Get The App

શ્રી કૃષ્ણ અને સત્ય-અસત્ય .

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
શ્રી કૃષ્ણ અને સત્ય-અસત્ય                                      . 1 - image


- "હે તપસ્વી, અમે સાંભળ્યું છે કે તમે સત્યવાદી છો. ખોટું બોલતા નથી. મહેરબાની કરીને અમને એટલું કહો કે અહીંથી પસાર થયેલા એ લોકો ક્યાં ગયા ?"

મ હાભારતના કર્ણપર્વમાં એક કથા આવે છે. બે નદીઓના સંગમ સ્થાન પર કૌશિક નામનો એક બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતો હતો. તે તેનું જીવન શાસ્ત્રમાં કરેલી આજ્ઞા પ્રમાણે જીવતો. તે ચુસ્ત સત્યવાદી હતો અસત્યનું તેના જીવનમાં કોઈ સ્થાન નહોતું. એકવાર તે આશ્રમમાં બેઠો હતો ત્યારે ગભરાયેલા બે ચાર લોકો દોડતા દોડતા આવ્યા અને ભયભીત દશામાં ઝાડીઓ પાછળ સંતાઈ ગયા. થોડીવાર પછી તેમની પાછળ પડેલા ડાકૂઓ ત્યાં આવ્યા. તેમણે બ્રાહ્મણને કહ્યું "હે તપસ્વી, અમે સાંભળ્યું છે કે તમે સત્યવાદી છો. ખોટું બોલતા નથી. મહેરબાની કરીને અમને એટલું કહો કે અહીંથી પસાર થયેલા એ લોકો ક્યાં ગયા?" ડાકૂઓએ બ્રાહ્મણનું મન વિચલિત કરી નાખ્યું. જો ડાકૂઓને ખોટું કહે તો અસત્ય બોલવાનું 'પાપ' લાગે. સત્ય જ તપ છે. સત્ય જ ન્યાય છે. સત્ય જ પરમાત્મા છે. સત્ય કઈ રીતે છોડાય ? તેણે સાચે સાચું કહી દીધું. "હા, એ લોકો આ બાજુની ઝાડીઓ પાછળ સંતાઈ ગયા છે." બ્રાહ્મણે ફક્ત આંગળી ચીંધીને સંકેત કર્યો અને પલકવારમાં સત્ય કહેવાના દુષ્પરિણામ રૂપે ડાકૂઓએ તેમના પ્રાણ લઈ લીધા. કૌશિક બ્રાહ્મણને સત્યનું જ્ઞાન જરૂર હતું પણ હિત-અહિતનો વિવેક નહોતો. તે કોરેકોરો સત્યવાદી હતો. વેદવ્યાસજી મહાભારતમાં લખે છે કે કૌશિક બ્રાહ્મણના સત્યએ અધર્મ અને અન્યાયને પ્રોત્સાહન આપ્યું એટલે તેને નરકમાં જવું પડયું.

જર્મનીમાં એક કહેવત છે. Truth ill-timed is as bad as lie. ખોટા સમયે કહેલું સત્ય પણ એક જુઠની માફક ખરાબ જ હોય છે. સત્યનું પાલન સદાચાર તરફ લઈ જનારૃં હોવું જોઈએ. કારણ કે સદાચાર જ જીવનને ઉન્નત બનાવી ઈશ્વર તરફ લઈ જાય છે. સત્ય ફૂલ જેવું નાજુક હોય છે. ભલે તે ચૂંથાય કે કરમાય તેની સુગંધ કાયમ રહે છે.

મહાભારતના આશ્વમેધિક પર્વમાં એક પ્રસંગ છે. વેર અને ઈર્ષાથી ભરેલા અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતને મારવા બ્રહ્માસ્ત્ર છોડયું ત્યારે શ્રીકૃષ્ણે ઉત્તરાને આશ્વાસન આપ્યું હતું. અને હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા કરેલી. (મહા.આ. ૬૯/૧૭) "પ્રતિજજ્ઞો ચ દાશાર્હસ્તસ્ય... "જિંદગીમાં હું જુઠ્ઠું બોલ્યો નથી રણમેદાનમાંથી નાસી ગયો નથી. જો આ 'સત્ય' હોય તો ઉત્તરાના ગર્ભનું બાળક જીવતું થયું. આપણે સૌ જાણીએ છીએ કે શ્રીકૃષ્ણ ઘણા પ્રસંગોમાં ખોટું બોલ્યા હતા કે ખોટું બોલાવડાવ્યું હતું. પરંતુ શ્રીકૃષ્ણને સત્ય, અસત્ય કરતાં ધર્મ રક્ષાની વધારે પરવા હતી. તેમનું પ્રાકટય જ ધર્મરક્ષા માટે થયું હતું.

