''શ્રી કૃષ્ણ અને કંસ-વધ'' .
શ્રી કૃષ્ણના જન્મ પહેલાં યાદવોની રાજ્ય વ્યવસ્થા પ્રજાસત્તાક ગણરાજ્યની હતી. યાદવોમાં બે કુળો હતા. અંધક અને વૃષ્ણિ.અંધક રાજ્યના પ્રમુખ ઉગ્રસેન હતા. જ્યારે વૃષ્ણિ રાજ્યના પ્રમુખ અક્રુરજી હતા.શ્રી કૃષ્ણના પિતા વસુદેવ વૃષ્ણિકુળના હતા. વસુદેવ ધર્મિષ્ઠ,સત્યાવાદી,ન્યાયી,અને લોકપ્રિય નેતા હતા.તે વખતે જરાસંઘ મગધ દેશનો શક્તિશાળી રાજા હતો.તેને એકચક્રી શાસન કરવાની મહેચ્છા હતી.પણ તે ખોફનાક હતો.તેણે સેંકડો રાજાઓને પોતાના બળથી જીતી જીતીને પશુઓની માફક સાંકળોથી બાંઘીને કેદખાનામાં પૂરી રાખ્યા હતા.આવા જરાસંઘનો સામનો કરવા યાદવકૂળમાં સંગઠન અને એકતા જરૂરી હતી. એમ સમજી ઉગ્રસેને પોતાની પુત્રી સુતનુના લગ્ન અક્રુરજી સાથે કરાવ્યાં.અને વસુદેવના લગ્ન દેવકી સાથે કરાવ્યાં. જરાસંધ શક્તિશાળી તો હતો જ પણ ઉગ્રસેનના પુત્ર કંસને લીધે રાજ્ય પર હુમલો કરવામાં અચકાતો હતો.
કંસ નાનો હતો ત્યારથી જ તોફાની અને હિંસક હતો. નાના-નાના બાળકોને પકડીને જંગલમાં લઈ જઈ મારી નાખતો અને જંગલની ગુફાઓમાં તેમની લાશ ફેંકી દેતો । તેના પિતા ગમે તેટલું સમજાવે,તે બેપરવા રહેતો,કશું જ સાંભળતો નહોતો. વિદ્ધાનોએ મૂર્ખના પાંચ લક્ષણો ગણાવ્યા છે. કંસમાં પણ તે હતાં. (હઠી ચૈવ વિવાદી, પરોકતંનૈવ મન્યતે) તે ખૂબ હઠીલો હતો.વિવાદી હતો અને કાંઈનું કશું સાંભળતો નહોતો. પ્રજા તેના ત્રાસથી દુર રહેવા પ્રયત્ન કરતી. એક વાર ફક્ત આઠ વર્ષની ઉંમરે તે મગધ દેશ પહોંચી ગયો અને અખાડામાં જરાસંધ સાથે કુસ્તી લડયો. તેણે કુસ્તીદાવમાં જરાસંઘ જેવા શક્તિશાળી રાજાને હરાવ્યો હતો. ત્યારથી તે જરાસંઘની નજરમાં વસી ગયો હતો.તેની ઈચ્છા હતી કે કંસ જેવો બહાદુર તેના તરફી થઈ જાય તો તેની તાકાત બમણી થઈ જાય.અને પછી તેને હરાવનાર કોઈ ના રહે । ભવિષ્યમાંય કંસ કામનો હતો એમ સમજી તેણે પોતાની બન્ને પુત્રી અસ્તિ અને પ્રાપ્તિના લગ્ન કંસ સાથે કરાવ્યાં. આમ સગપણે કંસ જરાસંઘનો જમાઈ થયો.હવે જરાસંઘે જમાઈને ઉશ્કેરવાનું શરૂ કર્યું. તેના દિમાગમાં કુવિચારો નાખવાના શરૂ કર્યાં. ઇચ્છા,તૃષ્ણા,લોભ કે લાલચથી કોણ બચી શક્યું છે ? (તૃષ્ણા હિ સર્વ પાયિષ્ઠા) તૃષ્ણા અત્યંત પાપકારક છે.(તૃષ્ણાન્ધા નૈવ પશ્યન્તિ હિતં વા યદિ વાડહિતમ્) તૃષ્ણાથી અંધ બનેલો માણસ પોતાનું હિત કે અહિત નથી જોઈ શકતો. એ જ હાલત કંસની થઈ. કંસના પિતા ઉગ્રસેન રાજ્યના પ્રમુખ હતા પણ રાજા નહોતા.
