Get The App

પ્રમુખ સ્વામીના પ્રેરક પ્રસંગો

Updated: Dec 14th, 2022


Google NewsGoogle News
પ્રમુખ સ્વામીના પ્રેરક પ્રસંગો 1 - image

પ્રમુખ સ્વામીના પ્રેરક પ્રસંગો

આપ ઈશ્વર છો કે માણસ?

અમેરિકાના ઑરલેન્ડો શહેરના એક ભાવિક શ્રી કોગ્સવેલ ૧૯૯૪માં સ્વામીશ્રીને મળતાં જ આભા બની ગયા. આ દિવ્ય પ્રતિભાની વ્યાખ્યા શી કરવી ? તેમણે સીધું સ્વામીશ્રીને જ પૂછી નાખ્યું:

'આપ ઈશ્વર છો કે માણસ ?'

'અમે તો સેવક છીએ.' સ્વામીશ્રી ક્ષણનાય વિલંબ વગર ધાણી ફૂટે તેમ બોલી ઊઠયા. અને સ્વામીશ્રીની પરમાત્મા પ્રત્યેની દાસત્વભક્તિ પર એ અજનબી ઓવારી ગયો. વડોદરા મંદિરમાં ઠાકોરજી સમક્ષ ભગવદ્ચરણદાસ સ્વામી સ્વામીશ્રીના ચરણસ્પર્શ કરવા માટે ઝૂક્યા કે તરત જ દર્શનમાં લીન બનેલા સ્વામીશ્રીને જાણે વીજળીનો ઝાટકો લાગ્યો હોય તેમ તેઓ ચોંક્યા. સ્વામીશ્રી ભગવત્ચરણ સ્વામીને પગે લાગતા રોકવા લાગ્યા અને ટકોર કરતાં કહ્યું: 'ઠાકોરજી આગળ અને નીચા નમીને પગે લાગવું નહીં. ઠાકોરજીની મર્યાદા જળવાવી જોઈએ...' અને છેલ્લે વાત પર જોર આપતાં કહ્યું: 'રાજા આગળ નોકરને પગે લાગીએ તો કેવું લાગે ?'

તેમની આંખોમાં સેવકભાવનો એક તેજલિસોટો પસાર થઈ ગયો.

એમનો એ સેવકભાવ કેન્યાના રાષ્ટ્રપિતા જોમો કેન્યાટાથી લઈને અનેક લોકોએ અનુભવ્યો છે. સ્વામીશ્રીની સાથે રહેલી ભગવાનની મૂર્તિ-હરિકૃષ્ણ મહારાજને જોઈને તેમણે પૂછ્યું: 'આ શું છે ?'

સ્વામીશ્રીએ કહ્યું: 'સાક્ષાત્ ભગવાનની મૂર્તિ!'

'ઓહ ! ખ્રિસ્તીઓ ક્રોસ પહેરે છે તેવું પ્રતીક જ ને!'

સ્વામીશ્રી એકદમ બોલી ઊઠયા: 'ના, ક્રોસ તો પ્રતીક છે. જ્યારે આ મૂર્તિમાં તો ભગવાન સાક્ષાત્ અખંડ રહ્યા છે. આ મૂર્તિ જુએ છે, કાર્ય કરે છે. અને આપણાં તમામ કર્મોની સાક્ષી છે. તેથી એ મૂર્તિ કેવળ મૂર્તિ નથી પણ ભગવાન પોતે જ છે...' શ્રદ્ધાનો એ અનન્ય રણકાર સાંભળીને અવાચક બનેલા શ્રી કેન્યાટા નક્કી કરી શક્યા નહિ કે સ્વામીશ્રી કઈ આધ્યાત્મિક ઊંચાઈ બિરાજે છે !

આપણે સૌ હરિનાં જન છીએ

એ ચાર-પાંચ યુવાનો એકબીજા સામું આશ્ચર્યથી જોવા લાગ્યા.

કોને બોલાવે છે !? દરેકને મનમાં સવાલ થયો.

ત્યાં ફરીથી એ મધુર અવાજ સંભળાયો: 'તમે બધા જ આવો.'

કંઈક શરમ અને કંઈક સંકોચ સાથે એ યુવાનો બોલી ઊઠયા: 'પણ બાપજી ! અમે તો હરિજન છીએ !'

સ્વામીશ્રીએ કરૂણાભીના સ્વરે કહ્યું: 'તો અમે પણ હરિના જન છીએ...નજીક આવો ને !'

દોડતાં એ યુવાનો સ્વામીશ્રી પાસે પહોંચી ગયા. સ્વામીશ્રીએ તેમનાં મસ્તક ઉપર પ્રેમાળ અભય હસ્ત ફેરવ્યો. દરેકના રોમેરોમમાં આનંદ છવાઈ ગયો.

'ભાઈ ! હરિના જન તો સૌને થવાનું છે. કાંઈ વ્યસન છે ? જીવન શુદ્ધ કરજો. વ્યસન હોય તો છોડજો. વ્યસન વગરનું પવિત્ર જીવન કરજો. લ્યો, આશીર્વાદ છે...'

જીવન પરિવર્તનની આ અનાયાસ દીક્ષાએ તેમને કૃતાર્થ કરી દીધા. સારંગપુર ગામના એ હરિજનોને માટે આ દિવ્ય અનુભવ હતો - કોઈ સંતનો નહિ, પણ સંતમાં રહેલા સાક્ષાત્ ભગવંતનો....

અને એ નંખાઈ ગયેલા ચહેરાઓ ઉપર તેજ ઝળકી ઊઠયું, લઘુતાગ્રંથિ ઓગળી ગઈ, આનંદની લહેર ઊઠી, હૈયે પેલો સ્વર ઘુંટાવા લાગ્યો:

'આપણેય હરિના જન છીએ, ગૌરવવંતા છીએ,મૂઠી ઊંચેરા છીએ...'

