Get The App

ગણપતિ અથર્વ-શીર્ષનું આધ્યાત્મિક મહત્વ

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
ગણપતિ અથર્વ-શીર્ષનું આધ્યાત્મિક મહત્વ 1 - image


આપણે આપણી સંસ્કૃતિ અને સંસ્કારને ટકાવી રાખવા તથા બળ, બુદ્ધિ અને યશની પ્રાપ્તિ માટે વિવિધ દેવોની ઉપાસના કરીએ છીએ ભગવાન શંકરની ઉપાસના કરવાથી મોક્ષ મળે છે અને ભૌતિક સુખોની પણ પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસનાથી જ્ઞાન, વૈરાગ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતાજીની વિવિધ ઉપાસનાથી બુદ્ધિ, શક્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

ગણપતિ અર્થવશીર્ષમાં ભગવાન ગણેશ પ્રત્યક્ષ તત્વરૂપે છે. તેઓ કેવલ ધારણકર્તા છે તેઓ સંહાર કર્તા અને સમસ્ત વિશ્વમાં બ્રહ્મરૂપ છે. તેઓ સાક્ષાત આત્મા છે. ગણપતિ શ્રોતાઓ અને વક્તાઓની રક્ષા કરનાર છે. ગણપતિ દાતાઓ અને વેદ્વિદ્ આચાર્યની રક્ષા કરનાર છે. ભગવાન સર્વ રીતે આપણી રક્ષા કરે છે. ગણપતિ વાઙગમય છે. ચિન્મય છે. આનંદ અને બ્રહ્મમય છે, તેઓ સચ્ચિદાનંદ અદ્વિતીય આત્મા છે. તેઓ જ્ઞાનમય અને વિજ્ઞાનમય છે. સમસ્ત જગત તેમનામાં ઉત્પન્ન થયું છે અને ધારણ થયું છે. સર્વજગત તેમનામાં લય પામે છે અને સર્વ જગત તેમનામાં પ્રતિત થાય છે. આ સમગ્ર સૃષ્ટિમાં પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને ભૂમિ તમે જ છો.

ભગવાન ગણેશ પય, પથ્યન્તી, પધ્યમા અને વૈખટીરૂપ ચર્તુવિધ વાકપદો રૂપે છો. શ્રીગણેશ સત્વ, રજસ, તમસ એ ત્રણે ગુણોથી પર છે.  તેઓ સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણે ગુણોથી પર છો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળોથી પર છે. હે ગણનાયક ! મૂલાધાર વક્રમાં વસતા આપ પ્રભુશક્તિ, મંત્રશક્તિ અને ઉત્સાહ શક્તિથી યુક્ત છો. યોગીજનો સદા આપનું જ ધ્યાન ધરે છે તમે જ બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર છો. તમે ઈન્દ્ર, અગ્નિ, વાયુ, સૂર્ય અને ચંદ્રમા છો. તમે સગુણ બ્રહ્મસ્વરૂપે ભુ: ભૂવ: સ્વ: અને પ્રણવ છો. ઓમ ગં ઓમ  આપના મંત્રનું સ્વરૂપ છે ગ કાર પૂર્વરૂપ છો. અકાર મધ્યરૂપ છો. અનુંસ્વાર અંત્ય રૂપ છે. બિંદુ ઉત્તરરૂપ છે. નાદસંધાન છે. સંહિતા સંધિ એ ગણેશવિદ્યા છે.ઓમ  ગં ગણપતયે નમ: એ તમારો મુળ મંત્ર છે.

ભગવાન ગણેશ ચારભુજાવાળા તેમના ચાર હાથોમાં પાશ, અંકુશ, ઘી અને વરદ્ મુદ્રા ધારણ કરેલ છે. ધજામાં મૂષકનું ચિન્હ છે. શ્રીગણેશ રક્તવર્ણ, લંબોદર, શૂપકર્ણ અને રક્ત પરમધારી છે. રક્તપુષ્પોથી સારી રીતે તે પૂજાય છે. તેઓ પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. તેઓ જ્યોતિર્મય જગતના કારણ રૂપ, અચ્યુત અને પ્રકૃતિ અને પુરૂષથી પર એવા એ દેવ સૃષ્ટિના આરંભમાં આવિર્ભાવ પામ્યા. ગણપતિના સ્વરૂપનું નિત્ય ધ્યાન કરનાર યોગીઓ સર્વે યોગીઓમાં શ્રેષ્ઠ છે.

