''શ્રીકૃષ્ણ ઉવાચ'' .
- સભાપર્વના 36 અધ્યાય અને વનપર્વના 12 અધ્યાય સુધી કૃષ્ણનું દર્શન આપણને થતું નથી. અને એમનું એકપણ વાક્ય આપણને સંભળાતું નથી. આમ છતાં એ પ્રભુની ઉપસ્થિતિ છે તેની નોંધ અવશ્ય લેવી જોઈએ
પાં ડવોનો રાજસૂયયજ્ઞા પૂર્ણ કરી પુરુષોત્તમ શ્રીકૃષ્ણ દ્વારકા પધાર્યા. આ કથા સભા પર્વના ૪૫મા અધ્યાયમાં છે. એ પછી પાંડવો દ્યુતમાં હાર્યા અને વનમાં ગયા ત્યાં સુધી એટલે સભાપર્વના ૩૬ અધ્યાય અને વનપર્વના ૧૨ અધ્યાય સુધી કૃષ્ણનું દર્શન આપણને થતું નથી. અને એમનું એકપણ વાક્ય આપણને સંભળાતું નથી. આમ છતાં એ પ્રભુની ઉપસ્થિતિ છે તેની નોંધ અવશ્ય લેવી જોઈએ.
દ્રૌપદીના વસ્ત્રાહરણનો પ્રસંગ સુવિદિત છે. ભગવાને એના વસ્ત્રો પૂર્યા એ વાત પણ જગ જાહેર છે. કૃષ્ણની આ જ વિશેષતા છે કે એ ગોપીઓનું વસ્ત્રાહરણ કરે અને દ્રૌપદીનું વસ્ત્રાવરણ કરે. અનેક વસ્ત્રોથી એને ઢાંકે. વિરુધ્ધ ધર્માશ્રયતા કેવળ કૃષ્ણમાં જ શોભે.
ભક્તિમાર્ગમાં પાંચભાવો મનાયા છે.
૧) વાત્સલ્યભાવ જેના આચાર્ય યશોદાજી છે.
૨) સખ્યભાવ જેના આચાર્ય અર્જુન છે.
૩) દાસ્યભાવ જેના આચાર્ય હનુમાનજી છે.
૪) કાન્તાભાવ અથવા મધુરભાવ જેના આચાર્ય ગોપીઓ કે માતા રાધા છે.
૫) શાંતભાવ- એના આચાર્ય શુકદેવજી મહારાજ મનાયા છે.
ગીતાના ચાર પ્રહારના ભક્તોમાં દ્રૌપદી 'આર્ત' ભક્ત છે. ત્યાં જિજ્ઞાાસુ પરીક્ષિત છે. અર્થાથી ધ્રુવ છે. અને જ્ઞાાનમાં વ્યાસ કે નારદ આવે.
આમ આર્તભક્ત અને સખ્યભાવથી દ્રૌપદી ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી છે. એ મહાભારતનાં વસ્ત્રાહરણ પ્રસંગે સ્પષ્ટ કહે છે કે
कथं हि भार्या पाडूनां पार्षस्य चस्वसा ज्ञती ।
वासुदेवस्य च सखी पाथिवानां समामियाम् ।।
- મહા.સભા.૬૯-૧૦
પાંડુરાજાના પુત્રોની (પાંડવો)ની પત્ની, ધૃષ્ટદ્યુમ્નની બહેન અને વાસુદેવની સખી એવી હું રાજાઓની સભામાં કેવી રીતે આવું ?
એણે બીજું ઘણું કહ્યું છે. આપણે માટે તો 'वासुदेवस्य च सखी' અહીં મહત્ત્વનું છે. પોતે મુશ્કેલીમાં આવી ત્યારે એ વાસુદેવ કૃષ્ણને યાદ કરે છે. કારણ એ એના સખા છે અને પોતે એની સખી છે. અન્યત્ર પણ कृष्णस्य च प्रिया सखीપોતે શ્રીકૃષ્ણની પ્રિય સખી છે. એમ ગણાવે છે. ધ્યાન રહે ભગવાન કૃષ્ણે પણ 'સખા' હોઈ પોતાની ફરજ બજાવી છે. એનું વસ્ત્રાવરણ કર્યું છે ? એની લાજ જતી અટકાવી છે.
