ભક્ત પ્રહ્લાદે બતાવેલાં જીવન સુધારવાનાં છ સાધન

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
ભક્ત પ્રહ્લાદે બતાવેલાં જીવન સુધારવાનાં છ સાધન 1 - image


ભક્ત પ્રહલાદની સમક્ષ, નૃસિંહસ્વરૂપે ભગવાન પ્રગટ થયા. પ્રહલાદનો પિતા હિરણ્યકશ્યપ, જગતને માટે રાક્ષસરૂપ હતો, તેથી પ્રગટ થયેલા નૃસિંહસ્વરૂપે તેનો નાશ કર્યો.

ભક્ત પ્રહલાદે હૃદયના પુરા ભાવથી, ભગવાનના નૃસિંહસ્વરૂપ સમક્ષ અદ્ભુત "સ્તુતિ" કરી. આ સ્તુતિના છેલ્લા શ્લોકમાં ભક્ત પ્રહલાદે "જીવન સુધારવાનાં" છ (૬) સાધનો જગતના મનુષ્યો માટે બતાવ્યા છે. કળિકાળમાં આ છ (૬) સાધનોથી, શ્રદ્ધા પ્રેમપૂર્વક-એકાગ્રતાથી જે ભગવાનને ભજશે તેને પરમાત્માના ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થઈ. દિવ્ય સુખ મળશે.

અનન્ય ભક્તિનાં છ (૬) સાધનો :-

(૧) પ્રાર્થના : સવારે ઊઠતાં જ દસેક મિનિટ ઈશ્વરનું "સ્મરણ" કરવું. પ્રેમથી નામ સ્મરણ કરવું, પ્રાર્થના કરવી... કે, "હે પ્રભુ  હું તમારો છું. તમે મારો છો. મારા હૃદયમાં કાયમ બિરાજો. મારા "શરીરરથના" સ્વામી બનો. મારી ઈંદ્રિયોને અવળે માર્ગે જતી અટકાવો. મારું રક્ષણ કરો. મને સદ્બુદ્ધિ આપો. સદ્વર્તન આપો. સદ્શક્તિ આપો. સદ્બુદ્ધિ આપો.

(૨) સ્નાન પછી સેવા-પૂજા : ઘરમાં રાખેલ ભગવાનના ફોટાની કે નાનકડી મૂર્તિની પૂજા કરવી. દીપ પ્રગટાવવો. ધૂપ કરવો. હૃદયપૂર્વક શરણાગતિના ભાવ સાથે "વંદન" કરવા.

(૩) સ્તુતિ પ્રાર્થના : એકાગ્રતાથી પ્રેમભાવથી સ્તુતિ કરવી કે હે પ્રભુ ! હું તમારો દાસ છું. તમે મારો ઉદ્ધાર કરો. હું મારું સર્વસ્વ તમને સોંપું છું. મારો "જીવનરથ" સહીસલામત રીતે ચલાવો. આપ જ સૌનું "શરણ" છો. આપ અમારા પ્રિય સુહૃદ મિત્ર છો. આપ જ પરમ આરાધ્ય છો. મને આપના ચરણકમળમાં સ્થાન આપો.

(૪) વંદન : પરમાત્માનું સ્વરૂપ આપણી સમક્ષ સાક્ષાત્ ઊભું છે. એવો ભાવ કરી બે હાથ જોડી માથું નમાવી પ્રણામ કરવા.

(૫) દૈનિક ફરજો બજાવતા પ્રભુ સ્મરણ : દિવસ દરમિયાન સંસાર વ્યવહારના પ્રત્યેક કામ કરતા કરતા પ્રભુસ્મરણ સતત થાય તે માટે જાગૃત રહેવું. સાચા સંતોનો સંગ, કથાશ્રવણ, સદ્વાચન, સત્કર્મનો મેળ પડે તો તેનો લાભ લેવો.

(૬) સૂતી વખતે દિનભરના સમસ્ત કર્મોનું રાત્રે સમર્પણ : દિવસ દરમિયાન જે સારા કાર્ય થયા હોય તે માટે પ્રભુનો આભાર માનવો. પાપકર્મ થયા હોય તો હૃદયપૂર્વક પસ્તાવો કરી માફી માંગવી. વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરવી.

શ્રદ્ધા રાખવી કે હું સફળ થવાનો છું. પ્રભુકૃપાએ મને શાંતિ-સુખનો અનુભવ થવાનો જ છે. અર્જુને જેમ પોતાના રથની લગામ શ્રીકૃષ્ણ ભગવાનને સોંપી દીધી હતી તેમ, આપણા જીવનરથની લગામ ઉપરનાં છ સાધનો દ્વારા નિષ્ઠાપૂર્વક પ્રભુને સોંપી દઈશું તો તે આપણો જીવનરથ જરૂર સહીસલામત પાર કરાવશે.

ચિંતન : આત્મવિશ્વાસ અને પ્રભુ ઉપરનો વિશ્વાસ વધે, ત્યારે જ જીવન નિશ્ચિંત બને છે.

- ચિંતામુક્ત જીવન એ જ "વિશિષ્ટ રસાયણ" છે.

- માણસ માણસમાં રહેલા ભગવાન, નાચતા અને ખીલેલા જોવા મળવા જોઈએ.

- સેંકડો ઘરો, સેંકડો વ્યક્તિઓ દીન-દૂબળું "પશુજીવન" જીવતા રહે છે. જેમનું જીવન નિમ્ન છે. તેઓ અળસિયાંની માફક ફર્યા કરે છે. તેમના જીવનમાં 'તેજ' નથી. 

નિ:શ્ચય :-

"જીવન" સદા એવું જીવીએ કે,

અન્યને પ્રેરણા મળે.

"કવન" સદા એવું કરીએ કે,

સૌના હૃદયમાં ગૂંજ્યા કરે.

પળેપળનો સદુપયોગ એવો કરીએ કે,

સમયને પણ "સંતોષ" થાય.

- લાભુભાઈ ર. પંડયા


Google NewsGoogle News