રાધા : એક રસિક કોયડો? .

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
રાધા : એક રસિક કોયડો?                                        . 1 - image


- જય વસાવડા

- કદાચ રાધા માનવમનમાં રહેલી આદર્શ રૂપવતી સમર્પિત પ્રેયસીના બિનશરતી પ્રણયની ફૅન્ટેસીની ઝંખનાને તૃપ્ત કરતું દૈવી પાત્ર છે : રાધા-કૃષ્ણ ધાર્મિક ઘટના ઓછી અને સાંસ્કૃતિક ઘટના વધુ છે, ફિલોસૉફિકલ ઇન્ટરપ્રિટેશન્સ થતા રહે છે

'રામાયણ' અને 'મહાભારત' સદીઓ જૂનાં પ્રાચીન મહાકાવ્યો છે અને લોકપ્રિયતા, ગુણવત્તાને લીધે સામાન્ય માણસ માટે ધર્મગ્રંથની કક્ષાનાં જ છે, પણ એમાંય ક્યાંય જ રાધા- કૃષ્ણની પ્રેમકહાણીનું વર્ણન નથી. કૃષ્ણલીલાનો સૌથી વધુ લોકપ્રિય અને પ્રચલિત ગ્રંથ 'શ્રીમદ્ ભાગવત'માં કૃષ્ણની ગોપીઓ સાથેની રાસલીલાની વાત છે, પણ રાધાની વાત નથી. વેદ, ઉપનિષદ, ષડ્દર્શનમાં તો વિષ્ણુના અવતારોની જ વાત નથી. 

હા, ભાગવતના (કથાકારો જેનું રસિક વર્ણન શબ્દશ: કરવાનું ટાળે છે, એ) રાસપંચાધ્યાયીના ૨૮મા શ્લોકમાં 'અનયારાધિતો' એવો શબ્દ આવે છે. બસ, એક નારીવિશેષ (કોણ તેની ઓળખાણ નથી)નાં ચરણ કૃષ્ણ સાથે જોઈ વિહ્વળ બનેલી ગોપીઓનું વર્ણન છે. 'હરિવંશ' કે 'વિષ્ણુપુરાણ' જેવા કૃષ્ણચરિત્ર માટે માન્ય ગણી શકાય એવા સંસ્કૃત પૌરાણિક ગ્રથોમાં પણ ક્યાંય રાધા નથી. જેને સ્કૉલર્સ, સંસ્કૃતના વિદ્વાનો અધિકૃત, ઑથોરાઇઝડ ને પ્રાચીન નથી ગણતા - એવા બ્રહ્મવૈવર્તપુરાણમાં રાધાની વાત આવે છે! અને 'ગર્ગસંહિતા'માં આવે છે.

પછી તો સુરદાસનાં પદોથી લઈ જયદેવના 'ગીતગોવિંદમ્' સુધી લોકસાહિત્ય કે 'ફૉક લિટરેચર 'માં, કઠિયાવાડી- વ્રજભાષાના દુહાઓ, ફિલ્મી ગીતો, રાસગરબા, લોકગીતો, કવિતાઓ, નવલકથાઓમાં જ રાધા જોવા મળે છે! રાધા લોકહૃદયમાં સ્થાપિત જ પ્રેમના પ્રતીક તરીકે થઈ છે. બાળકૃષ્ણને રમાડતી, વાત્સલ્યભરી, મમતામયી વડીલ તરીકે નહીં! મુદો એ છે કે રાધા માઇથોલૉજી - યાને પૌરાણિક સાહિત્યનો અંશ છે, નક્કર ઇતિહાસ નથી. (ઇતિહાસ - એટલે આમ બન્યું તેનું પ્રમાણ) પુરાતત્ત્વીય સંશોધનોમાં કૃષ્ણના અસ્તિત્વના પુરાવાઓ સાંપડે છે, પણ કૃષ્ણના જીવનમાં રાધાના હોવા - અંગે કોઈ શુદ્ધ શાસ્ત્રીય પ્રમાણ નથી. હા, લોકમાનસને તેનાથી કશો ફરક નથી પડતો. રાધાકૃષ્ણના પ્રતીક આપણા સાંસ્કૃતિક વારસાની મહત્ત્વનો હિસ્સો છે, પૃથ્વીરાજ ચૌહાણ હિસ્ટોરિકલ છે. પણ પાણીમાં ડૂબીને વરાહથી બહાર આવેલી પૃથ્વી માઇથોલૉજિકલ છે. સિમ્પલ, આ વિવાદ તો ગેલેલિયો અને ચર્ચ વચ્ચે પણ થઈ ચૂક્યો છે. કાનૂની અને વૈજ્ઞાાનિક પરિભાષામાં પ્રાચીન ધર્મકથાઓ માઇથોલોજી છે અને પોતાની પરિભાષા સ્વીકારવા માટે કાનૂન કે વિજ્ઞાાન કોઈના પર દબાણ કરતાં નથી અને કોઈની લાગણીઓનું દબાણ સ્વીકારતાં નથી.

