પ્રાર્થના એ સ્ટ્રેસ ઓછો કરવાની શ્રેષ્ઠ પધ્ધતિ છે
પ્રાર્થના એ હૃદયનું સ્નાન છે. પ્રાર્થના આત્માનો ખોરાક છે. પ્રાર્થના માનવીને નમ્ર બનાવે છે. અને આધ્યાત્મિક ઉન્નતિના પંથે લઈ જાય છે. આમ, પ્રાર્થના સર્વોત્તમ ગુણોનું ઉદ્ભવસ્થાન અને આશ્રય સ્થાન છે. તેથી જ શુભ કાર્યોની શરૂઆત પ્રાર્થનાથી થાય છે.
પ્રાર્થનામાં અદ્દભૂત બળ રહેલું છે. સાચા હૃદયની પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. ભક્તે ખરા હૃદયથી કરેલી પ્રાર્થના ભગવાન અવશ્ય સાંભળે છે. દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને શ્રીકૃષ્ણે તેને નવસો નવાણું ચીર પૂરેલા. સતી સાવિત્રીની પ્રાર્થનાથી યમરાજ પણ પીગળી ગયેલા અને સત્યવાનને પુનર્જીવન સાંપડેલું. નરસિંહ મહેતાની પ્રાર્થના સાંભળીને શ્રીકૃષ્ણે શામળદાસ શેઠના રૂપે આવીને કુંવરબાઈનું મામેરૂં ધામધૂમથી કરી આપ્યું હતું. બાબર ખુદાની બંદગી કરીને હુમાયુનો જાન બચાવી શક્યો હતો.
વ્યક્તિ, પરિવાર, સમાજ, સંસ્થા, રાષ્ટ્ર કે દુનિયાનો કોઈપણ પ્રશ્ન હોય, કોઈપણ શુભસંકલ્પ હોય, કોઈપણને કોઈપણ દુઃખ દર્દ હોય, યોગીજી મહારાજ પાસે તો 'સબ દર્દો કી એક દવા' પ્રાર્થના-ધૂન, એ જ અમોધ સાધન..!! યોગીજી મહારાજે આપેલો ધૂન પ્રાર્થનાનો વારસો પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજે લાખો લોકોના હૃદયે શ્રધ્ધાનો દીપ પ્રગટાવીને પ્રસરાવ્યો છે.
દરેક પ્રાર્થનામાં આપણને તરત જ જવાબ મળે એવું નથી. કોઈકનો જવાબ આજે મળે. કોઈકનો કાલે મળે, કોઈનો વર્ષે મળે તો કોઈકનો પાંચ વર્ષે પણ મળે !! એ પ્રાર્થના કરનારની અંદરની તીવ્રતા અને શ્રધ્ધા પર આધાર રાખે છે.
વર્તમાન સમયે દિન પ્રતિદિન લોકોમાં માનસિક તનાવ વધતો જાય છે. ત્યારે હાલમાં થયેલી એક શોધ પ્રમાણે નિયમિત પ્રાર્થના માનસિક તનાવને ઓછો કરે છે. યુનિવર્સિટી ઓફ ફલોરિડાના એક અધ્યયનમાં પણ જણાવવામાં આવ્યું છે કે પ્રાર્થના એ સ્ટ્રેસ- તનાવ ઓછો કરવાની શ્રેષ્ઠ પધ્ધતિ છે. તો હાર્વર્ડ મેડીકલ સ્કૂલના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે નિયમિત પ્રાર્થના કરતા લોકોને રોગો સામે રક્ષણ અને રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. પ્રાર્થના કરવાથી ડોપેમાઈનનું સ્તર વધે છે ડોપેમાઈન સારા મૂડ અને ખુશી માટે જરૂરી છે. જેથી ડીપ્રેશન સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. પ્રાર્થના નવજીવનની સંજીવની છે. આજના સંઘર્ષમય જીવનમાં પ્રાર્થના થાકેલાનો વિસામો અને હતાશની આશા છે. પ્રાર્થના પાવનકારી અને કલ્યાણકારી છે. માનવીએ સાચા હૃદયથી નિયમિત પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થનામાં ઇશ્વર પાસે ધન કે કીર્તિ જેવી સ્થૂળ વસ્તુઓની યાચના ન કરતા, ઇશ્વરની પાસે સદ્ગુણોની યાચના કરવી જોઈએ. એવી પ્રાર્થના જ મનુષ્યને ઇશ્વરની સમીપ લઈ જઈ શકે.
- કિશોર ગજજર