Get The App

મધુરભાવ ગ્રાહ્ય:વાણી .

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
મધુરભાવ ગ્રાહ્ય:વાણી                             . 1 - image


વગર વિચાર્યા બોલવું : કઠોર બોલવું : અસત્ય બોલ્વું અને વ્યર્થ બોલ... બોલ કરવું. વાણીનાં આ ચાર દોષ કહ્યાં છે.  સજ્જન વ્યક્તિઓએ આ દોષોથી યથાસંભવ બચીને રહેવાનો પ્રયત્નો કરવા જોઈએ. વાણી દ્વારા જ વ્યક્તિની પ્રજ્ઞાા અને સંસ્કારોની જાણકારી મળી રહે છે.

વાણી આપણી સંસ્કૃતિનો આધાર છે, વિનય, વિનમ્રતા ! આ વિનય-વિનમ્રતા વાણી દ્વારા અભિવ્યક્તિ થાય છે. જીવન ને સરળ અને સહજ બનાવવા માટે જરૂરી છે. વ્યક્તિ બનાવટી રીતભાતથી દૂર રહીને મર્યાદિત જીવન જીવે. જીવનને સરળ અને સહજ ત્યારે જ બનાવી શકાય, જયારે આપણો વ્યવહાર આ પ્રમાણે હોય જે સૌનાં હિતો માટે હોય 'સૌને પ્રિય હોય ! સખ્તવાણી- કટુવાણીનો ત્યાગ કરીને કોમળ તથા મધુરભાવ ગ્રાહ્મ કરી બોલવું.

અર્થવવેદમાં મનુષ્યની વાણી અને શબ્દોનો તેના પ્રભાવનાં આધારે વર્ગીકરણ કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 'હે માનવ, તારી પાસે શુભ અને અશુભ બે પ્રકારની ભાષા છે. તું બન્ને પ્રકારની ભાષાનો સમાન રૂપે ધારણ કરે છે. માનવ શરીરમાં ત્રણ પ્રકારની ભાષા (વાણી) હોય છે. પરા; પષ્યંતિ અને મધ્યમાં..., એક ચોથી પણ પણ છે- જેને વેખરી કહે છે. તે શબ્દો દ્વારા બહાર આવે છે. આ ચોથી વાણી અંતરની ત્રણે વાણીઓની અભિવ્યક્તિ છે. એટલા માટે મધુર વાણીને માટે પ્રથમ જરૂરિયાત એ રહે છે કે અંતરની ત્રણ-વાણીઓ નિર્દોષ, કોમળ હોય, જો અંતરની સ્થિતિ સ્વચ્છ- શુધ્ધ હશે તો વ્યક્તિની બાહ્ય રજુ થતી વાણી પણ સ્વચ્છ અને મધુર હશે. આ સિવાય અર્થવવેદમાં આ પણ લખ્યું છે- વાણીની પસંદગી સમય, પાત્ર અને યોગ્યતા અનુસાર કરવી જોઈએ. કૌટીલ્યે... પોતાનાં અર્થશાસ્ત્રમાં લખ્યું છે - 'મનુષ્યની ઉન્નતિ અને વિનાશનું મુખ્ય કારણ તેની વાણી પણ હોય છે. સારી, નિર્મળ અને મનને ભાવે તેવી વાણી ઉન્નતિનાં માર્ગ પર લઈ જાય છે. જ્યારે અશુધ્ધ કટુ અભદ્ર ભાષા માનવીને પતન તરફ લઈ જાય છે.' કૌટલ્યે પોતાની વાતને સ્પષ્ટ કરતાં લખ્યું છે - 'આપણી વાણીમાં અમૃતનો કુંભ પણ છે અને વિષનો મહાકુંભ પણ ભર્યો છે !' વ્યક્તિ તેનો કેવો ઉપયોગ કરે છે તે તેની વિવેક - બુદ્ધિ અને સંસ્કારો પર આધાર રાખે છે. મુખ દ્વારા ઉચ્ચારેલ શબ્દો અન્યોને માટે હાનિકારક થતાં નથી. બલ્કે, સ્વયંને દુ:ખની ખાઈમાં નાખે છે. ખૂદને અતિ કષ્ટ નોતરે છે. ક્યારેક ક્યારેક વ્યક્તિ પોતાની પડતી પ્રત્યે ધ્યાન આપતો નથી. પરંતુ તે નિરંતર પોતાની પ્રતિષ્ઠા અને સામાજિક પ્રભાવને હાની પહોંચાડતો જાય છે. હોય શકે કે આવો કડવો વક્તા કોઈ પણ કારણોથી આવો અનુભવ કરતો હશે કે સમાજમાં તેમની પ્રતિષ્ઠા કાયમ છે. પણ હકિકતે એમ હોતું નથી....!

શબ્દોનાં પોતાનાં સંસ્કાર હોય છે. તે ઉર્જાવાન અને અપાર શક્તિશાળી હોય છે. 'શબ્દ' અનંત નિરાકાર અને અમર છે ! એટલે જ વેદોમાં શબ્દને બ્રહ્મ કહ્યો છે! ઋષિ કહે છે - 'હે જ્ઞાાન શક્તિ ! તારી જનેતા વાક્શક્તિ છે ! યજ્ઞા વાક્ તત્વનું  શાસ્ત્ર છે ! તેનાથી સમસ્ત ચેતના ઉત્પન થઈ છે. શબ્દ બ્રહ્મ છે. તે આપણાં સમગ્ર જ્ઞાાન-વિજ્ઞાાનનો આધાર છે! 

મા! સરસ્વતિ જ આપણી વાણીને મર્યાદિત અને મધુર બનાવવાની પ્રેરણા આપે છે. તેઓ સ્વયં વિણા ધારણ કરી રહી છે. તેનો પ્રતિકાત્મક ભાવ એ છે કે આપણાં જ્ઞાાન અને શબ્દ સંગીતની જેમ મધુર અને લોકહિતકારી, જનકલ્યાણકારી હોય. જો તેમા કઠોરતા અથવા કટુતા આવશે તો નિશ્ચિત પણે શબ્દોને કલુષિત બનાવી દેશે. આપણા હોઠો દ્વારા નીકળતા શબ્દો વાયુમંડળમાં આવે છે. જે લગાતાર પોતાની ધ્વનિ તરંગો દ્વારા વાતાવરણનું નિર્ધારણ કરે છે. અત: આપણે હંમેશા એવાં જ શબ્દો બોલવા જોઈએ. જે આસપાસના વાતાવરણને મધુર, સુવાસિત અને સ્વસ્થ બનાવે... હર્ષોલ્લાસમય બનાવે....!!

- લાલજીભાઈ મણવર


Google NewsGoogle News