વેલ, વાત ભારતની જ કરવાની હોય તો પહેલી વખત રાધાનો વિગતવાર નામજોગ જેમાં આવે છે, એ ગાથા સપ્તશતિ નામના પ્રાચીન મુક્તક સંગ્રહનું એક લોકસાહિત્યનું પ્રાકૃત ભાષાનું મુક્તક છે. મુખમરુતેન ત્વં કૃષ્ણ ગોરાજો રધિકાય અપાયન. કેવી સુંદર પ્રેમકલ્પના છે ? હે કૃષ્ણ જેમ તમે તમારા મુખથી શ્વાસ લઈને રાધાના મુખ પરની ધૂળ ઉડાવો છો...

પછી આવે બ્રહ્મવૈવર્તપુરાણ. વાત રાધા પૂરતી કરીએ તો બ્રહ્મવૈવર્તપુરાણના પ્રકૃતિ ખંડ-૨ મુજબ રાધા વૃષભાનુની કન્યા છે. જેનો વિવાહ પાછળથી યશોદાના ભાઈ રાયણ (કૃષ્ણમાતા યશોદયા રાયણસ્ત સહોદર) સાથે થાય છે. આ બધા સંબંધોના ગૂંચવાડા સમજવા માટે ગોલોકની વાતનું બકડ્રોપ પણ છે. પણ શું રાધા-કૃષ્ણનો પ્રેમ કેવળ પ્લેટોનિક છે ? બ્રહ્મવૈર્તપુરાણમાં મુરલીથી 'મદનાતુરા' રાધિકા મૂર્છિત થઈ. પરમે કૃષ્ણ વિપરીત રતિ પદ્ધતિથી શૃંગાર માણ્યો તેનુંય વર્ણન છે. યાદ રહે. આ યોગાસનોનાં વર્ણનો નથી અને માત્ર આધ્યાત્મિક પ્રતીકાત્મક હોય તો મિલન થયું એટલું કહીને વાત પડતી મૂકવાને બદલે કે અલંકારિક વર્ણનને બદલે રચયિતાઓએ તેનું એકદમ ઝીણવટભર્યું દૈહિક વિલાસવર્ણન કર્યું છે. આ જ પુરાણના ખંડ ૪, અધ્યાય-૧૫માં 'કૃષ્ણસહિતો નંદો વૃંદાવને...'થી શરૂ થતું વર્ણન છે. જેમાં માયા થકી કૃષ્ણે વાદળોથી આકાશ ઢાંક્યું. રાધાએ કૃષ્ણને ગોદમાં લીધા અને ચૂમ્યા ત્યાં જ કૃષ્ણની માયાથી બનેલો રત્નમંડપ જોયો, જ્યાં ફૂલોની સેજ પર સૂતેલા શ્યામસુંદર જોવા, જેમણે કહ્યું, 'સારા સ્વભાવવાળી, શય્યા પર આવીને ઉર પર મને ધારણ કરો..હું સામે સૂતો છું અને તમે વાતોમાં સમય વ્યર્થ કરો છો?'

પછી બ્રહ્માએ પ્રગટ થઈ રાધાનો હાથ કૃષ્ણના હાથમાં આપ્યો. કૃષ્ણે પોતે ચાવેલું તાંબુલ (પાન) રાધાને આપી તેણે ચાવેલું તાંબુલ પોતે લીધું. ચાર પ્રકારનાં ચુંબન (ચુચુંબ ચ ચતુર્વિધમ) કર્યા, મિલનરૂપી, યુદ્ધ ક્ષેત્રમાં નાનકડી ઘૂઘરીઓવાળો રાધાનો કંદોરો તૂટયો. અંગ પુલકિત થયું. 'કામશાસ્ત્ર વિશારદ' કૃષ્ણ આઠ પદ્ધતિઓથી ક્રીડા કરી. પછી 'નિવૃત્ત કામયુદ્ધે ય સસ્મિતા વક્રલોચના ! (કામયુદ્ધની સમાપ્તિ પછી તીરછી નજરે જોઈ રાધાના મુખ પર મલકાટ આવ્યો.)