એકવાર જરાસંધ કંસને કહ્યું.- '' જમાઈરાજ, તમારા પિતા રાજ્યના કાર્યકારી પ્રમુખ છે. પણ તે રાજા નથી. તેમના હાથમાં કોઈ પણ જાતની એકહથ્થું સત્તા નથી. ધારો કે......, ધારો કે તમારા પિતા મૃત્યુ પામે તો વારસામાં તમને શું મળે ? - કશું જ નહિ. જ્યારે તમારા હાથમાં સત્તા જ નહિ હોય ત્યારે તમે શું કરશો. ? ''જંરાસંઘ કંસના મગજમાં સત્તાની ભૂખ જગાડી દીધી.''
લોભ અને ઇચ્છા (જનક: સર્વદોષાણાં) સર્વ દોષોને જન્મ આપનાર હોય છે. લોભ વિવેકનો નાશ કરે છે. હવે કંસ દિવસ રાત રાજા બનવાના સ્વપ્નો જોવા લાગ્યો.કશો જ ઉપાય ના દેખાતાં તેણે પિતા ઉગ્રસેનને બળજબરીથી પકડીને જેલમાં ધકેલી દીધા.બઘી સત્તા હાથમાં લઈ લીધી. પોતે જ સર્વસ્વ છે, પોતે જ રાજા છે એવી ઘોષણા કરાવી દીધી. પ્રજા હેબતાઈ ગઈ.એક શબ્દ બોલવાની કોઈની હિંમત ના રહી. આ જોઈ કંસ બેફામ બની ગયો. પ્રજા પર કેર વર્તાવા લાગ્યો.લૂંટ-ફાટ,ધરપક્ડ,યાતના અને આતંકથી પ્રજા થાકી ગઈ.થાકેલી પ્રજા નીડર ગણાતા અક્રુરજી અને વસુદેવ પાસે જઈ રક્ષણ માંગવા લાગી.
અકૂરજી અને વસુદેવ સગપણે કંસના બનેવી હતા.બન્નેના સ્વભાવમાં ઘણો ફરક હતો.વસુદેવ ધર્મિષ્ઠ હતા જ્યારે અક્રૂરજી વ્યવહારિક હતા.સ્વાર્થની વાત આવે ત્યારે અક્રૂરજીની દૃઢતા અને નિષ્ઠા ડગમગી જતી. તે જરૂર પડયે કંસની પંગતમાં બેસી જતા. એટલે કંસને અક્રૂરજી પોતાના લાગતા.પણ કંસને વસુદેવ પર ચીડ હતી. તે તેમના ધાર્મિક સ્વભાવથી ખૂબ અકળાતો.તેને બીક હતી કે પ્રજા વસુદેવના વિચારોથી પ્રેરાઈને બળવો કરશે તો ? અથવા વસુદેવ પ્રજાને તેની વિરૂધ્ધ ભડકાવશે તો ? આમ કંસ માટે વસુદેવ નડતર રૂપ હતા. તેનાથી કંસ અશાંત રહેતો.એવામાં એક દિવસ આકાશમાં ગર્જના થઈ. આકાશવાણીના ભંયકર અવાજે કંસના કાનમાં વાત નાખી દીધી કે તેનું મોત તેના ભાણેજ ના હાથે જ થવાનું છે. દેવકીનું આઠમું સંતાન તેના મોતનું કારણ બનશે.તેના હાથે જ તેનું મોત થશે । ત્યારથી કંસ ડરી ગયો હતો. જીવ કોને વહાલો ના હોય ? કંસ બેબાકળો થઈ ગયો.બેકાબૂ થઈ ગયો. ઉપાયો શોધવા લાગ્યો. તેણે વસુદેવ અને દેવકીને પકડીને કેદખાનામાં નાખી દીધા.(સર્વ જીહ્યં મૃત્યુપદ્મે) કોઈ પણ જાતનું કપટ એ મૃત્યુનું પગલું છે.
કાળક્રમે દેવકીને છ પુત્રો જન્મ્યાં. મોતના ભયથી કંસે એ બધાને મારી નાખ્યાં. દેવમાયાએ દેવકીની સાતમીવારની ગર્ભ રોહિણીના ઉદરમાં મૂક્યો. આ વાતની જાણ કંસને ના થઈ. તેને એટલી વાત મળી કે દેવકીનો સાતમો ગર્ભ ગળી ગયો.હવે કંસ અતિશય ચોકસાઈ રાખવા લાગ્યો. છતાં દેવકીજીએ આઠમા બાળકને જન્મ આપ્યો.
જે કૃષ્ણવતાર ગણાયો.
- સુરેન્દ્ર શાહ