નિષ્કામ ભક્તિ .
આપણી નિષ્કામ ભક્તિ હશે તો પ્રભુ જરૂર દર્શન આપશે. ગોપીઓ, મીરા, શબરી જેવી નિષ્કામ પ્રેમા ભક્તિ બાહ્ય આડંબર વિના કરીશું તો શબરીના ઝૂંપડીઓ રામે દર્શન આપ્યા. મીરાના જીવન ચરિત્ર નિહાળો, કેટકેટલી વિટંબણાણો જીવનમાં તેની કસોટી કરી પણ મીરા પોતાની ભક્તિમાં અડગ રહી મૂર્તિમાં સમાઈ ગયા. સંત તુકારામ કહે છે, "હે વિઠ્ઠલનાથ ! ભલે મને ભોજન ન મળે, પણ ચોવીસ કલાકમાં એક ક્ષણ મને તમારાથી અલગ ન કરશો." ગોપીઓ, મીરા જેવી નિષ્કામ ભક્તિ કેળવી શું તો જરૂર પ્રભુ દર્શન આપશે, સ્વાર્થ રહિત, કામના રહિત, માગણી વિના નિસ્વાર્થથી કરીશું તો આપણી ભક્તિ પ્રભુ સ્વિકારશે જ. ગોપીઓ સતત નામ સ્મરણ, પ્રેમાભક્તિમાં દ્રવિભૂત હતી જે પોતાના રોજીંદા કામો પણ રેઢીયાળ થતા હતા, બસ કૃષ્ણ, શ્રી કૃષ્ણ.
ભાગવતગ્રંથમાં શ્રી કૃષ્ણ-ગોપીઓનું દૃષ્ટાંત આવે છે, હા ભગવાન ચોક્કસ ભક્તોની કસોટી કરે છે, પણ આપણે આપણી નિષ્ઠામાં કેટલા પરિપૂર્ણ છીએ તે જોવું જોઈએ પ્રિયજન. એક સમયે શ્રી કૃષ્ણ બિમાર પડવાની લીલા કરે છે. કોઈ દવા, ઔષધ, વૈદ, હકીમ બધા નિષ્ફળ નીવડે છે ને પ્રભુની તબીયત વધારે બગડતી જાય છે. ત્યારે પ્રભુએ કહ્યું : જો કોઈ વૈષ્ણવ પોતાની ચરણરજ આપે તો એ દવાથી મારો રોગ સારો થાય. કોઈ વૈષ્ણવ ચરણરજ આપવા તૈયાર નથી. અરે ! શ્રી કૃષ્ણની રાણીઓ પાસે ચરણરજની માગણી કરવામાં આવી. તો તેમને આંચકો અનુભવી કે પ્રાણનાથને ચરણરજ આપીએ તો નરકમાં જવું પડે. નરકમાં કોણ જાય કોઈ તૈયાર નહીં. આ વાત ગોપીઓ પાસે પહોંચી કે અમારા પ્રભુ બીમાર પડયા છે. તરત જ ક્ષણનો વિલંબ કર્યા વગર બોલી અમારા કનૈયાને સારુ થતું હોય અમે નરકની યાતના ભોગવવા પણ તૈયાર છીએ. ને ગોપીઓએ પોતાની ચરણરજ આપી. ભગવાનનો રોગ મટયો, સારા થયા. આ ભાઈ, ગોપીઓ પોતાની નિષ્કામ પ્રેમની પરીક્ષામાં ગોપીઓ પરિપૂર્ણ થઈ. આ નિષ્કામ ભક્તિ કહેવાય.
આપણે પણ ભક્તિ તો બધા રોજ કરીએ છીએ અને કરતા જ રહીશું તો જે આનંદ ભક્તિ કરતાં પણ સ્વાર્થહિત નિષ્કામ પ્રેમાભક્તિમાં પ્રાપ્ત થશે જ અરે એ આનંદ તો મુક્તિમાં પણ નથી અરે મુક્તિ એ તો ભક્તિની દાસી છે. ભાગવતનું ફળ પણ નિષ્કામ ભક્તિ. ભગવાન આ પ્રકારની ભક્તિથી પ્રસન્ન થાય છે. જો ભાગવત શાસ્ત્રનું શ્રવણપાન કરીશું જે પૂ. ડાંગરે મહારાજની ભાગવત કથામાં સુંદર વર્ણન કર્યું છે. ભાગવતનો મુખ્ય વિષય નિષ્કામ ભક્તિ. ભલે આપણે જ્ઞાાની કે પંડિતના હોઈએ પણ જ્ઞાાન વગરની ભક્તિ આંધળી છે. ભક્તિ વગરનું જ્ઞાાન પણ પાંગળું છે. માટે તો ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપીઓ આજ સુધી કંઈ માગ્યું પણ નથી. તેમની ભક્તિ નિષ્કામ, કામના રહીત હતી. બસ માગીએ તો તેટલું જ પ્રભુ આપજો, આ સંસારરૂપી કૂવામાં અમો પડયા છીએ પ્રભુ તમારા ચરણનો આશરો લઈ તરી જઈએ, અને ઘરમાં રહીને પણ અમારા ચિત્તની મનોદશામાં શ્રી કૃષ્ણ શરણમ મમ: શ્રી કૃષ્ણ શરણમ મમ:નો નાદ અમારા રોમેરોમમાં હર વર્તમાનની ક્ષણોમાં અમારા ભાવ ભર્યા હૃદયમાં ગુંજતો રહે. હે મારા નાથ અમારા પર આ નાદ સદાય અંતિમ ક્ષણ સુધી ગૂંજતો રહે.
- વસંત આઈ. સોની