સૂર્યોપાસના .
સૂર્ય એ ફક્ત આકાશમાંનો જડ ગોળો નથી. પરંતુ વિશ્વનો, જીવમાત્રનો પ્રાણ છે, એ પ્રચંડ તેજનો ગોળો તો સમગ્ર સૃષ્ટિની ધારણા છે, વનસ્પતિનો આધાર છે. તેના વગર જીવનનો વિચાર જ અસહ્ય છે. સૂર્ય વગર જીવન સંભવી જ શકતું નથી. સમગ્ર સંસાર તેનો ઋણિ છે.
'सूर्य आत्मा जगतस्तस्थुशश्च । (ઋગ્વેદ)
'સૂર્ય એ સ્થાવર જંગમ સૃષ્ટિનો આત્મા છે.'
માનસશાસ્ત્રનો નિયમ એ છે કે માનવ જેનું ચિંતન કરે છે. તેવો તે થાય છે. સતત સ્ત્રીનું ચિંતન કરનાર સ્ત્રૈણ બને છે, જડનું ચિંતન કરનારમાં જડતા પ્રવેશે છે. આપણા પૂર્વજોએ તેજાપુંજ સહસ્ત્ર-રશ્મિની ઉપાસના કરી અને પોતાનું જીવન તેજસ્વી તેમજ પ્રતિભા સંપન્ન બનાવ્યું.
સૂર્ય એ માનવનો મિત્ર છે. તેથી તો मित्राय नमः કહીને ઋષિઓએ તેની વંદના કરી હતી. 'पापान्निवारयति योजयते हिताय' મિત્ર તે જ કે જે પાપમાંથી આપણને છોડાવે અને હિતકારક કાર્યમાં જોડે. આ અર્થમાં સૂર્ય એ આપણો ખરો મિત્ર છે, તે આપણને પાપથી દૂર કરે છે. માણસ અંધકારમાં જેટલો પાપ કરવા પ્રેરાય છે તેટલો પ્રકાશમાં પ્રેરાતો નથી. વળી સૂર્ય એ ભગવાનની આંખ છે, જેની મારફત ભગવાન આપણા બધા જ જીવનવ્યવહારો નિહાળે છે. આ સમજણથી પણ માનવ પાપ કરતો અટકે છે. જૂના કાળના લોકો પોતાના ઘણા કાર્યો સૂર્યની સાક્ષીએ કરતા હતા. તેનું પણ આ જ રહસ્ય હોવું જોઈએ. વળી સૂર્ય ઊગતા જ માનવ કર્મપ્રવૃત મને છે. આ રીતે માનવને આળસ તેમ જ પ્રમાદના પાપમાંથી છોડાવી, હિતકારી કર્મયોગમાં જોડનાર સૂર્ય જેવો અનુપમ મિત્ર બીજો કયો હોઈ શકે ?
સૂર્ય આપણને વીજળીના ગોળાની માફક માત્ર પ્રકાશ જ નથી આપતો પરતું તેજ, ઉષ્મા, ઊર્જા અને જીવન પણ આપે છે. તેથી જ ઋષિઓએ તેને સૂર્યનારાયણ ભગવાન કહીને બિરદાવ્યો છે. આપણા શરીરમાં ૯૮.૪૦ ડિગ્રી ઉષ્ણતા રહે તે માટે સૂર્ય કેટલો બળતો રહે છે ! જેના સતત બળવાથી વિશ્વની ધારણા થાય છે તેને કૂતજ્ઞાતા-પૂર્વક નમસ્કાર એ જ માનવની ખાનદાની છે.
સૂર્ય પૃથ્વીને ઘણુ બધું આપે છે પરંતુ જો કેવળ આપ્યા જ કરે અને કંઈ લે નહીં તો પૃથ્વીમાં લઘુતાગ્રંથિ નિર્માણ થાય, તેથી સૂર્ય પૃથ્વી પાસેથી પોતાને જરૂર ન હોવા છતાં પણ પૃથ્વીના સમાધાન માટે પાણી લે છે અને પાછું તેને મીઠું બનાવીને વરસાવે છે. આપનારાએ લેનાર પાસેથી પણ કંઈક લેવું જોઈએ અને એ રીતે તેનું ગૌરવ ટકાવવું જોઈએ, એ વાત સૂર્ય કેવી સહજ રીતે સમજાવે છે. કૃષ્ણે કદાચ તેથી જ સુદામા પાસેથી પહેલાં તાંદુલ લીધાં હશે અને પછી તેને સોનાની સુદામાપુરી આપી હશે.
