શ્રીમદ્ ભગવદ્ગીતા જયંતી .
मासानां मार्गशीर्षः अहम् ' અર્થાત્ મહિનાઓમાં હું માર્ગશીર્ષ-માગશર છું. શ્રીમદ્ ભગવદ્ ગીતાના દશમાં અઘ્યાય 'વિભૂતિયોગ'માં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે માગશર સુદ અગિયારસ એટલે વિશ્વસાહિત્યના મુકુટમણિ સમા ગ્રન્થરત્ન 'ભગવદ્ ગીતા'ના મંગલ પૂજનનો દિવસ 'મોક્ષદા એકાદશી' તરીકે જાણીતા આ શુભ દિને કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં પાર્થ-અર્જુનને શ્રીકૃષ્ણે સાતસો જેટલા શ્લોકોમાં તત્ત્વજ્ઞાનસભર તથા સર્વગ્રાહી ઉપદેશ આપ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં કહે છે - 'गीता में हृदय पार्थ' અર્થાત્ હે અર્જુન ! ભગવદ્ ગીતા તો મારું હ્ય્દય છે. મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ વિરચિત 'મહાભારત'ના કુલ અઢાર પર્વોમાંથી છઠ્ઠા પર્વ 'ભીષ્મ પર્વ'ના પચીસમા અધ્યાયથી શરૂ કરી. બેતાલીસ સુધીના કુલ અઢાર અધ્યાયોને 'શ્રીમદભગવદ્ગીતા' એવું નામ આપવામાં આવ્યું છે. આ રીતે ગીતા 'મહાભારત' નો અન્તર્ગત ભાગ છે,
ભગવદ્ગીતાના પ્રથમ અધ્યાયમાં કુરુક્ષેત્રના સમરાંગણમાં મળેલા ઘૃતરાષ્ટ્રના અને પાંડુના પુત્રોની સેનાઓનું વર્ણન અને તેમના યુદ્ધોત્સાહ તથા તત્પરતાનું ચિત્રમય વર્ણન કરીને ગીતાકારે યુદ્ધના આવેગને જીવંત દર્શાવ્યો છે. આ વાતાવરણમાં અર્જુન પોતાની સામેની શત્રુસેનામાં યુદ્ધ કરવા માટે સજ્જ થઈને ઊભેલા સ્વજનોને જોઈને વિષાદ અનુભવે છે. યુદ્ધ કરવું કે ન કરવું તેવી દ્વિધાપૂર્ણ સ્થિતિમાં મૂકાયેલો 'धर्मसंमूढचेता :' અર્જુન પોતાના સખા, ગુરુ અને પથદર્શક સમા કૃષ્ણને એક નિશ્ચિત જવાબ આપવા, માર્ગદર્શન આપવા વિનંતી કરે છે.
બીજા અધ્યાયથી વિશ્વગુરુ શ્રીકૃષ્ણ દ્વારા આત્માની અમરતા અને દેહની નશ્વરતા, કર્મયોગનું મહત્વ, લોકસંગ્રહ, ભક્તિમાર્ગની શ્રેષ્ઠતા, જ્ઞાનમાર્ગ વગેરેનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને તે મોહમાંથી મુક્ત થાય છે. આમ ગીતા વિષાદથી પ્રસાદ તરફ પ્રસ્થાન કરવાનો ઉત્તમ માર્ગ છે.
ગીતા માત્ર યુદ્ધનું જ ગીત નથી, પણ જીવન સંગીત છે. ગીતામાં જે યુદ્ધની વાત છે તે ધર્મયુદ્ધ છે. યોગેશ્વર શ્રીકૃષ્ણે અર્જુનનો નિમિત્તે સમગ્ર માનવસમુદાયને જીવન જીવવાની કલા વિષેનું ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે. 'योगः कर्मसु कौशलम् ' દ્વારા કર્મમાર્ગની, 'न मे भक्त प्रणश्यति' દ્વારા ભક્તિમાર્ગની તથા न हि ज्ञानेन सद्दशं पवित्रमिह विधते'જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં કંઈ નથી' વગેરે વિધાનો દ્વારા કર્મમાર્ગ, ભક્તિમાર્ગ તથા જ્ઞાનમાર્ગનું મહત્વ દર્શાવ્યું છે. આમ ભગવદ્ ગીતાના દિવ્ય વિચારો વ્યક્તિ માટે સંજીવનીનું કાર્ય કરે છે.