આ માટે સંતોમાં પ્રચલિત કથા છે કે એકવાર શ્રીકૃષ્ણ પોતાની પટરાણીઓ સાથે બેઠા હતા. દ્રૌપદી પણ ઉપસ્થિત હતા. ભગવાન સૂડી લઈને સોપારી કાપતા હતા. અચાનક બે ધ્યાન થયા (કહોને લીલા કહો !) એમની આંગળી સૂડીની વચ્ચે આવી ગઈ અને કપાઈ ગઈ. લોહીની ધારા વહેવા માડી. સત્યભામા વગેરે રાણીઓ પાટોલાવો રૂ લાવો એમ બોલવા માંડી. ત્યાં દ્રૌપદીએ તરત પોતાની મોંઘી સાડીનો પાલવ હાથમાં લીધો. એમાંથી પાટા જેટલું કાપડ ફાડયું અને શ્રીકૃષ્ણની આંગળી ઉપર બાંધી દીધું.
એક આપો તો હજાર એવો શ્રીકૃષ્ણનો ધારો છે. એમણે પછી બાગમાં જઈને એકાંતમાં બેસીને પેલા પાટાને ખોલીને એના તાંતણા ગણ્યા કહે છે એ ૯૯૯ થયા અને પ્રભુએ એક તાંતણાના બદલામાં એક એક સાડી એમ ૯૯૯ સાડીઓ દ્રૌપદીને આપી અને જાણે કે એનું ઋણ ચૂકવ્યું. કથા કદાચ પાછળથી ઉપજાવી કાઢેલી લાગે પણ એનો ઉપદેશ આવશ્ય ગ્રાહ્ય છે કે પ્રભુને જો તમે પ્રેમથી અર્પણ કરશો તો પ્રભુ એકના હજાર કરીને તમને આપશે. 'કોઈનું ઋણ ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી.'
દ્રૌપદી પ્રસંગને કારણે મારા હૃદયમાં પ્રભુ પ્રત્યેની લાગણી સવિશેષ પાંગળી છે. એકવાર વિશ્વસંસ્કૃત સંમેલન માં હું યુરોપમાં વિયેનામાં હતો. ત્યાં લગભગ વિશ્વના ૮૧ દેશોના પ્રતિનિધિઓ હતા. અમે એક ટેબલ ઉપર ચા પીતા હતા. ત્યાં સામે એક પાદરી જે અમેરિકાથી આવ્યા હતા તે પણ ચા પીતા હતા. વાતમાંને વાતમાં જાણવા મળ્યું હતું કે એ સંસ્કૃતના ઉચ્ચકોટિના વિદ્વાન હતા. તેઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢારે અધ્યાય કંઠસ્થ હતા.
એ ફાધરે ત્યાં વાર્તાલાપમાં કહ્યું કે ભારતમાં સ્ત્રી અને પુરુષની મૈત્રી જેવું કાંઈ નથી. જે અમારી સંસ્કૃતિમાં છે. મારાથી ન રહેવાયું મેં તરત કહ્યું, 'ભાઈ દ્રૌપદી અને કૃષ્ણની મૈત્રીનું શું ? દ્રૌપદી સ્વયં કહે છે કે હું તો कृष्णास्य च प्रिया सखी ૯ am most beloved friend is krishna. એ ભાઈ કહો, ' આ તો કેવળ એક જ ઉદાહરણ છે. મે કહ્યું - एवमः र्चेन्ः तमो हन्ति । એક જ ચંદ્ર અંધકારનો નાશ કરે છે. આ એક ઉદાહરણ આપના માટે પર્યાપ્ત ઉત્તર છે.
- ગૌતમ પટેલ