સૂર્ય એ મહાન કર્મયોગી છે, કર્મયોગીઓનો આદર્શ છે, પ્રેરણા છે. સાચો કર્મયોગી સાધનોની પરિમિતતા પર રડતો બેસતો નથી પરંતુ તે પોતાના સત્ત્વથી કાર્ય સાધી લે છે. આટલો અવિરત કર્મયોગ કરનાર સૂર્યની પાસે શ્રેષ્ઠ સાધનોનો સદંતર અભાવ છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે :
रयस्पकै चक्र भुजगयमितां सप्त तुरगाः
निरालम्बो मार्गश्वरणरहितः सारथिरपि ।
रदिगंच्छत्यन्तं मतिदिनमपारस्य नमसः
क्रियासिद्धिः सत्त्वे वसति महतां नोपकरणे ।।
'સૂર્યના રથને એક જ પૈડું છે, સાપની લગામથી સંયમિત થયેલા સાત ઘોડાઓ છે, આલંબન વગરનો માર્ગ છે, પગ વગરનો સારથિ (અરૂણ) છે, સાધનોની આટલી બધી મર્યાદા છતાં સૂર્ય રોજ સમગ્ર આકાશમાં ફરી વળે છે. કારણ કે, મહાપુરુષોની કાર્ય-સિદ્ધિ તેમનાં તત્ત્વ પર નિર્ભર છે, નહીં કે સાધનો પર.'
સૂર્યની નિયમિતતા પણ વિશ્વમાં અજોડ છે. એના નિશ્ચિત સમયે એ સૃષ્ટિની સેવામાં આવીને ઊભા રહે છે, એક ક્ષણના પણ ફેરફાર વગર. અરે, તેના ઉદય અને અસ્ત ઉપરથી તો કાળની ગણના થાય છે. પોતાના જીવન દ્વારા તે આપણને નિયમિતતાના પાઠ આપે છે. જે માણસ નિયમિત હોય છે તેને કદી સમયનો અભાવ સતાવતો નથી.
સૂર્યની નમ્રતા પણ અજોડ છે. વિશ્વને પ્રકાશ આપવા તેમજ જગાડવા આવનાર એ દેવમાં ઘમંડનો સદંતર અભાવ છે. હું આવ્યો છું તેથી બધાએ મારું સ્વાગત કરવું જોઈએ. એવો તેનો આગ્રહ નથી. તે શાંતિથી આપણા બારી કે દરવાજાની બહાર ઊભો રહે છે. આપણે બારી કે બારણું ખોલીએ તો તે પોતાના કિરણોના માધ્યમથી પ્રકાશરૂપે ઘરમાં પ્રવેશે છે અને ન ખોલીએ તો તે કશા જ ઘોંઘાટ વગર શાંતિથી બહાર જ ઊભો રહે છે. જગતમાં જ્ઞાાન, વિચાર કે સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવવા જનાર કાર્યકર માટે કેટલું ગૂઢ માર્ગ-દર્શન આમાં છુપાયું છે,
વળી સૂર્યને પોતાના કાર્યનો યશ પણ જોઈતો નથી. અંધકારથી ઘેરાયેલા જગતને સવારના પહેલો પ્રકાશ સાંપડે છે ત્યારે તેનો યશ સૂર્ય પોતે ન લેતાં સારથિ અરૂણને આપે છે અને તેથી જ સવારે પહેલાં અરૂણોદય અને ત્યાર પછી સૂર્યોદય થાય છે. પાછળ સૂર્યનું પીઠબળ ન હોય તો અરૂણુની શું તાકાત છે કે તે જગતમાં પ્રકાશ પાથરે ?
સૂર્યોપાસનાથી આપણા સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ થાય છે. આપણે શરીરથી સ્વસ્થ, મનથી સમ અને બુદ્ધિથી સજાગ બનીએ છીએ.