આ બધાં વર્ણનો તો હજુ શૃંગારિક કળાત્મક છે. પણ ગર્ગસંહિતાના વર્ણનો પણ અહીં લખી ન શકાય એવા છે. જયદેવના 'ગીતગોવિંદમ્'માં પણ અદ્દભૂત કાવ્યાત્મકતા સાથે રાધા-કૃષ્ણના દેહમિલનનું વર્ણન છે એ સ્વતંત્ર પુસ્તકનો વિષય છે !

'ગીતગોવિંદ'માં રતિસુખના વર્ણનોથી પ્રિયમિલનની તડપ અને મિલનનું પરમ સુખ લાજવાબ શબ્દોમાં જયદેવે વર્ણવ્યું છે. એમાં વર્ણવાયેલા રાધાના રૂપવર્ણનની મોહિની આજે પણ આકર્ષિત કરે તેવી છે. કવિ રાધાવર્ણન નાયક કૃષ્ણના મુખથી કરાવે છે : 'હે તન્વી, તારા નેત્રરૂપી ધનુષમાં જોડાયેલા ઈશારારૂપી બાણ, હૃદયમાં પીડા આપે છે. એનું સ્વાગત છે. કાળી તારી કેશપાશ મને મારે છે, એ ય ભલે થતું. જે મલિન અને કુટિલ હોય તેનો સ્વભાવ એવો જ છે. રાધાના મુખકમળની સુગંધથી રતિસંગ્રામ માટે કામદેવના તીર જેવા ઝગમગતા વર્ણનો 'ગીતગોવિંદ'માં એવા છે કે રાધાકૃષ્ણની બેડલી હંમેશ માટે લોકહૃદયમાં સ્થાપિત થઈ ગઈ. કહેવાય છે કે જયદેવ નિમ્બાર્કાચાર્યને ઓળખતા અને ત્યાંથી એમને રાધાનું ચરિત્ર મનમાં વસ્યું. પણ ગીતગોવિંદની અમીટ છાપ જનમાનસમાં રહી ને રાધાના પુરાણો, કથાઓ, નામાવલિ ને ઉત્સવો આવ્યા. એક અદ્ભુત રસિક રચનાની એવી તો અસર થઈ કે રાતોરાત રાધા કૃષ્ણની સાથે આજ દિન સુધી અભિન્ન રીતે ભારતમાં પૂજાવા લાગ્યા. વૃંદાવન તો આખી ભૂમિ જ રાધા સમર્પિત થઈ ગઈ. 

કે.કા. શાસ્ત્રીજી જેવા અભ્યાસુ લખે છે : 'રાધાને અનેક સખીઓ હતી. એમાં આઠ મુખ્ય ગણાય છે : લલિતા, કલાવતી, મધુમતી, વિશાખા, શ્યામલા, શૈલ્યા, વૃંદા અને શ્રીધરા. પુરાણોમાં રાધાનો અપાર મહિમા ગાયો છે. પદ્મપુરાણ મુજબ રાજા વૃષભાનુને યજ્ઞા માટે ભૂમિ સાફ કરતાં ભૂમિની કન્યા તરીકે રાધા પ્રાપ્ત થયેલાં. રાધાએ શ્રીકૃષ્ણ માટે સમાજની રૂઢિઓનું ઉલ્લંઘન કરેલું. રાધાની ભક્તિ નિમ્બાર્ક, વલ્લભ, રાધાવલ્લભ અને સખીસંપ્રદાય - એ ચારેયમાં નિરૂપાઈ છે. કાર્તિકી પૂર્ણિમાએ રાધાની આરાધના કરાય છે. પુરાણોમાં 'રાધા' નામનું માહાત્મ્ય દર્શાવ્યું છે. રાધાનાં નામો, વ્રતો, મંત્રો, ધ્યાન, પૂજાવિધાન, સ્તોત્રો, કવચો ઇત્યાદિ વિગતવાર નિરૂપાયાં છે. વૃંદાવનમાં રાધા સાથે સંલગ્ન એવાં રાધાકુંડ, બરસાના (વૃષભાનુનું સ્થાન), કુંજગલી, માનગલી, બંસીવટ, રાસમંડળ, રમણરેતી, શૃંગારઘાટ, સેવાકુંજ, નિધિવન, માનસરોવર જેવાં અનેક તીર્થસ્થાનો આવેલાં છે.'

