સંકલ્પ રંધા જેવો હોય છે, વ્યક્તિત્વ પર પડેલી આળસના નકામા છોલને ઉતારીને સમજણના કાષ્ઠને સુંદર ઘાટ આપે છે
એ ક ગુરૂ એમના શિષ્યો સાથે સ્નાન કરીને આશ્રમમાં પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં એક શિષ્યએ ખડકનો એક મોટો પથ્થર જોઈને પૂછયું- 'ગુરૂજી શું આ પથ્થરથી પણ વધુ કઠોર કે મજબૂત કશું હોઈ શકે ? ગુરૂએ જવાબ ના આપ્યો. એટલે એક શિષ્યએ કહ્યું- મને લાગે છે લોખંડ આનાથી પણ મજબૂત હોય છે. બીજા શિષ્યએ કહ્યું- પણ લોખંડ કરતાં આગ મોટી ગણાય. કારણકે આગ લોખંડને ગાળી દે છે. ત્રીજાએ કહ્યું- આગથી પણ મોટું જળ હોય છે. જળ આગને બુઝાવી શકે છે. ચોથાએ વળી કહ્યું- 'જળથી પણ મોટી હવા ગણાય છે. હવા જળને સુકાવી શકે છે. આમ શિષ્યો શ્રેષ્ઠતાનો ક્રમ વધારી રહ્યા હતા. એટલે ગુરૂએ કહ્યું- 'પુત્રો, દુનિયાની કોઈપણ ચીજ કરતાં માનવીના મનનો સંક્લ્પ મોટો હોય છે. સંકલ્પથી માણસ ધારેલું કાર્ય સિધ્ધ કરીને આત્મીય આનંદ મેળવી શકે છે.
સંકલ્પ એટલે નિશ્ચય, નિયમ, મનસૂબો, કમિટમેન્ટ- એક જાતની પ્રતિજ્ઞાા જાતે સ્વીકારેલી જવાબદારી અથવા વચનબધ્ધતા. રાજાભોજના દરબારમાં વિદ્વાનોનું હમેશાં સ્વાગત થતું. એકવાર ક્રિયાસિધ્ધિ ઃ સત્વે વસતિ.. 'નામના એક શ્લોકની પૂર્તિ કરવાની હતી. એક વિદ્વાન બ્રાહ્મણે જે રીતે એની પૂર્તિ કરીને ખૂબ નામના મેળવી હતી. એ શ્લોકનો અર્થ આ હતો. અગત્સ્ય મુનિનો જન્મ ઘડામાં થયો હતો. જંગલમાં હરણ જેવાં પ્રાણીઓ એમનો પરિવાર હતો. વૃક્ષોની છાલ (વલ્કલ) એમના વસ્ત્રો હતાં. કંદમૂળ કે ફળ એમનો આહાર હતો. છતાં એક સંકલ્પ. બળથી એ આખા સમુદ્રને ગટગટ પી ગયા હતા. 'મતલબ કે મહાન માણસની સિધ્ધિ એમના સંકલ્પબળ ઉપર આધારિત હોય છે - નહિ કે બહારના સાધનો પર !
ગાંધીજીને વિલાયત જવાનું થયું ત્યારે તેમની માતાએ એમને એક જૈન સાધુ બેચરજી સ્વામીને વચ્ચે રાખીને સંકલ્પ લેવડાવ્યો હતો. કે તે માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેશે. ગાંધીજીને ત્યારથી સંકલ્પથી અગત્યતા સમજાઈ ગઈ હતી. જે જીવનભર કરેલા સત્યના પ્રયોગોમાં નક્કર પુરવાર થઈ હતી. શ્રી અબ્દુલ કલામ કહે છે કે મન સંકલ્પ કરે કે તરત માણસની ઊંઘ ઉડી જાય છે. જે સંકલ્પ લઈને નવા કામનો શુભારંભ કરે છે. તેને ભવિષ્યમાં નિર્ણય લેવામાં ખચકાટ થતો નથી. એવું કોઈ નથી. જેણે શુભ સંકલ્પ કર્યો હોય અને રસ્તે ભૂલો પડયો હોય ! કારણકે નિયમ લેતાં જ દિશા પાકી થઈ જાય છે. સંકલ્પ પછી જ માણસને પોતાની અંદર રહેતી પ્રતિભા શક્તિ અને પ્રામાણિકતાનો પરિચય થાય છે.
