પૂ.ડોંગરે મહારાજની તિથિ-અમૃતવચન
- ઇશ્વરને કોઈ જ સ્વાર્થ નથી. એ નિસ્વાર્થ ભાવે જીવ સાથે પ્રેમ કરે છે.
- જમ્યા પછી માનવ સૂઈ જાય છે. ભગવાન કહે છે કે ' હું તારી પાસે આખી રાત બેસીને તને સાચવીશ.' જીવ સૂઈ જાય છે, ઇશ્વર જાગીને તેનું રક્ષણ કરે છે.
- માન- અપમાનમાં મનને શાંત રાખનારો જ મહાન બની શકે છે. અપમાનનું દુ:ખ મનુષ્યને ત્યારે લાગે છે, જ્યારે તે અભિમાનમાં હોય છે. જીવ દીન થઈ ઇશ્વરનાં ચરણમાં રહે તો માન-અપમાનની અસર તેના પર થતી નથી.
- પ્રેમ કરવા જેવો એક ઇશ્વર છે. જગતમાં પદાર્થોમાં કરેલો પ્રેમ એક દિવસ રડાવે છે.
- આમંત્રણ આપે અને બુધ્ધિપૂર્વક તેનું અપમાન કરે તે કાયમ માટે નરકમાં પડે છે.
- અન્નમાંથી મન બને છે. પેટમાં જે અન્ન જાય છે, એના ત્રણ ભાગ થાય છે. અન્નનો સ્થૂળભાગ મળરૂપે બહાર આવે છે.
અન્નના મધ્યભાગથી લોહી અને માંસ ઉત્પન્ન થાય છે. અન્નના સૂક્ષ્મ ભાગથી મન-બુધ્ધિના સંસ્કાર બને છે.
- સુખ-દુ:ખનો ગમે તેવો પ્રસંગ આવે, બે કદી છોડશો નહિ. સત્સંગ અને સત્કર્મ.
- જે પોતાના સત્કર્મોના ફળ ભગવાનને અર્પણ કરે છે. તેની ટોપલી ભગવાન હંમેશા દિવ્ય રત્નોથી ભરી દે છે.
- મંદિરમાં પ્રભુના જે મંગલમય સ્વરૂપનાં દર્શન તમને આજે થયાં તે સ્વરૂપનું ચિંતન કરવા માટે મંદિરને ઓટલે બેસવાનું
છે.
- આખું જીવન જેનું ચિંતન તમે કરશો, અંતકાળમાં એ જ તમને યાદ આવશે. સુખ-દુ:ખમાં ભગવાન ન ભુલાય તેવી ટેવ
પાડજો.
- જીવનમાં પૈસો મુખ્ય નથી, પરમાત્મા મુખ્ય છે. જીવનમાં પૈસો મુખ્ય થયો ત્યારથી જ પાપ વધ્યું છે.
- પરમાત્મા પૈસો નહિ, પ્રેમ માગે છે, સમય માગે છે.
- ગૃહસ્થનો ધર્મ છે કે આંગણે જે કોઈ આવે તેને બીજું કંઈ નહિ તો ઠંડુ પાણી પણ આપે, મધુર વાણીથી એનું સન્માન કરે.
- સતત ઉદ્યોગ કરો તો રિધ્ધિ સિધ્ધિ તમારી દાસી થશે.
- સૌંદર્યનું અભિમાન ન કરો. કોઈપણ જીવને હલકો ગણે તેની ભક્તિ સિધ્ધ થતી નથી. જ્યાં નજર જાય ત્યાં ઇશ્વરનું દર્શન એ દીનતા.