શ્રીકૃષ્ણનો જન્મોત્સવ : સમગ્ર બ્રહ્માંડમાં આઠેય પ્રહર આનંદ છવાયો

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
શ્રીકૃષ્ણનો જન્મોત્સવ : સમગ્ર બ્રહ્માંડમાં આઠેય પ્રહર આનંદ છવાયો 1 - image


- શ્રી દ્વારકેશલાલજી મહારાજ

- રસબ્રહ્મ રસરાજશેખર નંદનંદનના પ્રાગટયનો રોમાંચપૂર્ણ આહલાદક ઉત્સવ એટલે નંદ મહોત્સવ. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા સાથે જીવાત્માના મિલનની અધિદૈવિક રસાનંદની પ્રાપ્તિનો ઉત્સવ એટલે નંદ મહોત્સવ.

વસુદેવસુતં દેવં કંસ ચાણુરર્મદનમ્ ।

દેવકી પરમાનન્દં કૃષ્ણં વન્દે જગદ્ગુરુમ્ ।।

શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના રોજ શ્રી વાસુદેવજી અને માતા દેવકીજીના ત્યાં કંસના કારાગારમાં થયો હતો. તેથી તેમના જન્મ દિવસની ઉજવણી જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણનો અવતાર ભગવાન શ્રી વિષ્ણુએ ધારણ કરેલા મુખ્ય દસ અવતારોમાંથી એક છે. શ્રી કૃષ્ણ અવતાર વૈવસ્વત મન્વંતરના અઠ્ઠાવીસમાં દ્વાપરમાં માતા દેવકીના પુત્રરૂપે મથુરામાં કંસના કારાગૃહમાં થયો છે. આપ માતા પિતાના આઠમાં સંતાન તરીકે જન્મ લીધો હતો. આપના જન્મ લીધાની સાથે જ માતાપિતાના હાથકડી, બેડીઓ છૂટા પડી ગયા હતા અને કારાગૃહના તમામ સિપાહીઓ ગહેરી નિદ્રામાં સુઈ ગયા હતા. જન્મની સાથે જ તેઓને એક ટોકરીમાં મુકી માથે પધરાવી શ્રી વાસુદેવજી ગોકુળમાં વસતા નંદબાવા અને માતા જશોદાજીના ઘરે નંદાલયમાં મુકી આવ્યા હતા ગોકુળમાં તેઓએ શ્રી બાલકૃષ્ણના રૂપે જન્મ થયાની વાત આખા વ્રજમંડળમાં પ્રસરી ગઈ તેથી બધા જ વ્રજવાસીઓ વ્રજભક્તો પ્રફુલ્લીત થઈ નંદ મહોત્સવ ઉજવવા લાગ્યા.

રસબ્રહ્મ રસરાજશેખર નંદનંદનના પ્રાગટયનો રોમાંચપૂર્ણ આહલાદક ઉત્સવ એટલે નંદ મહોત્સવ. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા સાથે જીવાત્માના મિલનની અધિદૈવિક રસાનંદની પ્રાપ્તિનો ઉત્સવ એટલે નંદ મહોત્સવ. આથી જ તો આવા અદ્ભુત, અલૌકિક- અનુભૂતિપ્રદ દર્શન માટે દેવી-દેવતાઓ પણ ગ્વાલબાલ- વ્રજાંગનાઓ તેમજ અનેકવિધ સ્વરૂપ ધારણ કરી વ્રજમાં વિચરણ કરે છે.

શ્રી પ્રભુના પ્રાગટય સમયે સમગ્ર બ્રહ્માંડ આનંદમય થઈ ગયું. પ્રકૃતિ પ્રફુલ્લિત થઈ ગઈ. વૃક્ષ- લતા- પતા કર્ણપ્રિય મધુર સ્વરો ઉત્પન્ન કરી ઝૂમવા લાગ્યા, ગાયો પણ ભાંભરીને આનંદ પ્રદર્શિત કરવા લાગી. અંતરિક્ષ પણ ઝળાહળા થઈ ગયું. સમસ્ત જડ- ચેતન પદાર્થમાં સર્વત્ર આનંદ આનંદ વ્યાપી રહ્યો.

શ્રી પ્રભુ પ્રાગટયથી ભાવવિભોર બની યક્ષ- કિન્નર- ગાંધર્વ- અપ્સરા- વિદ્યાધર સર્વે મનોહારી નૃત્ય સાથે મંગલગાન કરવા લાગ્યા. મંગલ વેદ ધ્વનિ થવા લાગી. દેવી- દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. અખિલ બ્રહ્માંડનો પાલનહાર નંદજીના આંગણે બાલક સ્વરૂપે પલનામાં ઝૂલી રહ્યો છે. શ્રી નંદરાયજીએ નવજાત બાલકના જાતકર્મ સંસ્કાર વિદ્વાન બ્રાહ્મણો પાસે કરાવી સર્વે બ્રાહ્મણોને વસ્ત્ર આભૂષણોથી અલંકૃત બે લાખ ગાયો દાનમાં આપી તથા રત્નની દક્ષિણા સહિતના સાત તલના પર્વતો દાનમાં આપ્યા. સૂત માગધ બંદીજન સર્વે મંગલ આશિષ પ્રદાન કરી રહ્યાં છે.

વ્રજવાસીઓના આનંદની કોઈ સીમા નથી. ચિત્ર- વિચિત્ર ધ્વજા- પતાકા- પુષ્પમાળા- વસ્ત્ર- વંદનવારથી ભવનો શણગાર્યા છે. ગોપ-ગ્વાલ કિંમતી વસ્ત્રો- ઘરેણાં પહેરી દૂધ- દહીની કાવડો સાથે ગાય તથા વાછરડાને હળદર તેલનો લેપ લગાવી ગેરૂ રંગથી શીંગડા રંગી મસ્તક ઉપર મોરપંખ ધરાવી પગમાં ઘૂંઘર તથા ગળામાં સોનાની સાંકળવાળી ઘુંઘરમાળ પહેરાવી રંગબેરંગી વસ્ત્રો પહેરાવી ભેરી- દુદુંભી વગાડતા, વગાડતા નંદ ભવનમાં આવી રહ્યા છે. વ્રજસીમંતીનીઓ મંગલ વધામણા 'ચિરંજીયો ગોપાલ...' ગાઈ શુભાશિષ આપી રહ્યા છે.

શ્વેત વસ્ત્રધારી બ્રાહ્મણોને નંદદ્વારે- કલશ- અશોકવૃક્ષના પર્ણ લઈને બુલંદ સ્વરે વેદ-મંત્રોચ્ચાર કરી દઘિરોચન દ્વારા સ્વસ્તી વાચન કરતા જોઈ ગ્વાલ બાલો પણ ઉત્સાહમગ્ન થઈ દૂધ- દહીંની ગાગર શ્રી નંદરાયજીના શીશ પર ઢોળી તથા પરસ્પર દહી નાંખી નૃત્ય કરવા લાગ્યા. આવી અદ્ભુત લીલાના દર્શન કરી અષ્ટ સખાએ કિર્તન કર્યા- આંગન નંદ કે દધિ કાદો... તથા હે રી હૈ આજ વ્રજરાય કે આનંદ ભયો...       


Google NewsGoogle News