સંસ્કૃત સાહિત્યમાં શિવતત્ત્વ
- રાજા પ્રજાના હિત માટે પ્રવૃત્તિ કરો. વિદ્યામાં શ્રેષ્ઠ જનોની વાણી સત્કાર પામો. સર્વવ્યાપી શક્તિવાળા સ્વયંભૂ ભગવાન શંકર મારા પર પુનર્જન્મનો અંત લાવો
ઉમા-પાર્વતીના સ્વામી, જગતની ઉત્પત્તિના કારણસ્વરૂપ, સર્પનાં આભૂષણો પહેરનાર, મૃગચર્મધારી, પ્રાણીઓના સ્વામી, સૂર્ય-ચન્દ્ર અને અગ્નિરૂપ ત્રણ નયનવાળા, વિષ્ણુના પ્રિય, ભક્તજનોના આશ્રયસ્વરૂપ એ વરદાન આપના ભગવાન શિવને હું વંદન કરું છે.
માનવજીવનના ઉદ્ગમકાળથી જ અનેક પ્રકારની અનિશ્ચિતતાઓ અને સંતાપોની વચ્ચે જીવતો મનુષ્ય કોઈને કોઈ સ્વરૂપે દૈવી તત્ત્વની ઉપાસના કરતો રહ્યો છે. ભક્તિનો સંબંધ મનુષ્યના હૃદય સાથે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી પ્રાચીન અને સનાતન દેવ તરીકે દેવાધિદેવ મહાદેવની ગણના થાય છે. સંસ્કૃત વાઙ્મયના પ્રાય: મોટાભાગના ગ્રન્થોમાં શિવમહિમાનું ગાન કરવામાં આવ્યું છે. વૈદિક યુગમાં જોઈશું તો ઋગ્વેદમાં રુદ્રના નામનો ઉલ્લેખ કુલ ૭૫ વાર થયો છે. ભારતીય વ્યુત્પત્તિની દ્રષ્ટિએ રુદ્ ધાતુ (રડવું, ક્રન્દન કરવું) ઉપરથી રુદ્ શબ્દની વ્યુતત્તિ બતાવવામાં આવે છે. ઋગ્વેદના સાતમા મંડળમાં રુદ્રનું દૃઢ ધનુષવાળા, શીઘ્રગામી બાણવાળા, અપરાજેય તથા તીક્ષ્ણ આયુધવાળા દેવ તરીકેનું વર્ણન જોવા મળે છે. શુકલ યજુર્વેદના 'શતરુદ્રિય' અધ્યાયમાં રુદ્ર દેવતાને પ્રસન્ન કરવા માટેના મંત્રો આવેલા છે. તૈત્તિરીય સંહિતામાં અગ્નિના વિશેષણ તરીકે 'રુદ્ર' શબ્દનો પ્રયોગ થયો છે. 'શતપથ બ્રાહ્મણ'માં અગ્નિનાં જે આઠ નામો દર્શાવ્યા છે. જેમ કે ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, અશનિ, મહાદેવ અને અગ્નિ - તેમાં એક 'રુદ્ર'ની પણ ગણતરી છે.