સામાન્ય વ્યક્તિની પણ ભગવદ્ગીતા પ્રત્યેની આસ્થા કે શ્રધ્ધા એટલી બધી હોય છે કે કેટલાકને ગીતાના મોટાભાગના શ્લોકો કંઠસ્થ હોય છે. જ્યારે બીજા કેટલાંક તેનો બારમા અધ્યાયનું તથા પંદરમાં અધ્યાયનું નિયમિત રીતે પઠન કરે છે. આપણા પ્રાચીન વિદ્વાનો કે સંત-મહાત્માઓ વિશે જોઈએ તો સંત જ્ઞાનેશ્વરે પ્રસિદ્ધ જ્ઞાનેશ્વરી ગીતા લખી તથા લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધીજી, શ્રી અરવિંદ ઘોષ, શ્રી રાધાકૃષ્ણન, શ્રી વિનોબા ભાવે, શ્રી કિશોરલાલ મશરૂવાલા વગેરે અનેક જાણીતા જીવનવીરોએ ભગવદ્ ગીતાને જ પોતાના જીવન-દર્શનની આધારશિલા બનાવી છે.
ગીતા માત્ર ભારતમાં જ પ્રતિષ્ઠા પામી છે તેમ નથી. ગ્રીક, લેટિન, અંગ્રેજી, જર્મન વગેરે વિશ્વની અનેક ભાષાઓમાં ગીતાના ભાષાન્તરો થયાં છે. ગીતાના કુલ ૭૦૦ શ્લોકોમાંથી માત્ર એક શ્લોક ધૃતરાષ્ટ્રના મુખે ગવાયો છે. ૪૧ શ્લોકો ધૃતરાષ્ટ્રના સારથિ સંજય દ્વારા, ૮૪ શ્લોકો અર્જુન દ્વારા તથા ૫૭૪ શ્લોકો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગવાયા છે. આથી જ તેને ભગવદ્ કહેવાય છે. આ જ કારણે સમગ્ર 'શ્રીમદ ભગવદ્ગીતા'માં કોઈ પણ ઠેકાણે 'શ્રી કૃષ્ણ ઉવાચ' એવું કહ્યું નથી, પરંતુ વારંવાર 'श्री भगवान उवाच' એવું કહેવામાં આવ્યું છે. 'ભગવદ્ ગીતા' ભગવાન શ્રીકૃષ્ણના સ્વમુખે ઉદિત થયેલું ચૈતન્યનું અવિરત, અખંડ, અસ્ખલિત, સતત નિરંતર વહેતું ઝરણું છે હજારો વર્ષો વીતી ગયાં છે અને હજારો વર્ષો વીતી જશે. પરંતુ મહાભારતની મધ્યમાં પ્રકાશતો ભગવદ્ ગીતા નામનો રત્નદીપ સદાયે દેદીપ્યમાન તથા ઝળહળતો રહ્યો છે અને ચિરકાલપર્યન્ત સહુ મનુષ્યોને અમૂલ્ય માર્ગદર્શન આપતો રહેશે. આ રીતે વિશ્વના અત્યન્ત પ્રતિષ્ઠિત અને મૂલ્યવાન ગ્રન્થ 'ભગવદ્ ગીતા'ની જન્મજયંતીની ઉજવણીમાં આપણે સૌ અનેરા ઉત્સાહપૂર્વક ભેગાં મળીએ.
- ડૉ. યોગિની એચ. વ્યાસ