શ્રીકૃષ્ણ દ્રોણાચાર્યને મારવા યુધિષ્ઠિર જેવા ધર્માત્મા પાસે પણ અસત્ય બોલાવે છે. તે યુધિષ્ઠિરને કહે છે. કુરૂક્ષેત્રમાં થતા આ ભયંકર સંહારમાંથી પાંડવ સેનાને બચાવવી હોય તો "અશ્વત્થામા હતઃ" એવી ઘોષણા કરો. યુધિષ્ઠિરે કમને એવી ઘોષણા કરી પણ તેમનું મન માન્યું નહિ એટલે ધીમા અવાજે બોલ્યા "નરોવા કુંજરોવા" છતાં યુધિષ્ઠિરની વાણી અસત્ય ઉચ્ચારેલા શબ્દોથી વટલાઈ ગઈ તેનો ડંખ એમને કાયમ રહ્યો.

વિષ્ણુ પુરાણમાં (૩-૧૨-૪૩)માં કહ્યું છે. "તસ્માત્ સત્યં વેદ..." આપણે એવું જ સત્ય બોલવું જોઈએ જે બીજાની પ્રસન્નતા અને સુખનું કારણ બને. જે સત્ય બોલીને બીજાને દુઃખ થાય એવા સત્ય બાબતે બુદ્ધિમાન વ્યક્તિએ મૌન રહેવું જોઈએ. શ્રીકૃષ્ણના સત્ય-અસત્યનો બીજો એક પ્રસંગ મહાભારતમાં છે. જરાસંઘ મહાન સમ્રાટ હતો. તેના સમગ્ર પ્રભાવનું મૂળ તેના બે સેનાપતિ હતા. હંસ અને ડિંભક આ બન્ને જરાસંઘના મજબૂત હાથ હતા. હંસ અને ડિંભક જબરજસ્ત મિત્રો હતા. તેમની મિત્રતા નિઃસ્વાર્થી અને નિખાલસ હતી. શ્રીકૃષ્ણએ તેમની મિત્રતા તોડાવી. તેમણે એક બનાવટી હંસ માર્યો અને એવી અફવા ફેલાવી કે હંસ મરી ગયો. આ વાત સાંભળતાં જ ડિંભક હતાશ થઈ ગયો અને ભાવાનેશનમાં યમુના નદીમાં કૂદીને આત્મહત્યા કરી. હવે શ્રીકૃષ્ણ હંસ પાસે ગયા. તેેને ઉશ્કેર્યો. "તું કેવો મિત્ર છે ? તારા મિત્ર ડિંભકે તારા મરવાની અફવા સાંભળીને નદીમાં કૂદકો મારી આત્મહત્યા કરી નાખી અને તું... તારા લીધે તારો મિત્ર મર્યો છતાં તને કંઈ જ થતું નથી. સહેજે લાગણી થતી નથી ? આવા મિત્ર વગર તું કેવી રીતે જીવે છે ? શ્રીકૃષ્ણના આવા કટાક્ષમય શબ્દો સાંભળી હંસ પણ યમુના નદીમાં કૂદીને મરણ પામ્યો. આમ ચાલાકીથી શ્રીકૃષ્ણએ જરાસંઘનું સામર્થ્ય ખલાસ કરી નાખ્યું. જરાસંઘને જાણે શક્તિ વગરનો કરી નાખ્યો.

શ્રીકૃષ્ણએ જીવનભર સત્યનો જ સાથ આપ્યો હતો. પણ અસત્ય કે અધર્મ તેમની સામે આવ્યા ત્યારે તે બેસી રહ્યા નહોતા. તેમણે સામનો કર્યો હતો. તે વખતે તેમણે સત્ય-અસત્યનો નહિ ધર્મ-બચાવનો જ વિચાર કર્યો હતો. આવા તો ઘણા પ્રસંગે શ્રી કૃષ્ણ દેખીતી રીતે મિથ્યા વાકયો બોલ્યા હતા. પણ તેમનો હેતુ ધર્મની સ્થાપના કરવાનો હતો.

આપણે અધર્મ રોકવા જ અસત્યનો ઉપયોગ કરી શકીએ. સત્યનો તરાપો જો સામે પાર લઈ જતો હોય તો અસત્યની હોડીમાં બેસવાની શી જરૂર.

 - સુરેન્દ્ર શાહ


Google NewsGoogle News