શ્રી ગણપતિ અર્થવ શીર્ષનો પાઠ કરવાથી એ સર્વસુખ પ્રાપ્ત કરીને બ્રહ્મમય થાય છે. તેને કોઈપણ પ્રકારના વિઘ્નો આવતા નથી. તે સર્વ પાપોથી મુક્ત થાય છે. સાયં કાલે પાઠ કરવાથી દિવસભર કરેલા પાપોથી મુક્તિ મળે છે. પ્રાત: કાલે પાઠ કરનાર, રાત્રિ દરમ્યાન કરેલા પાપોથી મુક્તિ મેળવે છે. સવાર અને સાંજે બન્ને સમયે પાઠ કરનાર પાપોથી મુક્ત થાય છે. આ પાઠ નિત્ય સેવનથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ગણપતિ અર્થવ શીર્ષના હજારો પાઠ કરનાર જે જે કામના કરે છે તે તેની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ચોથના દિવસે ઉપવાસ કરીને જે મનુષ્ય આનો જપ કરે છે. એ વિદ્યવાન થાય છે. જે બ્રહ્માદિ આવરણને જાણે છે તે કદાપિ ભયભીત થતો નથી.

જે ઉપાસકો ધરો દ્વારા ગણપતિનું પૂજન કરે છે. તે કુબેર સમાન કોષવાન બને છે. જે ડાંગર દ્વારા પૂજન કરે છે તે યશસ્વી અને મેદ્યાવી થાય છે. જે હજાર મોદક (લાડુ) દ્વારા યજન કરે છે. તે મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. જે ઘીમાં બોળેલી સમિધિઓ દ્વારા હૌમ કરી યજન કરે છે તે સર્વસ્વ પામે છે. જે ભક્ત આઠ બ્રાહ્મણોને અર્થવશીર્ષ સારી રીતે ગ્રહણ કરાવે છે તે સૂર્યસમાન તેજસ્વી થાય છે. જે વ્યક્તિ સૂર્યગ્રહણ સમયે નદીમાં ઉભા રહીને અથવા ગણપતિની પ્રતિમાના સાનિધ્યમાં આ અર્થવશીર્ષનો પાઠ કરે છે તે મહાદોષોથી મુક્ત થાય છે અને સર્વજ્ઞા થઈ જાય છે.

ભગવાન ગણેશ મૂલાધાર ચક્રમાં બિરાજે છે એટલે મૂલાધાર ચક્રને ગણેશ ચક્ર કહેવાય છે. તેમાંથી કુંડલિની જાગૃતિ કરવાની યોગ સાધનાનો આરંભ થાય છે.

આ ષટચક્રોના ધ્યાન સમયે યોગીપુરૂષો વિવિધ અનુભૂતિઓ પામે છે. 

પહેલું મૂલાધાર ચક્ર એ આધાર પદ્મ છે. એના ચાર દળ છે. ગણપતિ તેના અધિષ્ઠાતા દેવ છે તેનું ધ્યાન કરવાથી યોગી સઘળા પાપોનો નાશ થાય છે. તે વિદ્યા અને આરોગ્યની પ્રાપ્તિ કરે છે. જ્ઞાન, મનન અને વિલક્ષણ દર્શન પાળે છે. 

બીજું સ્વાધિષ્ઠાન ચક્ર છે. એ પદ્મના છ દલ છે. તેના અધિષ્ઠાતા દેવ બ્રહ્મા છે એનું ધ્યાન કરવાથી યોગી દિવ્ય સૌંદર્યથી સંપન્ન થાય છે.

ત્રીજું મણિપુર ચક્ર છે. આ પદ્મના છ દલ છે તેના અધિષ્ઠાતા દેવ વિષ્ણુ છે. તેના ધ્યાનથી યોગી અવસાદ અને વ્યાધિપટ વિજય મેળવે છે તેની સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે.

ચોથું અનાહત ચક્ર છે. એ પદ્મના બાર દલ છે. તેના અધિષ્ઠાતા રૂદ્ર દેવ છે તેનું ધ્યાન કરવાથી યોગી ત્રિકાલગ્ન થાય છે.

પાંચમું વિશુદ્ધ ચક્ર છે. એ પદ્મના સોળ દળ છે તેનો અધિષ્ઠાતા જીવાત્મા છે તેનું ધ્યાન ઘરવાથી યોગી વેદજ્ઞા થાય છે. આ ચક્રનું ધ્યાન કરવાથી યોગીમાં પ્રચંડ શક્તિ પ્રગટે છે.

છઠ્ઠું આજ્ઞા ચક્ર છે. એ પદ્મના બે દલ છે. એના અધિષ્ઠાતા ગુરૂ છે. તેનું ધ્યાન ધરવાથી યોગી દુ:ખ અને શોકથી મુક્ત થાય છે અને સાક્ષાત વિશ્વનાથના દર્શન થાય છે. આ ષટચક્રોનું ધ્યાન ધરતા-ધરતા યોગી સહસ્ત્રાસાર મધ્યમાં પહોંચે છે. સ્વયં પરમ બ્રહ્મ પરમાત્મા એના અધિષ્ઠાતા છે. કુંડલિની જીવનશક્તિને જાગૃત કરીને યોગી આત્મા ચૈતનારૂપ જીવ સહસ્ત્રસારમાં કૈલાસમાં શિવનો સાક્ષાત્કાર કરે છે અને અમર પદને પામે છે.

- પ્રદ્યુમ્નભાઈ જે. રાવલ


Google NewsGoogle News