભા થઈ તન્મય બની ગયા, એટલું જ નહીં પણ પ્રભુભક્તિમાં એકાકાર બની નૃત્ય કરવા લાગ્યા. અહીં ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો. ગોવિંદસ્વામીના મધુર કંઠ સાથે પ્રભુ પ્રત્યે જે ભક્તિસિંધુ લહેરાઈ રહ્યો હતો તેણે કાંચનમણિ યોગનું સર્જન કર્યું હતું.

વિઠ્ઠલનાથે તાનસેનને કહ્યું કે, 'તું અકબરના દરબારના નવરત્નમાંનું એક રત્ન છે. વળી શ્રેષ્ઠ ગાયક અને સંગીતકાર છે તે માટે મેં પારિતોષિક રૂપે રૂપિયા એક હજાર આપ્યા પણ તારા ગીતના શબ્દો અકબર બાદશાહની ખુશામત કરવા માટેના હતા જેનું મૂલ્ય બે કોડીનું હતું. બાદશાહની ખુશામતને કારણે તારી ગાયકીનો વ્યાપ બહુ જ નાનો સીમિત થઈ ગયો જ્યારે ગોવિંદસ્વામીની પરમાત્મભક્તિની સ્તવનાને કારણે તેમનો વ્યાપ વિશાળ બની ગયો.

તાનસેને વિઠ્ઠલનાથની માફી માગતાં કહ્યું કે, 'મેં ખુશામત કરી મારી ગાયકીને બે કોડીની કરી નાખી, જ્યારે ગોવિંદસ્વામીએ ભક્તિના સૂર રેલાવી પોતાની કલાને ઉચ્ચ સ્થાને બેસાડી દીધી.'

"કાવ્યસાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થેના હોય તો કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં તે - જીવનની કલ્પના માત્ર કલા ભક્તિપ્રયોજનરૂપ કે આત્માર્થે ન હોય તો બધું જ કલ્પિત."

શ્રીમદ્ રાજચંદ્રજીએ આ એક વાકયમાં ખૂબ જ ગહન વાત કહી છે. ગાગરમાં સાગર જેવા આ એક વાકય ઉપર ચિંતન કરીએ તો કલા અને સાહિત્યસર્જનને એક નવી દિશા મળશે. શ્રીમદ્જીના કહેવાનું તાત્પર્ય છે કે, કાવ્ય, સાહિત્ય કે સંગીત વગેરે કલાઓમાં જો આત્મશ્રેયાર્થનું ધ્યેય ભળે તો કલા સાર્થક બને ક્ષણિક આનંદ કે મનોરંજન આપતી કલા કાળના પ્રવાહમાં વિસ્તૃત બની વિલય પામે. કલાનું અંતિમ ધ્યેય પરમ સમીપે પહોંચવાના હેતુરૂપ હોય તો જ કલા સાધના બની શકે. તે સ્વ-પર કલ્યાણકારી અને ચિરંજીવી બની શકે છે.


Google NewsGoogle News