ભક્ત કવિ નરસિંહ મહેતાના પદો
પ્રભુને પામવા માટે જો કોઈ સરળ માર્ગ હોય તો તે ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગનું સ્વરૂપ એટલે મધ્યકાલિન ભક્તિ પરંપરા અને મધ્યકાલિન ભક્તિ પરંપરાનો જો કોઈ દિવડો હોય તો એ ભક્ત કવિ નરસિંહ મહેતા છે. આજે વાત કરવી છે ભક્ત કવિ નરસિંહ મહેતાના પદો વિશે.
નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર તો આપણે જાણીએ છીએ પણ, એમણે જે પદોની રચના કરી છે એ વેદોનું અને શાસ્ત્રોના પ્રમાણ સહિત નરસિંહ મહેતાના પદો છે. નરસિંહ મહેતાએ પણ વેદોને જાણ્યા છે અને શાસ્ત્રોને વાંચ્યા છે. એમનું પ્રસિદ્ધ પદ 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે...' આ પદ સંપૂર્ણ શ્રીમદ્ ભાગવતજીના આધારે રચાયું હોય તેવું માનવામા આવે છે. કારણ કે, શ્રીમદ્ ભાગવતજીના એકાદશ સ્કંધમાં નિમિ રાજાને કવિ અને હરિ નામાના યોગેશ્વરે પરમ ભાગવત પુરુષોના લક્ષણો વર્ણવ્યાં છે. જેમાં કહ્યું કે પરમ ભાગવત પુરુષ કોને કહેવાય !? તો જે સર્વમાં ભગવાનને જુવે એ જ ઉત્તમ ભક્ત છે. ત્યાં શ્લોક છે કે, 'સર્વભૂતેષુ યત્ પશ્યે ભગવત ભાવ આત્મનઃ ભૂતાનિ ભગવદાત્મનિ એશ ભાગવતોત્તમ.' અર્થાત્ 'જે સર્વમાં ભગવાનને જુવે એ જ ભક્ત' અને આવા જ ભાવથી નરસિંહ મહેતાએ પદમાં વર્ણવ્યું કે, 'સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન-ધન જનની તેની રે.' આ પદનો શ્રીમદ્ ભાગવતજી સાથે તો સંબંધ છે જ પણ ગીતાજીના ૧૨ માં અધ્યાય સાથે પણ આનો સંબંધ છે. ભગવાન ભક્તના લક્ષણો વર્ણવતાં કહે છે કે, 'તુલ્યનિંદા સ્તુતિરમૌનિ સંતુષ્ટો યેનેકેન ચિત્ત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન્મેપ્રિયો નરઃ' અર્થાત્ ઉપરોક્ત પદની જે પંક્તિઓ વર્ણવી એ જ અહીંયા ગીતાજીમાં વ્યક્ત થઈ છે.
નરસિંહ મહેતા ભક્ત છે પણ જ્ઞાાનમાર્ગની પણ એમની પરાકાષ્ટા છે. ભક્ત હોવા છતાં પણ નરસિંહ મહેતા એમ કહી શકે કે, 'જ્યાં લગી આત્મ તત્ત્વ ચિંધ્યો નહિં ત્યાં લગી સાધના સર્વ જૂઠી.' ભક્ત કવિ નરસિંહ મહેતાનું એવું માનવું છે કે, ભગવાન ઘટ-ઘટમાં છે; અને માટે કહ્યું કે, 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, ઝૂજવે રૂપ અનંત ભાસે' જે ભગવાનના સ્વરૂપનું વર્ણન ઉપનિષદોમાં કરવામાં આવ્યું કે ભગવાન સત્ય છે, ભગવાનનું સ્વરૂપ અનંત છે. તો નરસિંહ મહેતાએ પોતાના પદમાં સહજતાથી ઉપનિષદોના વાક્યને પધરાવ્યાં.
નરસિંહ મહેતાની ભક્તિ પરખ રચનાઓનો તો કોઈ પાર જ નથી. ભગવાન શ્રીકૃષ્ણની પધરામણીનું એક પદ અહીં મને સ્મરણ થાય છે કે ભગવાન જ્યારે પધારે ત્યારે ભક્તને કેવો ભાવ હોય એવો જ ભાવ નરસિંહ મહેતા પોતાના પદમાં વ્યક્ત કરે છે. 'હળવે હળવે હળવે હરજી મ્હારે મંદિર આવ્યાં જો, મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યાં જો.. કિધું કિધું કિધું વ્હાલે મુજપર કામણ કિધું રે, ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે.., મળીયા મળીયા મળીયા મહેતા નરસૈંયાના સ્વામિ રે.' આમ, નરસિંહ મહેતાની આ ભક્તિ પરખ રચના શ્રીમદ્ ભાગવતજીના દશમ સ્કંધના આધારે રચાઈ હોય તેવું માનવામાં આવે છે.
દશમ સ્કંધના પાંચમા અધ્યાયમાં શુકદેવજી મહારાજે પરિક્ષિત મહારાજને નંદ મહોત્સવની કથા સંભળાવી છે. ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળમાં પધાર્યાં અને ગોકુળનો જે આનંદ હતો એ જ આનંદ નરસિંહ મહેતાએ પોતાના આ પદમાં પ્રસ્તુત કર્યો કે, ' જેમાં - ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે..' આ જે શબ્દો છે એનો દશમ સ્કંધ સાથે સિધો સંબંધ છે. અહીં શ્લોકમાં વર્ણવ્યું છે કે, 'ગોપાઃ પરસ્પરં રુષ્ટાઃ દધિ-ક્ષિરઃ ઘૃતામ્બુભિઃ, આસિન ચંતો વિલિમપંતો નવનિતૈશ્ચ ચિક્ષિપુઃ' આ શ્લોકમાં શુકદેવજી મહારાજે વર્ણવ્યું કે, 'ગોપ અને ગોવાળિયાઓ ભગવાનના ઉત્સવમાં એટલા મગ્ન બની ગયાં કે એક બીજા ઉપર દૂધ, દહીં, છાશ ઉછાળવા માંડયા.' જેનું વર્ણન નરસિંહ મહેતાએ ઉપરોક્ત શબ્દોમાં કર્યું જે આપણે જોયું.
આમ, મધ્યકાલિન ભક્તિ પરંપરામાં ભક્ત કવિ નરસિંહ મહેતાના પદો એ વેદ, શાસ્ત્ર અને પુરાણોનો સાર છે. તો આવો, ભક્ત કવિ નરસિંહ મહેતાના પદોથી ભક્તિ માર્ગની યાત્રા કરીએ, આપણા જીવનને કૃતાર્થ કરીએ!
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી