નિરાશાને કહો'ના' .
શ્રી અરવિંદના મતાનુસાર. પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે નિરાશાને તાબે થવું એ મુશ્કેલીનો સામનો કરવાની ખરાબમાં ખરાબ રીત છે. તમારી અંદરની કોઈ કામના ન સંતોષાતાં એ અંગે સ્વસ્થતાથી તેનો સામનો કરી એ કામનાને બહાર ફેંકી દેવી એ શ્રેષ્ઠતમ રસ્તો છે.'
વ્યક્તિમાં કામનાઓ અને ઇચ્છાઓ તો રહેવાની જ. એ જ્યારે ન સંતોષાય ત્યારે નિરાશાનું કવચ એની આસપાસ લપેટાઈ જવાનું. જેને તોડવા માટે મનને કેળવી સશક્ત બનાવવું પડે. મનમાં જ્યારે કાર્યના સાપેક્ષ વિચારો જન્મ લે અને એ વિચારોને અંતિમ પડાવ ભણી દોરી જનાર કાર્યો થકી તેનો અમલ થાય ત્યારે એ વિચાર તથા કાર્ય, વિજય ભવ: બને ત્યારે જ મનની નિરાશાને બ્રેક લાગે અને ઉત્સાહનું વાતાવરણ સર્જાય.
શ્રી અરવિંદના મત મુજબ, બળવાન મન, બળવાન નાડી તંત્ર અને સ્થિર ચૈત્ય જ્યોત જ સાધનામાં આવતા ભયંકર હુમલાઓ સામેનું એક માત્ર કવચ જણાય છે. અર્થાત્ : મજબૂત મનની સાથે બળવાન નાડી તંત્ર શરીરની પણ એટલી જ આવશ્યકતા છે. રસ રૂધિર અને માંસ મજ્જાની શક્તિથી ઓપતું શરીર નિરાશાના હુમલાને ખાળી અંતરમનમાં સ્થિર, ચૈત્ય જ્યોત પ્રગટાવશે જેના અજ્વાસથી નિરાશા ભાગી જશે.
શ્રી માતાજીના વિધાન અનુસાર, જે લોકો ખરેખર સત્યનિષ્ઠ છે, સાચેસાચ શુભવૃત્તિવાળા છે તેઓ નિરાશાને પ્રગતિના સાધનમાં ફેરવી શકે છે.
નિરાશા અને વિષાદ એ જીવનમાર્ગના સૂક્ષ્મ શત્રુઓ છે, તેને દૂર કરેજ છૂટકો. એ માટે તમારા આત્માના પ્રકાશ પરત્વે શ્રદ્ધા જાળવી રાખો એ જ તમને નિરાશાની ગર્તામાંથી બહાર લાવી ઉર્ધ્વ પ્રતિ પ્રયાણ કરાવશે.
- તુષાર દેસાઈ