આઈ હેવ ગોડ.. એમાં બધું આવી ગયું

પોતાના એક હિંદુ મિત્ર સાથે શ્રી કાર્લોસ વેગા સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. લૉસ એન્જલસના એક ધનાઢ્ય તરીકે શ્રી કાર્લોસ વેગાના અંતરમાં કંઈક ગર્વ હતો. એક હિંદુ ધર્મગુરુનાં દર્શને આવવાનો તેમનો આ કદાચ પ્રથમ જ અનુભવ હતો.

સીધું-સાદું પરંતુ સહજ-અહંશૂન્ય વ્યક્તિત્વ ધરાવતા સ્વામીશ્રીએ તેમને આવકાર્યા. સ્વામીશ્રીના સાંનિધ્યમાં તેમણે થોડીક ક્ષણો પસાર કરી ત્યારે તેમને લાગ્યું કે સમય થંભી ગયો છે. અંતરમાં દિવ્યતા છવાઈ ગઈ. શીતળતાનો અનન્ય અનુભવ થયો.

સ્વામીશ્રીનાં ચરણોમાં મસ્તક ઝુકાવતાં તેઓ બોલી ઊઠયા: 'સ્વામીજી ! આપની પાસે આવવાથી આજે મને જિંદગીમાં સર્વપ્રથમ વખત શાંતિનો અને શીતળતાનો અનુભવ થયો છે. મારી પાસે બંગલો છે, મોટર છે, પૈસા છે, કીર્તિ છે, બધું જ છે....આઇ હેવ એવરીથીંગ....પરંતુ શાંતિ....'

'આઈ હેવ ગોડ !' સહજ હસી પડતાં સ્વામીશ્રી એકદમ અલમસ્તાઈથી બોલી ઊઠયા. પછી કહે: 'નો મની. આઇ હેવ ગોડ.' પાસે ભગવાન રાખ્યા છે. તેમાં બધું જ આવી ગયું !

પરમતત્વના સાક્ષાત્કારની એ ચરમસીમા સમી અલમસ્તાઈને એક અલભ્ય અજાયબી તરીકે એ ધનાઢ્ય માણતો રહ્યો.

ભગવાનના અપરોક્ષાનુભવી સંતનાં ચરણોમાં મસ્તક ઝુકાવતાં તેને લાગ્યું કે પોતે હિમાલય આગળ તરણા સમો લાગી રહ્યો છે.

વૈભવ નહીં સાદગીથી રીઝ્યા

'સ્વામી ! મારે ગામ આપ પધારો ને !'

વિરમગામ પાસેના કાંકરાવાડી ગામનો ૧૫ વર્ષનો ભાવિક કિશોર ગણેશ સ્વામીશ્રીને પગ પકડીને વિનવી રહ્યો હતો. એના ગામમાં કોઈને સત્સંગ નહિ. અને વળી, સ્વામીશ્રીના તો મહિનાઓ સુધીના ચુસ્ત કાર્યક્રમો ગોઠવાઈ ગયા હતા. પરંતુ આ ગામડાગામના ભાવિક છોકરાનો ભાવ એવો હતો કે કાર્યક્રમમાં ફેરફાર કરીને પણ સ્વામીશ્રીએ એને આવવાનું વચન આપ્યું. જો કે એમાં સ્વામીશ્રીને ઘણો જ શ્રમ પડે તેમ હતો. પરંતુ એ કિશોરને એની ઝાઝી સમજ પડતી નહોતી.

અને એ દિવસ આવ્યો.

ઢળતી સંધ્યાએ એ ધુળિયા ગામમાં ઊડતી ધૂળના ગોટા વચ્ચે, ખાડાટેકરાવાળા રસ્તા પર ઊબડખાબડ થતાં સ્વામીશ્રીએ પ્રવેશ કર્યો.

ગણેશનો હરખ આસમાનને આંબતો હતો.

સાવ નાનું એવું ગામ. ગામમાં માત્ર એક જ પાકું મકાન હતું. ગણેશના કાચી માટીના ઘરમાં સ્વામીશ્રી પધાર્યા. નહિ લાઇટની કોઈ સગવડ કે નહિ સંડાસ-બાથરૂમનીયે વ્યવસ્થા !

નાના ફળિયામાં પેટ્રોમેક્સના અજવાળે સ્વામીશ્રીએ સભા કરી. સખત ગરમીના દિવસો હતા. ઇલેક્ટ્રિસિટી જ નહોતી ત્યાં પંખા તો હોય જ ક્યાંથી ? રાત્રે સૂવા માટે બાજુના એક મકાનના ધાબે સૌની સાથે જ નીચે પાથરેલી પથારી પર સ્વામીશ્રી સૂતા. સવારે નિત્યક્રમથી પરવારી ગામમાં પધરામણી કરી, સભા કરી જમ્યા અને બપોરે માટીના ઓરડામાં આરામ માટે પધાર્યા. તાપ કહે મારું કામ ! હવા-ઉજાસ વિનાના એ ઓરડામાં સ્વામીશ્રી નિરાંતે પોઢ્યા.

ગણેશે એટલી વાત નોંધી કે પોતાના આ ગામમાં અગવડોની ભરમાર વચ્ચે પણ સ્વામીશ્રીના મુખ પર એ જ આનંદ છવાયો હતો ! આજે વર્ષો પછી ગણેશ સવાલ કરે છે: 'એ સ્વતઃ સ્ફૂરતો આનંદ જ બ્રહ્મનો આનંદ નહિ હોય ?'


Google NewsGoogle News