Get The App

શ્રીનાથજી બાવાએ શ્રી વલ્લભાચાર્યને વચન આપ્યું હતું કે ''જે જીવને આપ બ્રહ્મસબંધ આપશો તેની જીવનભર રક્ષા કરીશ''

Updated: Sep 22nd, 2021


Google NewsGoogle News
શ્રીનાથજી બાવાએ શ્રી વલ્લભાચાર્યને વચન આપ્યું હતું કે ''જે જીવને આપ બ્રહ્મસબંધ આપશો તેની જીવનભર રક્ષા કરીશ'' 1 - image


પુષ્ટિ માર્ગીય પવિત્રા એકાદશી એટલે પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યે ભારત વર્ષની ત્રણ વખત પરિક્રમા કરી વ્રજમાં ગોકુળ પધાર્યા હતા. શ્રી વલ્લભ ગોવિંદ ઘાટ ઉપર બિરાજ્યા હતા. વૈષ્ણવોને કેમ સુખ મળે તે વિચારતા હતા. ત્યાં જ સામે કિનારેથી શ્રી યમુનાજી પધાર્યા અને શ્રીજી બાવા સાથે પ્રથમ મિલન કરાવ્યું. શ્રી વલ્લભે યમુનાજીની સ્તુતિ કરી 'યમુનાષ્ટક' ગાયું. આ યમુનાષ્ટક ત્રણ કરોડ વૈષ્ણવોની આજે દિવ્ય સ્તુતિ છે. સાક્ષાત શ્રીજી બાવાએ શ્રી વલ્લભને મધ્ય રાત્રિએ દિવ્ય દર્શન આપ્યા અને કહ્યું કે હે શ્રી વલ્લભ! આપ જે જીવનો હાથ મારા હાથમાં સોંપશો તેનું જીવનભર હું રક્ષણ કરીશ. જેનો બ્રહ્મસબંધ મારી સાથે કરાવશો તેનાં બધાં દોષ દૂર કરીશ. હું તેનો હાથ સદાય પકડી રાખીશ. તેમનો અંતે ઉદ્ધાર કરીશ. તેનું યોગક્ષેમ કરીશ. શ્રી વલ્લભે પ્રભુને કેસરી પવિત્રુ ધરાવ્યુ. મિસરી આરોગાવી. પ્રથમ બ્રહ્મસબંધ શ્રી વલ્લભે પોતાના પ્રિય સેવક શ્રી દામોદર હરસાનીજીને આપ્યો. ઠાકોરજીની આસા સમજાવવા શ્રીવલ્લભે ''સિધ્ધાંત રહસ્ય'' નામના ગ્રંથની રચના કરી.

ભારત અને વિશ્વના ત્રણ કરોડ વૈષ્ણવો પોતાના સેવ્ય-સ્વરૂપ ઠાકોરજીને પવિત્રુ ધરાવે છે. આ દિવસ પુત્રદા એકાદશી તરીકે પણ મનાવવામાં આવે છે. જેમને સંતાનસુખ ન હોય તો પુત્રદા એકાદશીનું વ્રત કરવું. મન વાંચ્છિત ફળ મળે છે. શ્રી વલ્લભને પ્રકટ થયે પાંચસોથી વધુ વર્ષ થઈ ગયાં. વૈષ્ણવો પુષ્ટિમાર્ગીય વ્રત પવિત્ર એકાદશી કરે છે.

હિન્દુ ધર્મમાં શ્રી વલ્લભનું યોગદાન ઘણું છે. શ્રી વલ્લભે વૈષ્ણવતાની જ્યોત જલાવી છે.

- બંસીલાલ જી. શાહ


Google NewsGoogle News