સંકલ્પ પુરો કરવા કીલર ઇન્સ્ટિંકટની જરૂર છે. કરો યા મરો જેવો સૈનિક-જુસ્સો અને ખેલાડી જેવો થનગનાટ જરૂરી છે. અઘરો સંકલ્પ પુરો કરવો એટલે હિમાલય સર કરવા જેવું છે. એડમંડ હિલેરીએ કહ્યું હતું It is not the mountain we Conquer but our selves. આપણે પર્વત નહિ પોતાની જાતને સર કરતાં હોઈએ છીએ. સંકલ્પની યાત્રા શરૂ થતાં જ માણસની પ્રતિભા ખીલી ઉઠે છે. રશિયાના તત્વજ્ઞાાની બારાન્નિકોવને રામચરિત- માનસ એટલું ગમી ગયું કે એમણે રશિયન ભાષામાં એનો અનુવાદ કરવાનો સંકલ્પ કર્યો. દશ-વર્ષોની આકરી તપસ્યા પછી એમણે સમ શ્લોકી અનુવાદ પ્રગટ કર્યો. આજેય રશિયામાં એમની સમાધિ પર રામચરિત માનસની ચોપાઈ કોતરેલી છે. જો આપણે કેવી રીતે જીવવું એ નક્કી નહિ કરી શકીએ તો શક્ય છે કે ભવિષ્યમાં એવા પ્રકારનું જીવન જીવવું પડે જે આપણી પ્રતિભા આપણી લાયકાત કરતાં ઘણી હલકી કક્ષાનું હોય.
સંકલ્પ રંધા જેવો હોય છે. વ્યક્તિત્વ પર પડેલી આળસના નકામા છોલને ઉતારીને સમજણના કાષ્ઠને સુંદર ઘાટ આપે છે. દરેક વ્યક્તિમાં એક જીવતી ચિનગારી પડેલી હોય છે. એ ચિનગારી ઠરી જાય એ પહેલાં શુભ-કર્મ કરવાનો સંકલ્પ લઈ લેવો જોઈએ. કારણકે અતૃણે પતિતો વહિનઃ સ્વયં એવ ઉપશામ્યતિ'
ઘાસ વગરની જગ્યામાં પડેલો અંગારો જાતે જ ઠરી જાય છે.
કાર્લે લિનિયસ એક વૈજ્ઞાાનિક હતો. યુવાનીના દિવસોમાં એક ડોક્ટર પુત્રી સંસલિઝાના પ્રેમમાં પડયો. એણે પિતા પાસે જઈ લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પણ પિતાએ પ્રસ્તાવ ફગાવી દીધો. કારણ કે કાર્લ પાસે ના કોઈ મિલકત હતી, ના નોકરી હતી, ના આવકનું સાધન ! આ રિજેક્શને કાર્લને વધુ મજબૂત કર્યો. એણે પોતાની જાતને મઠારવાનો સંકલ્પ કર્યો. આગળ અભ્યાસ ચાલુ રાખ્યો. મીણબતી ખરીદવાના પૈસાનો'તા. છતાંય સ્ટ્રીટલાઈટના પ્રકાશમાં એ ખૂબ ભણ્યો. છેવટે ચિકિત્સા વિજ્ઞાાનમાં પદવી હાંસલ કરી. વિશ્વભરમાંથી માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા મળ્યાં. ત્યારે ડોકટરે માનભેરે તેને સ્વીડન તેડાવ્યો અને ખુશી ખુશી પુત્રી સેસલિઝા સાથે એના લગ્ન કરાવ્યાં. આજે પણ જીવ વિજ્ઞાાનમાં કાર્લ લિનિયસના જંતુ અને છોડના વર્ગીકરણની પધ્ધતિને આધારભૂત ગણવામાં આવે છે.
સંકલ્પબધ્ધ થનાર માણસ સાથે તેની આંતર-શક્તિઓ તેના અસ્તિત્વની આજુબાજુ સુગંધની માફક વીંટળાઈ જાય છે. એવું નથી કે સંકલ્પ લેવાની શક્તિ ફક્ત મહાન માણસો પાસે જ છે. હકીકતમાં જે પોતાની જાતને ઓળખીને બદલવા તૈયાર છે એ જ સંકલ્પ લઈને મહાન બની શકે છે. એલિસ-ઇન-વન્ડરલેનમાં એક બિલાડીની વાત આવે છે. ચેશાયર કેટલ એક એવી બિલાડી છે જે હસતાં હસતાં ગાયબ થઈ જાય છે. આમતેમ રઝળતી, મૂંઝાયેલી એલિસ એને રસ્તો પૂછે છે ત્યારે બિલાડી એને કહે છે ઃ તારે ક્યાં જવું છે એ નક્કી છે ? જો તારી પાસે કોઈ ખાસ જગ્યાએ પહોંચવાનો સંકલ્પ ના હોય તો તુ રસ્તો કેમ પૂછે છે ? ગમે તે રસ્તે જા ! ક્યાંકને ક્યાંક તો તુ પહોંચી જ જઈશ. આપણું જીવન પણ સંકલ્પ વગરની રઝળતી એલિસ જેવું તો નથી ને ! કારણકે નિયમ વગરનું જીવન ઘાંચીના બળદ જેવું હોય છે. એ ચાલે છે પણ પહોંચતું ક્યાંય નથી. સંકલ્પ વગરની ચાલમાં ગતિ તો હોય છે પણ પ્રગતિ નહિ.
સંકલ્પ લેવો અને એનો અમલ કરવો એ કાચા-પોચાનું કામ નથી. જેણે સંકલ્પ લીધો અને અમલ ના કર્યો એ એવા ખેડૂત જેવો છે. જેણે ખૂબ મહેનત કરીને બળદની મદદથી ખેતર તો ખેડયું પણ બીજ વાવ્યાં જ નહિ !
- સુરેન્દ્ર શાહ