વાણી અને પાણી .

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
વાણી અને પાણી                                     . 1 - image


વાણી અને પાણીનો ખૂબ પ્રભાવ છે. શુદ્ધ અને નિર્મળ પાણી સૌને ગમે છે. પ્રિય વાણી, મધુર વાણી અને શુધ્ધ વાણી સૌને ગમે છે. વાણી માનવીની એક અમૂલ્ય અને ઉમદા વ્યક્તિત્વની આગવી છાપ છે. આંગણે આવેલ અતિથિને આવકાર આપવો એ પ્રિય અને મનભાવન વાણી કહેવાય છે. આત્માને સંતોષ પમાડે છે. ઘણા માનવીને સાંભળવી ગમે છે. ઘણાની વાણી કર્કશ હોય છે. કોયલની વાણી સૌને ગમે છે. કાગડાને બોલતો જ ઉડાડવો પડે છે. એની વાણીથી સૌને સુગ ચઢે છે. સૂર્યોદય સમયે ખુશનુમા વાતાવરણ હોય અને કોયલનો એકાદ ટહુકો સંભળાય તો મન નાચી ઉઠે છે. વાણી વાણીમાં ફેર હોય છે. ઘણાં આખાબોલા કહેવાય છે. તેમને શું બોલવું, કોની સામે શું બોલવું તેનું ભાન નથી હોતું. જ્યારે ખબર પડે ત્યારે વાણીનો વાંકે પસ્તાવું પડે છે. પરિણામ ભોગવવું પડે છે. જીવનમાં પ્રિય અને મધુર વાણી જરૂરી છે.

વાણી અને પાણીની ખાસ વિશેષતા છે. પાણીથી કીચડ થાય છે અને કીચડને પાણી જ સાફ કરે છે. એ પ્રમાણે વાણી કદાચ ખરાબ હોય. વાણીનું કીચડ બની ગયું હોય તો તેને સુધારવા માટે સમજણ અને મંથનની જરૂર છે. પસ્તાવાના સહારાથી વાણી સુધારી શકાય છે. શુદ્ધ વાણી, મધુર વાણી, પ્રિય વાણી માનવીની પ્રતિષ્ઠા છે. સદ્ગુણો છે. શબ્દો દ્વારા ઘણાએ રાજ છોડયા છે. કોઈક સંત હજારો માણસને સત્સંગ દ્વારા એક ચિત્તે શુદ્ધ શબ્દો અને મધુર વાણીમાં ઓતપ્રોત કરી દે છે. આપણાથી કુટુંબના પાંચ માણસોને સમજાવી શકતા નથી. વાણી અને સમજણ મુખ્ય છે. સંજોગો અનુસાર વાણી બદલાય છે છતાં તેને કાબુમાં રાખવી જોઈએ. વાણી અને પાણી શુદ્ધ હોવા જોઈએ.

- ઘર સ્વર્ગ સમાન ક્યારે બને

ઘરમાં બધા સંપીને રહેતા હોય મોટાની મર્યાદા જળવાતી હોય સંતાનોને નાનપણથી સારા સંસ્કારો મળ્યા હોય દરેક કામો ચોક્કસ ત્થા સમય પ્રમાણે થતા હોય એક બીજાનું માન સદાય જળવાતું હોય અતિથિનો સદાય સત્કાર થતો હોય ઘર આંગણે માંગવા આવેલા કદી નિરાશ ન થતા હોય પશુ પક્ષી ત્થા નાના જીવો પ્રત્યે સદાય દયાભાવ રહેતો હોય સૂવા ઉઠવાનું નિયમિત હોય મોબાઈલ ત્થા ટીવીનો સારા કામોમાં ઉપયોગ થતો હોય તો આવા ઘર સ્વર્ગ સમાન બને છે.

- અમૃતવાણી

(૧) આજે જે તમારું છે એ ગઈ કાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે કોઈ બીજાનું થઈ જશે, એ પછી એ કોઈ ત્રીજા પાસે ચાલ્યું જશે કેમ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે.

(૨) જીવનમાં સુખી થવા બે શક્તિની જરૂર પડે છે, એક સહન શક્તિ અને બીજી સમજ શક્તિ.

(૩) બુધ્ધિમાન એ છે કે જે અનુભવમાંથી શીખે પણ વધુ ડાહ્યો એ છે કે જે બીજાના અનુભવમાંથી શીખે

(૪) સતસંગ બોરડીમાંથી બોર વીણવા જેવું છે. કોઈના હાથમાં ઝાઝા આવે. કોઈના થોડા, કોઈના ખાટા, કોઈના મીઠા, કોઈએ ધીરજ ધરી, કોઈ ઉતાવળું થયું કોઈને ઝાઝા કાંટા લાગ્યા (તપ) કોઈને થોડાં. પ્રયત્ન કર્યો એને મળ્યું ખરૂ

(૫) ડાહ્યા માણસોની સાચુ નહિ કહેવાની નિષ્ક્રિયતા સમાજને લૂણો લગાડે છે.

(૫) તમે તમારા સંતાનોનું ભવિષ્ય કેવું ઈચ્છો છો ? સિગારેટની જેમ ફૂંકાઈને ફેંકાઈ જાય તેવું કે પછી અગરબત્તીની જેમ પ્રજ્વલિત થઈને સૌને સુવાસ આપે તેવું ?

(૭) દુનિયામાં આપણે આપણી મરજીથી નથી આવ્યા એ વાત સાચી છે તો પછી આપણે આપણી મરજીથી જઈ પણ ન શકીએ આપઘાત એ ઈશ્વરનું અપમાન છે.

(૮) જાહેરમાં કહેવાથી ઝઘડા વધી જાય છે, ખાનગીમાં કહેવાથી ખામી સુધરી જાય છે, કડવી વાણી કહેવાથી દુશ્મનો વધી જાય છે, શુભ-શુભ બોલવાથી દુશ્મનો પણ મિત્ર થઈ જાય છે.

(૯) હજુ પણ જાગ્યા ત્યારથી સવાર માની જીવાત્મા ભક્તિ અને સત્કર્મ કરે માટે મનુષ્યના માથે સફેદવાળ, ઈશ્વર મોડે મોડે મોકલે છે.



Google NewsGoogle News