"પશુપતિનાથ" .
દ્વાપર યુગની વાત છે. શ્રી કૃષ્ણ એ વખતે દ્વારકામાં રહેતા હતા. દાનાસુર નામનો રાક્ષસ ખાઈખપૂચીને એમના પૌત્રની પાછળ પડયો હતો. અવારનવાર મોકો જોઈને દાનાસુર એમના પૌત્રની ઉપર આક્રમાણ કરતો હતો. આથી શ્રી કૃષ્ણને પૌત્રની ફિકર-ચિંતા રહ્યા કરતી હતી. એક દિવસ શ્રી કૃષ્ણે વિચાર્યું : 'આ દાનાસુર રાક્ષસ કપટી છે કપટથી ક્યારે પૌત્રના પ્રાણ હરી લે એનું કંઈ ઠેકાણુ નહીં એટલે દાનાસુરના હાથ ન પહોંચે એવી જગ્યાએ પૌત્રને લઈ જવો જોઈએ.' એટલે શ્રી કૃષ્ણ પોતાના પૌત્રને લઈને ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા નેપાળમાં જઈ ચડયા. એમની સાથે થોડા ગોવાળિયાઓ પણ હતા. આજે જ્યાં કાંઠમાંડુની ઘાટી છે ત્યાં આવીને એ બધા અટક્યા શ્રી કૃષ્ણને અને સાથી ગોવાળોને આ ઘાટી ખૂબ જ ગમી ગઈ. પોતાના પૌત્ર અને ગોવાળોને ત્યાં જ મુકીને શ્રી કૃષ્ણ દ્વારિકા પાછા ફરી ગયા. રોકાઈ ગયેલા ગોવાળો પદ્યકાસ્થગિરિમાં કાયમ માટે વસી ગયા. ત્યાં સરસ ગૌશાળા બનાવી. પોતાને રહેવા માટે સુંદર નિવાસો બનાવ્યા. આ ગોવાળો પાસે ખાસુ ગોધન હતું. ઘણી દૂઝણી ગાયો હતી પરંતુ એક તંદુરસ્ત અને દૂઝણી ગાયની સૌને ચિંતા થવા લાગી એ બિલકુલ દૂધ દેતી નહોતી. ગાય રોજ સવારે અન્ય ગાયોની સાથે ચરવા જતી. પરંતુ ગોધનના ટોળામાંથી આ ગાય રોજ જુદી પડી જતી ને ક્યાંક ચાલી જતી ને છેક સંધ્યાટાણે ગૌશાળામાં પાછા ફરવાના સમયે એ આવી જતી. ગોવાળો ભેગા થઈ વિચાર્યું : 'આ ગાય રોજ ક્યાં જતી હશે ?' બીજા દિવસે ગોધન સાથે એ ગાય પણ જંગલમાં ચરવા ઊપડી. પાછળ પાછળ ગોવાળો પણ છાનામાના ઉપડયા. ગાયોનું ધણ એ રસ્તે વળી ગયું પણ આ ગાય અડાબીડ જંગલમાં જતી કેડી તરફ ગઈ. ગાય ચાલતી ચાલતી એક નિર્જન સ્થળે પહોંચી ગોવાળોએ એક ચમત્કાર જોયો. ગાયના ચારેય આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી. જે જગ્યાએ એણે દૂધની ધારા છોડી ત્યાં જમીનમાં બધું દૂધ જમીનમાં ઊતરી જતું હતું. ગોવાળોએ વિચાર્યું ગાય બધું દૂધ જમીન પર વહાવી દે છે. નક્કી આ જમીનની નીચે અવશ્ય કંઈક હોવું જોઈએ. વિચાર કરી ગોવાળોએ જમીન ખોદવા માંડી જમીન ખોદતા હાથ જેટલો ઊંડો ખાડો ખોધ્યો ત્યાં બધા ગોવાળો ચમક્યા. માટી નીચેથી શિવલિંગ દેખાયું. શિવલીંગમાંથી પ્રકાશપૂંજી ગોવાળોની આંખો અંજાઈ ગઈ. એ લોકોએ તો "ને" નામના મૂનિને આ વાતની જાણ કરી.
દ્વાપર યુગના અંતિમ ચરણમાં "ને" મુનિ બાગમતી અને કેશાવતી નદીના કિનારે તપ કરતા મૂનિ હતા. "ને" મુનિ બધો ભેદ સમજી ગયા. મુનિએ કહ્યું : "આ અલૌકિક લિંગ ભગવાન પશુપતિનાથનું છે. પશુપતિનાથનું પ્રાચીન મંદિર પણ અહીં જ હશે. એ જ સ્થળે "ને" મૂનિની પ્રેરણાથી એક મંદિર નિર્માણ કરવામાં આવ્યું. "ને" મૂનિના નામ પર એ પર્વતમાળાનું નામ પણ "નેપાળ" પડી ગયું. આજે એ પશુપતિનાથ નામે પ્રખ્યાત છે.
- ચેતન એસ. ત્રિવેદી