શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર જગદંબાના નામોનું મહત્ત્વ
- માતાજીનું બ્રહ્મચારીણી સ્વરૂપ આપણને તપનો મહિમા સમજાવવા માંગે છે. પણ તપના ઘણા બધા પ્રકારો છે. જેમકે તમે સ્વાધ્યાય કરો એ પણ તપસ્યા છે. વાણીનો વિવેક એ મોટામાં મોટું તપ છે. વાણી અને ઈન્દ્રિયો ઉપર સંયમ રાખવો એ આ બ્રહ્મચારીણી સ્વરૂપ આપણને કહેવા માંગે છે. તો માતાજીના નામોનો અનન્ય મહિમા છે.
જ ગત જનની જગદંબાના અનેક નામો છે. પણ મહત્ત્વના નામોનું વર્ણન શ્રીમદ્ દેવી ભાગવતમાં કરવામાં આવ્યું છે. સૌથી પહેલા માતાજીનું નામ દૂર્ગા. આ નામ કેવી રીતે પડયું તેની પાછળ કથા પ્રસંગ છે. દૂર્ગમ નામના દૈત્યએ બ્રહ્માજીની પાસેથી વેદો માંગી લીધા. આ દૈત્ય એમ માનતો હતો કે ઋષિમૂનિઓ યજ્ઞા કરે છે અને એ શક્તિ દેવોને મળે છે. માટે હું બ્રહ્માજીની પાસેથી વેદો જ માંગી લઉ ! માતા જગદંબાએ દૂર્ગમ દૈત્યનો વધ કર્યો એટલે માતા દૂર્ગા કહેવાયા. જે મા દૂર્ગાનું નામ સ્મરણ કરે તેની ક્યારેય દૂર્ગતિ થતી નથી. સંગીતના રાગોમાં પણ મા દૂર્ગાને નામે એક રાગ છે જેનું નામ 'દૂર્ગા' છે. એ જ દૂર્ગાદેવીનુ સ્વરૂપ સુબાહુ રાજાની ભક્તિને વશ થઈ કાશિમાં બીરાજ્યાં. માતાજીનું નામ સતાક્ષી છે. દુષ્કાળના સમયે માતાજીએ પોતાના નેત્રો દ્વારા જળ વર્ષા કરી માતાજી નવ-નવ રાત સુધી જળ સ્વરૂપે વરસ્યા. એ માતા જગદંબા શાક સ્વરૂપે વરસ્યા એટલે માતા શાકંભરી કહેવાયા. માતાજી અન્ન સવરૂપે વરસ્યાં એટલે માતાજી અન્નપૂર્ણા કહેવાયા.
શિવ પૂરાણમાં એક પ્રસંગ એવો છે કે કૈલાસમાં મહાદેવજી અને માતાજી બેઠાં છે. ત્યારે મહાદેવજીએ વિનોદ કરતાં માતાજીને કહ્યું કે તમે 'કાલી' છો. ત્યારે માતાજીએ તપસ્યા કરી તેઓ 'કાલી' માંથી 'ગૌરી' બન્યા. એ માતા ગૌરી વાઘ ઉપર સવાર થયા એટલે માતા વાઘેશ્વરી કહેવાયા. મા ગૌરીની ઉપાસના સિતા માતાજીએ કરી તેમને ભગવાન રામ પતિના રૂપમાં પ્રાપ્ત થયાં. ગૌરીમાની ઉપાસના ઋકમણિજીએ કરી તેમને દ્વારિકાધીશ પતિદેવના રૂપમાં પ્રાપ્ત થયાં. માતા ગૌરી સૌની મનોકામના પરિપૂર્ણ કરવાવાળા છે.
શક્તિના નવ સ્વરૂપો છે. નવે સ્વરૂપોનું ખુબજ મહત્ત્વ છે. પણ એમાં અતિ મહત્ત્વ જે સ્વરૂપનું છે તે માતાજીનું સ્વરૂપ સ્કંધમાતા. માતાજીનું નામ સ્કંધમાતા એટલા માટે પડયું કે કાર્તિક સ્વામીને એમણે ખોળામાં લીધા છે. આમ, જીવને માતાજી સંદેશ આપે છે કે, હું હર ક્ષણ તારી સાથે છું. જીવનમાં કોઈપણ પરિસ્થિતિ આવે તો માતાજીનું શરણ એ જ બધા દુ:ખોને હરવાવાળું છે. આવા ભાવથી સંત પૂનિત મહારાજે માતાજીનું પદ વર્ણવતા કહ્યું કે, "તું માડી ને હું બાલુડો, મા સાચવજે તારા ખોળે પડયો આ બાળ અંબા સાચવજે, પડુ ખડુ કે ઉભો થતો માં સાચવજે, મને સાચા મારગમાં તુ વાળ અંબા સાચવજે. ત્રિવિધ તાપે તપી રહ્યો મા સાચવજે, જોજે જોજે ન લાગે એની જ્વાળ અંબા સાચવજે." હર ક્ષણે માતાજી જ આપણને સાચવતા હોય છે. માતાજીનું એક નામ શૈલપુત્રિ છે. આ નામ આપણને પ્રેરણા આપે છે કે વ્યક્તિએ પોતાની શ્રદ્ધા ક્યારેય ડગાવવી નહીં. એટલે જ તો કોઈ કવિએ લખ્યું છે કે, "પ્રયત્ન કરે જો માનવી તો પ્રભુ ક્યાં નથી મળતો, મળે છે કિંતુ શ્રદ્ધા વીના નથી મળતો. કાંતો તારી સાધનામાં કંઈક ખામી છે કારણ કે પ્રભુને તું મળે છે પ્રભુ તને નથી મળતો."
માતાજીનું બ્રહ્મચારીણી સ્વરૂપ આપણને તપનો મહિમા સમજાવવા માંગે છે. પણ તપના ઘણા બધા પ્રકારો છે. જેમકે તમે સ્વાધ્યાય કરો એ પણ તપસ્યા છે. વાણીનો વિવેક એ મોટામાં મોટું તપ છે. વાણી અને ઈન્દ્રિયો ઉપર સંયમ રાખવો એ આ બ્રહ્મચારીણી સ્વરૂપ આપણને કહેવા માંગે છે. તો માતાજીના નામોનો અનન્ય મહિમા છે. એટલે જ કવિઓએ કહ્યું કે, 'મહાદેવ વિષ્ણુ તમારો મહિમા વખાણે, ભવાની તણો પાર બ્રહ્માને પામે સદા યોગ યોગેશ્વરો ચિત્તરાજે ભજો શ્રી ભવાની સદાયે બીરાજે.' માતાજી મંદિરમાંતો છે જ પણ માતાજીનું અસલ સ્થાન એ ભક્તોના મનમંદિરમાં છે. માતાજી પાસે એક જ વસ્તુ માંગવી કે, 'હે માં એક સ્વરૂપે ભલે તમે મંદિરમાં રહો પણ બીજા સ્વરૂપે તમે મારા હૃદય મંદિરમાં બિરાજો.' મા જગદંબા આપ સૌના હૃદય મંદિરમાં બીરાજી કલ્યાણ કરે એ જ અભ્યર્થના સાથે અસ્તુ...
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી