શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જીવન સંદેશ- સત્સંગ જીવમાં ઉતારજો
- ખરા અર્થમાં સૌ કોઈ સત્સંગ કરે તેવી શ્રીજીમહારાજની અંતરની ઇચ્છા હતી. તો આપણે ખરા અર્થમાં સત્સંગ કરવો જોઈએ. આપણામાં અંતરમાં રહેલા જે દોષો છે તે નાશ પામે તો જ ખરા અર્થમાં સત્સંગ કર્યો કહેવાય.
(જેઠ સુદ દશમ-૧૯૨મો અંતધર્નોત્સવ દિન)
પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છપૈયાની ધીંગી ધરા ઉપર પ્રગટ થયા. અનેક બાળલીલાઓ કરી ૭ વર્ષ વનવિચરણ કર્યું. રામાનંદસ્વામી પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી, સંપ્રદાયની ધર્મધુંરા સંભાળી, અનેક સંતો અને સત્સંગીઓ બનાવ્યા, મંદિરો સ્થાપ્યા. અનેક શાસ્ત્રોની રચના કરી. આવા અનેક મહાન કાર્યો માત્ર ૪૯ વર્ષના ટૂંકા સમય ગાળામાં કરી અને સ્વધામ ગમન કર્યું. તેઓ પૃથ્વી ઉપરથી અંતર્ધાન થયા. તેને જેઠ સુદ દશમના રોજ ૧૯૨ વર્ષ પૂર્ણ થશે.શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાનું સમગ્ર જીવન જનસમાજના ઉત્થાન માટે અને અનેક માણસોને ખરા અર્થમાં માનવી બનાવી તેનું ઘડતર કરવા વીતાવ્યું છે. શ્રીજીમહારાજે તૈયાર કરાવેલા વચનામૃત-શિક્ષાપત્રી આદિ ગ્રંથોમાંથી અનેક સદ્ઉપદેશ આપણને આજે પણ જાણવા મળે છે. પરંતુ તેની ઋચિ શું હતી ? તે પોતાના સંતો અને હરિભક્તો પાસે શું કરાવવા માંગતા હતા ? તેમનો મુખ્યત્વે જીવન સંદેશ શું હતો ? તે આપણે સૌ એ જાણવા જેવો છે અને જીવનમાં ઉતારવા જેવો છે.
ખરા અર્થમાં સૌ કોઈ સત્સંગ કરે તેવી શ્રીજીમહારાજની અંતરની ઇચ્છા હતી. તો આપણે ખરા અર્થમાં સત્સંગ કરવો જોઈએ. પરંતુ ખરા અર્થમાં સત્સંગ ક્યારે કર્યો કહેવાય ? તો આપણામાં અંતરમાં રહેલા જે દોષો છે તે નાશ પામે તો જ ખરા અર્થમાં સત્સંગ કર્યો કહેવાય.
આપણે ખરા અર્થમાં સત્સંગ કરી છીએ ?
ખરા અર્થમાં સત્સંગ કરીએ છીએ કે નહિ ? તે સમજવા માટે આ એક પ્રસંગ શાંતચિત્તે વાંચીએ અને વિચારીએ. એક નદીના કિનારે એક સંત ધ્યાન કરતા હતા. એક ભાઈ સંત પાસે આવીને ઘણીવાર સુધી બેઠા. પછી સંત ધ્યાનમાંથી જાગ્યા. સંતને ધ્યાનમાંથી જાગેલા જોયા એટલે પેલા માણસે સંતને પ્રાર્થના કરી કે,' હે સ્વામીજી ! હું બહુ ગરીબ છું. મારું દારિદ્ર ટાળો ?' સંતે તેને કહ્યું,' આ વૃક્ષની પોલમાં એક પારસમણી પડયો છે તે તું લઈ જા. તેને લોખંડને અડાડીશ તો લોખંડ સુવર્ણ બની જશે.'
પેલો માણસ રાજી રાજી થતો ઘરે ગયો. પોતે પહેલા તેલનો વેપાર કરતો હતો. ધંધામા ખોટ આવેલી એટલે ધંધો બંધ પડેલો અને તેલની લોખંડની ખાલી કોઠી એક ખૂણામાં મૂકેલી હતી. ઘરે આવી આણે પેલો પારસમણી ઉપરથી કોઠીમાં નાખી દીધો. થોડીવાર રાહ જોઈ પણ કોઠી સોનાની ન બની એટલે પાછો સંત પાસે ગયો અને કહ્યું કે,' મેં તમે કહ્યું તેમ કર્યુ પણ લોખંડનું સોનું થયું નહીં.' સંત કહે, ચાલ હું સાથે આવું, તે પારસમણી ક્યાં નાંખ્યો છે તે મને બતાવ.
સંત તેમની સાથે તેને ઘેર ગયા. નીસરણી મૂકીને કોઠીમાં જોયું તો અંદર એટલા બધા કરોળિયાના ઝાળાં જામી ગયેલા કે પારસમણી તે ઝાળામાં જ લટકતો હતો. લોઢાને અડેલો નહીં એટલે ક્યાંથી સોનું થાય ? કોઠી સાફ કરાવી અને પછી પારસમણી અંદર નાખ્યો કે આખી કોઠી સોનાની થઈ ગઈ.
આ જીવ સત્સંગ તો કરે છે પણ પારસમણી જેવા તે સત્સંગના શબ્દો જીવમાં ખરી રીતે ઉતરતો જ નથી. કારણકે હૃદયમાં જામેલા કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ વગેરે દોષોના ઝાળા લટકી રહ્યાં છે. તેથી જ કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી તેમના ઉપદેશ દરમ્યાન કીર્તનની પંક્તિ ગાતા હતા કે, લોઢું કંચન થઈ જાય. સંતોના સંગમાં.'
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