શ્વેતાશ્વતર ઉપનિષદ (૪-૧૪)માં કહ્યું છે કે વિશ્વરૂપ પ્રપંચની વચ્ચે રહેલા, સૂક્ષ્માતિસૂક્ષ્મ, અનેક રૂપોને ધારણ કરનાર, વિશ્વના સ્રષ્ટા તથા વિશ્વને વ્યાપીને રહેલા શિવને જાણીને જીવ પરમ શાંતિ પામે છે. શિવનું અત્યધિક સૂક્ષ્મત્વ દર્શાવવા માટે તેમને धृतात्परम् (ઘીની ઉપર રહેતા તેના સારભાગ જેવા)ની ઉપમા આપી છે. આ પછી ગૃહ્યસૂત્રોમાં થયેલા 'રુદ્ર' વિશે જોતાં આશ્વલાયન ગૃહ્યસૂત્ર, પારસ્કર ગૃહ્યસૂત્ર તથા માનવગૃહ્યસૂત્રમાં રુદ્રની પૂજા માટે બતાવેલી 'शूलगव' નામની વિધિનો ઉલ્લેખ જોવા મળેે છે. સોમદેવકૃત 'કથાસરિત્સાગર અને ક્ષેમેન્દ્રકૃત 'બૃહત્કથામંજરી' પ્રમાણે મહાન વૈયાકરણ પાણિનિ મંદબુદ્ધિ યુવાન હતા. શિવજીની આરાધના કરીને તેમણે જ્ઞાાન પ્રાપ્ત કર્યું. દક્ષિણ ભારતમાં પ્રચલિત દંતકથા પ્રમાણે શિવજીના લગ્નસમયે પાણિનિ અને અગસ્ત્ય જમણી અને ડાબી બાજુએ બેઠા હતા. મહર્ષિ પાણિનિને તેમણે શિવસૂત્રો આપ્યાં અને અગસ્ત્યને તામિલ વ્યાકરણ આપ્યું. નંદિકેશ્વરકૃત 'કાશિકા'માંના પ્રસિદ્ધ શ્લોક 'नृतावसाने...' અનુસાર નૃત્ય સમાપ્ત થતા નટરાજે (શિવે) ચૌદ વખત ડમરુ વગાડયું. એ ચૌદ ધ્વનિઓ એટલે શિવસૂત્રોનો સમૂહ.
ભારત દેશના બન્ને આર્ષ મહાકાવ્યો મહર્ષિ વાલ્મીકિકૃત 'રામાયણ' અને મહર્ષિ કૃષ્ણ દ્વૈપત્યન વ્યાસકૃત 'મહાભારત'માં શિવનું સૌમ્ય સ્વરૂપ જોવા મળે છે. જેમકે 'રામાયણ'માં વિશ્વામિત્ર ઋષિને ભગવાન શિવ દ્વારા દિવ્યાસ્ત્રોની પ્રાપ્તિ, સીતા-સ્વયંવર પ્રસંગે શિવ-ધનુષ ભંગ પ્રસંગ, વનનિવાસ દરમ્યાન શ્રીરામે કરેલી શિવ-સ્તુતિ, રાવણના વધ પછી અન્ય દેવતાઓ સહિત શિવજીનું રામ સમક્ષ પ્રગટ થવું - આમ અનેક વખત શિવનું દર્શન થાય છે. મહાભારતમાં વનપર્વ, દ્રોણપર્વ અને કર્ણપર્વમાં શિવ વરદાયી દેવતાના રૂપમાં જોવા મળે છે.
સાહિત્યની વાત કરીએ તો મહાકવિ કાલિદાસના માલવિકાગ્નિમિત્ર, વિક્રમોર્વશીય અને અભિજ્ઞાાન શાકુન્તલ એ ત્રણેય નાટકોના આરંભમાં મંગલશ્લોકમાં શિવજીની સ્તુતિ કરવામાં આવી છે. અભિજ્ઞાાન શાકુન્તલ નાટકનો પ્રારંભ શંકરની સ્તુતિથી થાય છે અને શિવને જ કરવામાં આવેલી પ્રાર્થનામાં તે સમાપ્ત થાય છે. નાટકના અંતિમ શ્લોક ગણાતા 'ભરતવાક્ય'માં કવિએ 'શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે' નો મંગલ ઉદ્ઘોષ કર્યો છે.
प्रवर्ततां प्रकृतिहिताय पार्थिवः
सरस्वती श्रुतिमहतां महीयताम् ।
ममापि च क्षपयतु नीललोहितः
पुनर्भचं परिगतशक्तिरात्मभूं ।।
અર્થાત્ રાજા પ્રજાના હિત માટે પ્રવૃત્તિ કરો. વિદ્યામાં શ્રેષ્ઠ જનોની વાણી સત્કાર પામો. સર્વવ્યાપી શક્તિવાળા સ્વયંભૂ ભગવાન શંકર મારા પર પુનર્જન્મનો અંત લાવો.
કાલિદાસે 'રઘુવંશ', 'કુમારસંભવમ્' તથા 'મેઘદૂત'માં પણ ભગવાન શિવની કરેલી ભાવસભર સ્તુતિ નોંધપાત્ર છે.
- પ્રો. ડો. યોગિની વ્યાસ