ચારિત્ર્યશીલ સમાજના સર્જનહાર શ્રી સ્વામિનારાયણ ભગવાન
(ચૈત્ર ચુદ- નોમ- શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૨ મી જયંતી)
સં વત્ ૧૮૫૭ની પ્રબોધિની એકાદશીનો મહામાંગલ્યમય દિન એટલે કે, તા.૨૮-૧૦-૧૮૦૦નો દિવસ એ ગરવી ગુજરાત માટે ગૌરવનો દિન બની ગયો. કારણકે, આ દિવસ પીપલાણા ગામામાં રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણિને ભાગવતી દીક્ષા આપી અને એમનું નામ પાડયું સહજાનંદ સ્વામી.
આ દિવસને એક વર્ષ પૂર્ણ થયું અને સહજાનંદસ્વામીને જેતપુરમાં સંપ્રદાયની ધર્મધુરા સોંપવામાં આવી હતી. અને ત્યાર પછી આ સહજાનંદસ્વામીને સમગ્ર વિશ્વ સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનના નામથી ઓળખે છે.
આ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અતિ કમનીય હતી. તેમના જે દર્શન કરે તે તેમના થઈ જતા હતા. તેમનો સ્વભાવ અતિ દયાળુ હતું. સૌને તેમની તરફ ખેંચવાની તેમની રીતિ અને નિતિ અનેરી હતી.
સહજાનંદ સ્વામીએ વ્યસનમુક્તિનું મહા અભિયાન ચલાવ્યું હતું. માણસને પ્રેમ આપીને તેના વ્યસનો મૂકાવ્યા હતાં. એક વખત તેમની પાસે મૂળુખાચર દર્શને આવ્યા. શ્રી હરિએ કહ્યું કે, સત્સંગી થાવ, ત્યારે તે કહે કે, તમો મને હોકો અને અફિણ મૂકવાનું કહો તે ના પોષાય. મારા જીવ સાથે જડાઈ ગયા છે. શ્રી હરિ કહ્યું કે હું તમને એ મૂકવાનું નહિ કહું.
મૂળુખાચરે તરત સત્સંગી બન્યા. થોડા દિવસ બાદ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો ભક્તો વડતાલ જવા નીકળ્યા. મૂળુખાચર પણ સાથે હતા, તેઓ સંઘમાં પાછળ ચાલતાં આવતા હતા ત્યારે હોકો ગટગટાવવા રહ્યા. કોઈ માર્ગના માણસોએ જોયું એટલે બોલ્યા કે, બધા સ્વામિનારાયણીયા, પણ આ નથી.
મૂળુખાચરને ખોટું લાગ્યું. હોકો ફેંકી દીધો. સંઘ વડતાલ પહોંચ્યા. બધા ભક્તો એક બીજાને ભેટે. પરંતુ મૂળુખાચરથી બધા દૂર રહે. તેમને કોઈ ભેટે નહિ. તેથી તે મનમાં મૂઝાંતા હતા. કોઈને પૂછયું મને કેમ કોઈ ભેટતા નથી ? હું સત્સંગી નથી ? ત્યારે કોઈ હરિભક્તે કહ્યું કે, તમે સત્સંગી છો, પરંતુ કસુંબો પીવો છો, તેની મુખમાંથી વાસ આવે છે. તેથી તમને મળતા નથી. મૂળુખાચરે તરત જ તેનો પણ ત્યાગ કરી દીધો.
થોડા સમય પછી શ્રી સ્વામિનારાયણ ભગવાને પૂછયું કેમ ભગત ? સત્સંગી થવામાં કોઈ તકલીફ નથી પડતી ને ? મૂળુખાચર કહે કે, તમોએ મારો અફિણ અને હોકો આદિનું વ્યસન મૂકાવી દીધું. શ્રી હરિએ કહ્યું કે, મેં ક્યાં કીધું હતું ? મૂળુખાચર કહે કે, તમોએ કીધું હોત તો સારું હતું. પરંતુ એક કુસંગીએ કીંધુ અને બીજું સત્સંગીએ કીધું... આમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સૌને અપનાવતા અને પ્રેમ આપીને તેને નિર્વ્યસની બનાવતા હતા.
શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતોએ ગુજરાતના ગામડે- ગામડે ઘૂમીની તેની ધૂળમાં આયખું ઘસીને સૌને ચારિત્રશીલ બનાવવાની જાણે નેમ ના લીધી હોય તેમ દિવો ત્યાં દાત્તણ નહી એ ન્યાયે ઘરોઘર ઘૂમીની સૌને સત્સંગના પીયુષ પાયા છે. અને દારુ ન પીવો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, વ્યસનો ન રાખવા, આદિ અનેક અનિષ્ટો થી દૂર રહેવું તે જ હિતાવહ છે. તેમ સમજાવતાં અને સત્સંગમાં સૌને જોડતા.
શ્રીજીમહારાજે તત્કાલીન સમાજની અનેક કુપ્રથાઓ નિવારવાનો ઉપદેશ કર્યો. હિંસામય યજ્ઞાો બંધ કરાવ્યા. બાળ હત્યા અટકાવી, સતિ થવાનો રિવાજ બંધ કરાવ્યો. લગ્નમાં ગવાતાં બિભત્સ ફટાણાના ગીતો બંધ કરાવ્યા અને મંત્ર-જંત્રની અંધ શ્રદ્ધા અને વહેમોનું ખંડન કર્યું. સત્સંગ દ્વારા સંસ્કારનું સિંચન કરી અનુયાયીઓનું જીવન ભક્તિથી રસતરબોળ બનાવ્યું. સંસ્કારોનું સદાય પોષણ થતું રહે તે માટે અનેક મંદિરોનું સર્જન કર્યું.
માંગલ્યમય પ્રસંગે આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં વંદન કરીએ અને તેમણે આપેલ આદર્શોને જીવનમાં ઉતારી ધન્યભાગી બનીએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