નૂતન વર્ષ વિક્રમ સંવત 2080નાં દૃઢ સંકલ્પો
નવા વર્ષની શરૂઆત શુભ, સાત્વિક અને સદ્વિચારોથી કરવી. સમગ્ર વર્ષ દરમ્યાન ગુણવત્તાભર્યું, હર્યું-ભર્યું, સંતોષમય અને શાંતિપ્રીતિ સાથેનું મોજથી જીવન જીવવું. જીવનયાત્રામાં પ્રેમ-સ્નેહ, દયા-કરૂણા, ક્ષમા-ત્યાગ, પરમાર્થ-પરોપકાર, સેવા-સ્વાધ્યાય, અધ્યયન, સાત્વિક સત્કાર્યો જેવા સદ્ગુણોનો દિન-પ્રતિદિન ઉદય કરવો. આ વર્ષથી મક્કમપણે નક્કી કર્યું છે કે - મનને કેળવી ઈર્ષ્યા-અહમ્, રાગ-દ્વેષ, ધૃણા-તિરસ્કાર, પૂર્વગ્રહો જેવી તમસવૃત્તિ ત્યજવી, કૂણી કે મોળી પાડવી જેથી હૃદયમંદિરમાં શાંતિ અને આનંદની માત્રા વધે. વાસ્તવમાં લખવું કે બોલવું સહેલું છે પણ ઈર્ષ્યા થઈ જાય છે - અહમ્ આવી જાય છે. રોજિંદા નીરિક્ષણે જણાશે આપણે જાણે કે અજાણે ઘર્ષણમય-સંઘર્ષભરી નિરર્થક વૃત્તિઓ અને પ્રવૃત્તિઓમાં ગજબની ઉર્જા-શક્તિ વેડફીએ છીએ તે તરફ જાગૃતતા-સભાનતા કેળવવાની છે. માનવજીવન સમયના સરકવા સાથે સતત સરકે છે. સમય શિસ્તબદ્ધ છે. સમય સ્થિતયજ્ઞા છે. આપણાં સૌના કર્મ-સત્કાર્યોને ઈશ્વરસ્વરૂપ સાક્ષીસમય નિહારે છે. માટે જ સતત કાર્ય કરવાનું છે, શ્રેષ્ઠ કાર્ય કરવાનું છે, સમયમર્યાદામાં કાર્ય કરવાનું છે સાથે સત્કાર્ય કરવાનું છે. નૂતન વર્ષ એટલે આશા, શ્રદ્ધા, આસ્થા સાથે નવી આકાંક્ષા, નવી મહેચ્છા-અભિલાષા નવપલ્લિત કરતું આશાવાદી વર્ષ જ્યાં ઢગલાબંધ સંકલ્પો છે. આ નૂતન વર્ષથી મક્કમ સંકલ્પ કર્યો છે કે - વિતેલાં વર્ષોથી સહજ ભૂલો-ખામીઓ-ત્રુટિઓ સુધારવી અને કાર્યશૈલી-વિચારશૈલીમાં સતત બદલાવ લાવી ભૂલ સુધારણા કરવી. નવાં સત્કાર્યો, સેવાકાર્યો, સદાચાર, સદ્વિચાર અને શુભત્વ તરફ લક્ષ્ય રાખવું જેથી જીવનયાત્રા દરમિયાન શાશ્વત શાંતિ, શાશ્વત આનંદ અને શાશ્વત સુખવૈભવ સંભવે. વિશેષ લખું તો - રોજિંદા ઉદ્ભવતી વિકટ પરિસ્થિતિ, આંતરિક મુંઝવણો, મથામણો, અથડામણો સમયે સ્વના એક જાગૃત ચોકીદાર બની શાંતિ-સ્વસ્થતા અને પ્રસન્નતા જાળવી રાખવા છે.
- કમલેશ હરિપ્રસાદ દવે