માનવનું શરીર સશક્ત તેમજ ખડતલ હોવું જોઈએ. धर्मासाधनम् ધર્મ કાર્યમાં શરીર એ સૌથી પહેલું સાધન છે. 'પહેલું સુખ તે જાતે નર્યા.લ્લ નબળો. દૂબળો, ગલિતવીર્ય, નિસ્તેજ, ચૈતન્યહીન માનવ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, સંસ્કૃતિ કે પ્રભુનુ કામ શું કરી શકવાનો હતો? શરીરને ખડતલ બનાવવા માટે એક જ સરળ રસ્તો છે અને તે એટલે સૂર્યનમસ્કાર. સૂર્યનમસ્કાર એ સૂર્યની ઉપાસનાની સાથે થતો વ્યાયામનો એએક પ્રકાર છે. તેના લીધે શરીરના પ્રત્યેક અંગ ઉપાંગને વ્યાયામ મળે છે, સાથે સાથે ઉપાસનાના લીધે બુદ્ધિ તેજસ્વી બને છે. સૂર્યના મંત્રો બોલતા જવાના અને નમસ્કાર કરતા જવાના. આબાલવૃદ્ધ સૌ કોઈને માટે આશીર્વાદરૂપ, આ સૂર્યનમસ્કાર આપણે સૌએ આપણા સ્વાસ્થ્ય માટે અપનાવવા જોઈએ.
શરીર સારું હોય તો જ મન તંદુરસ્ત રહે. નિત્ય સૂર્યદર્શનથી માનવનું મન પ્રભાવી અને પ્રતિકારક્ષમ બને છે. તેથી જ તો સૂર્યોદય અને સૂર્યાસ્ત રોજ નિહાળવા જોઈએ.
સૂર્ય પોતાની મસ્તીમાં અવિરત રીતે પોતાનો કર્મયોગ કર્યા જ કરે છે જગત પાસેથી કશી અપેક્ષા નહીં અને છતાં જગતમાં કોઈની ઉપેક્ષા નહીં એ મહામંત્ર સૂર્ય પાસેથી શીખવા જેવો છે.
સૂર્યોપાસનાથી આપણી બુદ્ધિ પણ તેજસ્વી અને પ્રતિભ સંપન્ન બને છે. જીવનમાં બુદ્ધિને પ્રાધાન્ય આપનાર, ज्ञान ब्रह्माની ઘોષણા કરનાર આપણા ઋષિઓએ પોતાની બુદ્ધિમાંથી અજ્ઞાાનનો તિમિર દૂર થઈ જ્ઞાાનનો પ્રકાશ ફેલાય, બુદ્ધિ તેજસ્વી બને, પુષ્ટ બને, પ્રભાવી બને તે માટે સૂર્યની ઉપાસના કરી. ओम तत्सवितुरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् । રૂમટ્ટ્ખ્તપ્ણશ્ર ળ' એ ગાયત્રી મંત્રને જીવનનો ઉપાસના મંત્ર બનાવ્યો, તેનું ચિંતન કર્યું અને એ રીતે જીવન તેજસ્વી અને દિવ્ય બનાવ્યું.
સૂર્ય પૂજન એ ભાવનું ઘોતક છે. માનવજાત ઉપર કરેલા અનંત ઉપકારોના બદલામાં માનવ સૂર્યની શું સેવા કરી શકે ? તેથી તેણે સૂર્યને પોતાના જીવનનો આરાધ્યદેવ ગણી તેનાં ચરણોમાં ભાવવંદના અર્પિત કરી. આજે એ સૂર્યપૂજન મહદ્ અંશે સ્ત્રી વર્ગ પૂરતું મર્યાદિત રહ્યું છે. તેની પાછળનો મંત્ર ખોવાઈ ગયો છે અને યંત્રવત્ પૂજા ચાલી રહી છે. આ સૂર્યપૂજા જો સમાજમાં તેમજ વ્યક્તિ જીવનમાં ફરીથી નવપલ્લવિત થાય તો માનવ ફરી જીવંત તેમજ પ્રાણવાન બને. જીવનમાં શક્તિ, સમતા અને સજાગતા નિર્માણ કરનાર, જીવનદાતા અને જગતના મિત્ર, નિયમિત છતાં નમ્ર, અવિરત કર્મયોગના પ્રેરક, પ્રકાશપુંજ ભગવાન સવિતા નારાયણને અનંત પ્રણામ.