જોકે અમુક વિદ્વાનો તો એવું માને છે કે રાધા-કૃષ્ણની પૂજા વ્રજમાં બંગાળથી આવી. 'પ્રેમવિલાસ અને 'ભક્તિરત્નાકર' જેવા ગ્રંથો અનુસાર ચૈતન્ય મહાપ્રભુના સહયોગી નિતાઈનાં પત્ની જાહ્નવીએ નયન ભાસ્કર નામના કલાકાર પાસેથી રાધાની મૂર્તિ બનાવી વૃંદાવન મોકલી, જેને કૃષ્ણની આજુમાં રખાઈ. વૈષ્ણવ પંથોના કેટલાક ફાંટા (જેમ કે રામાનુજાચાર્ય)માં રાધાની પૂજા નથી (પણ શ્રી વૈષ્ણવો રાધા-કૃષ્ણ સંબંધ સ્વીકારે છે). માધવાચાર્ય (શુદ્ધાદ્વૈત)માં રાધાના અસ્તિત્વનો સ્વીકાર નથી, તો નિમ્બાર્કાચાર્ય મુજબ રાધા કૃષ્ણની પત્ની છે. રાધાવલ્લભ અને હરિસખી સંપ્રદાય પણ આ માને છે. ચૈતન્ય મહાપ્રભુજીના ગૌડિક વૈષ્ણવો કૃષ્ણને 'પરક્રિયા' પ્રેમના રાધારમણ સ્વરૂપમાં જ પૂજે છે. વિદ્યાપતિથી બિલ્વમંગળ, મીરાંબાઈથી ચંડીદાસ બધાં આ પરંપરામાં આવે! આ બધો વિગતવાર ઇતિહાસ તો ભારે અટપટો અને લાંબો છે! પણ મહારાષ્ટ્રના વિઠોબા સ્વરૂપ સિવાય બહુ ઓછે કૃષ્ણ પત્ની રુક્મિણી સાથે પૂજાય છે.

રાધા-કૃષ્ણ ધાર્મિક ઘટના ઓછી અને સાંસ્કૃતિક ઘટના વધુ છે. ફિલોસૉફિકલ ઇન્ટરપ્રિટેશન્સ થતા રહે છે, આધ્યાત્મિક અર્થઘટનો તો પુસ્તકાલય ભરાય એટલાં થયાં છે, પણ ભારતમાં રાધા-કૃષ્ણ (આટલાં બધાં વર્ણનોમાં જોયું તેમ યોગ્ય રીતે જ) આજની ભાષામાં કહીએ તો લવ, ડેટિંગ, બૉયફ્રેન્ડ- ગર્લફ્રેન્ડ યાને  લવના સહજસ્વીકૃત સિમ્બૉલ તરીકે પૂજાતાં આવ્યાં છે. એમનાં રોમેન્ટિક ચિત્રો-ગીતો રચાતાં આવ્યાં છે. આજકાલ ફૂટી નીકળેલા નવતર કટ્ટરપંથો સિવાય કોઈને તેમાં પ્રાબ્લેમ પણ થયો નથી. ન તો કોઈએ રાધા-કૃષ્ણના શૃંગાર પર સેન્સરશિપ મૂકી છે, એના અઢળક ફિલ્મગીતો, ફિલ્મો, સિરિયલો કે ગમ્મત પણ સહજભાવે સ્વીકૃત થઈ છે. કદાચ રાધા માનવમનમાં રહેલી આદર્શ રૂપવતી સમર્પિત પ્રેયસીના બિનશરતી પ્રણયની ફૅન્ટેસીની ઝંખનાને તૃપ્ત કરતું દૈવી પાત્ર છે. કવિતા યાને સર્જકતાની કળા કેટલી હદે સંસ્કૃતિ પર દ્રઢ અસર છોડી ધર્મનો પ્રવાહ પલટાવે છે, એનું વિજયી સ્મિત છે. 

લિવ ઇન પરના ચુકાદામાં નોંધેલું એમ સુપ્રીમ કોર્ટે જ નહીં, કોઈ પણ સમજદાર માણસને આપણા સમાજનાં બેવડાં ધોરણો પર નવાઈ લાગ તેમ છે. ઘેર ઘેર રાધા-કૃષ્ણ પૂજાતાં હોય અને જુવાન છોકરા - છોકરી પ્રેમ કરીને સત્તાવાર લગ્નની વાત કરે, તો ઘણી વખત માતાપિતા જ એમની ક્રૂરતાપૂર્વક સંસ્કૃતિના નામે હત્યા કરાવતાં હોય ! કૃષ્ણ એક સાક્ષાત રસ છે ને નરસિંહની રસિકતા વિના એમનો મોહક લીલારાસ સમજાવાનો નથી, એ કોઈ જ્ઞાાન વિના અન્યોની સંકુચિતતાની નકલ કરતા શુષ્ક જનોને કેવી રીતે સમજાય ?     


Google NewsGoogle News